જાહેરાત
તાજા સમાચાર
નીરવ મોદીના પ્રત્યાર્પણમાં વિલંબથી ભારત નારાજ: યુકેના પૂર્વ ગૃહમંત્રી પ્રીતિ પટેલનો મોટો દાવો. | PM મોદીની પોસ્ટ હટાવવાના મામલે Metaની માફી, ટેક્નિકલ ખામી જવાબદાર હોવાનો સૂત્રોનો દાવો | ૧.૮૪ લાખ સહીઓ સાથે ગૌમાતાને ‘રાષ્ટ્રમાતા’નો દરજ્જો આપવાની માંગ: મોરબીથી ઉઠ્યો સાંસ્કૃતિક સંદેશ, હવે સરકારના નિર્ણય પર નજર. | ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીમાં BAMS પરીક્ષાનું પેપર લીક મામલો: આવેદનપત્ર આપવા વિદ્યાર્થીઓ ચાણક્ય ભવન પહોંચ્યા. | સાયબર ફ્રોડમાં પોલીસ સ્ટેશન જવાની જરૂર નહીં! હવે માત્ર 1930 પર કોલથી નોંધાશે E-ZERO FIR. | વંદે ભારત એક્સપ્રેસમાં મોટા ફેરફારો: નવી રૂટ અને ટાઈમિંગ જાહેર, અમદાવાદના મુસાફરોને મળશે મોટી રાહત. | સ્કૂલોની દાદાગીરી હવે નહીં ચાલે! ધોરણ-1માં પ્રવેશ માટે પ્રી-સ્કૂલનું સર્ટિફિકેટ ફરજિયાત નથી. | પાંચ વર્ષ જૂનો બાઈક ચોરીનો ભેદ ઉકેલાયો: મોરબી એલ.સી.બી.ની સતર્ક કામગીરીથી આરોપી ઝડપાયો. | સહકાર ક્ષેત્રે જામનગરને નવી ઓળખ: આધુનિક મુખ્ય કચેરીનું લોકાર્પણ વિકાસની દિશામાં મહત્વપૂર્ણ પગલું. | જામનગરમાં જાહેરમાં ઘોડી પાસા વડે જુગાર રમતા સાત શખ્સ ઝડપાયા, ₹1.52 લાખથી વધુનો મુદ્દામાલ કબજે. |
પાછા મુખ્ય સમાચાર પર
મારું ગુજરાત ૧૪ વાર જોવાયેલ એક કલાક પેહલા

મારું ગુજરાત સાયબર ફ્રોડમાં પોલીસ સ્ટેશન જવાની જરૂર નહીં! હવે માત્ર 1930 પર કોલથી નોંધાશે E-ZERO FIR.

સાયબર ફ્રોડમાં પોલીસ સ્ટેશન જવાની જરૂર નહીં! હવે માત્ર 1930 પર કોલથી નોંધાશે E-ZERO FIR.

રાજ્યમાં વધી રહેલા સાયબર ફ્રોડ અને નાણાકીય છેતરપિંડીના બનાવોને ધ્યાનમાં રાખીને ગુજરાત પોલીસે ભોગ બનનાર લોકોને ઝડપી ન્યાય અને નાણાંની રિકવરીમાં મદદરૂપ બને તેવી E-ZERO FIR સિસ્ટમ શરૂ કરી છે. હવે સાયબર ફ્રોડનો ભોગ બનનાર વ્યક્તિએ પોલીસ સ્ટેશનના ધક્કા ખાવાની જરૂર રહેશે નહીં. માત્ર સાયબર હેલ્પલાઇન 1930 પર કોલ કરીને ફરિયાદ નોંધાવતાં જ E-ZERO FIR દાખલ થઈ જશે અને સંબંધિત પોલીસ સ્ટેશનમાં આપમેળે મોકલી આપવામાં આવશે.

આ નવી વ્યવસ્થાથી તપાસની પ્રક્રિયા તાત્કાલિક શરૂ થઈ શકશે, જેના કારણે છેતરપિંડીથી ગયેલી રકમ ઝડપથી ફ્રીઝ કરવા અને પરત મેળવવાની શક્યતા વધશે. ગુજરાત પોલીસે આ માટે વિશેષ સોફ્ટવેર તૈયાર કરીને સમગ્ર રાજ્યની પોલીસ વ્યવસ્થાને તેની સાથે સંકલિત કરી છે.

અગાઉ કેવી હતી પ્રક્રિયા?

અગાઉ કોઈ વ્યક્તિ સાયબર છેતરપિંડીનો ભોગ બનતો ત્યારે તેને સૌપ્રથમ 1930 હેલ્પલાઇન પર કોલ કરીને ફરિયાદ નોંધાવવી પડતી હતી. ત્યારબાદ હેલ્પલાઇન દ્વારા માત્ર એક ટિકિટ નંબર આપવામાં આવતો અને ફરિયાદીને નજીકના પોલીસ સ્ટેશનમાં જઈને રૂબરૂ FIR નોંધાવવાની સલાહ આપવામાં આવતી હતી.

આ પ્રક્રિયામાં ઘણીવાર કલાકોનો વિલંબ થતો હતો. તે દરમિયાન છેતરપિંડી કરનારાઓ રકમ અન્ય ખાતાઓમાં ટ્રાન્સફર કરી દેતા હોવાથી નાણાં પરત મેળવવામાં મુશ્કેલી ઊભી થતી હતી.

હવે ફરિયાદ નોંધાતાં જ થશે FIR

નવી E-ZERO FIR વ્યવસ્થા હેઠળ ભોગ બનનાર વ્યક્તિ દ્વારા 1930 પર આપવામાં આવેલી માહિતીના આધારે તરત જ ઝીરો FIR નોંધાઈ જશે. ત્યારબાદ તે કેસ આપોઆપ સંબંધિત પોલીસ સ્ટેશનમાં મોકલી દેવાશે, જેથી તપાસમાં કોઈ વિલંબ નહીં થાય અને ફરિયાદીને અલગથી પોલીસ સ્ટેશન જવાની જરૂર પણ નહીં રહે.

ગુજરાત પોલીસે તમામ ફિલ્ડ યુનિટ્સ સાથે સંકલન સાધીને આ સિસ્ટમને કાર્યરત બનાવી છે, જેના કારણે સમગ્ર રાજ્યમાં સાયબર ગુનાઓ સામે ઝડપી કાર્યવાહી શક્ય બનશે.

પ્રથમ કેસમાં જ બચ્યા ₹16 લાખ

ગુજરાતમાં આ નવી વ્યવસ્થા હેઠળ નોંધાયેલી પ્રથમ E-ZERO FIR અમદાવાદના એક ડિજિટલ અરેસ્ટના કેસમાં નોંધાઈ હતી. આ કેસમાં ત્વરિત કાર્યવાહી કરીને રૂ. 16 લાખની રકમ બચાવવામાં સફળતા મળી હતી. આ ઘટનાએ નવી વ્યવસ્થાની અસરકારકતા સાબિત કરી છે.

I4Cના સહયોગથી અમલ

ગુજરાત પોલીસે આ નવી સિસ્ટમ કેન્દ્રીય ગૃહ મંત્રાલયના ઇન્ડિયન સાયબર ક્રાઇમ કો-ઓર્ડિનેશન સેન્ટર (I4C) સાથે સંકલન કરીને અમલમાં મૂકી છે. તેનો મુખ્ય હેતુ સાયબર છેતરપિંડીના કેસોમાં પ્રાથમિક તબક્કે જ ઝડપી કાનૂની કાર્યવાહી શરૂ કરવી અને ભોગ બનનારને વધુમાં વધુ રાહત પહોંચાડવાનો છે.

નાગરિકો માટે મહત્વની સલાહ

પોલીસે નાગરિકોને અપીલ કરી છે કે જો કોઈપણ પ્રકારની ઓનલાઈન નાણાકીય છેતરપિંડી, ડિજિટલ અરેસ્ટ, OTP ફ્રોડ, UPI ફ્રોડ અથવા બેંકિંગ સાયબર ક્રાઇમનો ભોગ બને તો એક ક્ષણનો પણ વિલંબ કર્યા વગર તરત જ 1930 હેલ્પલાઇન પર કોલ કરીને ફરિયાદ નોંધાવે. સમયસર ફરિયાદ નોંધાવવાથી ગુનેગારો સુધી ઝડપથી પહોંચવું અને ગુમાવેલી રકમ બચાવવાની શક્યતા નોંધપાત્ર રીતે વધી જાય છે.

આ સમાચાર શેર કરો:
સમય સંદેશ મેનુ