ક્રાઇમ ભોગાત ગામે દ્વારકા–પોરબંદર હાઈવે પર કારની ગૌ માતાને ટક્કર, ગંભીર ઈજા – સીસીટીવી સામે આવ્યા
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં દ્વારકા–પોરબંદર હાઈવે પર ભોગાત ગામ પાસે આજે એક દુર્ઘટના બની હતી જેમાં એક કાર ચાલકે રસ્તા પર આવેલી ગૌ માતાને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી ભયંકર હતી કે ગૌ માતા દૂર સુધી ફંટાઈ જઈ ગંભીર રીતે ઘવાઈ હતી.
મળતી માહિતી મુજબ હાઈવે પર વાહનચાલકોની ઝડપી ગતિના કારણે આ અકસ્માત સર્જાયો હતો. ઘટનામાં સદનસીબે મોટી જાનહાની ટળી છે, પરંતુ ગૌ માતાને ગંભીર ઈજા પહોંચી હોવાનું જાણવા મળે છે.
આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં કારની ઝડપ અને ટક્કરનો દ્રશ્ય સ્પષ્ટ રીતે દેખાય છે. ઘટનાને લઈને ગૌ પ્રેમીઓમાં ભારે રોષની લાગણી ફેલાઈ છે અને તાત્કાલિક કાર્યવાહી કરવાની માગ ઉઠી છે.
સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ આ હાઈવે ગામ વચ્ચેથી પસાર થતો હોવાથી અહીં અવારનવાર નાના-મોટા અકસ્માતો થતા રહે છે. અગાઉ પણ અનેક વખત આવા બનાવો નોંધાઈ ચૂક્યા છે, છતાં પૂરતી સુરક્ષા વ્યવસ્થા ન હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે.
લોકોએ નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI)ને અપીલ કરી છે કે ભોગાત ગામ વિસ્તારમાં સ્પીડ બ્રેકર અથવા અન્ય ગતિ નિયંત્રણ ઉપાયો તાત્કાલિક અમલમાં મૂકવામાં આવે જેથી ભવિષ્યમાં આવા અકસ્માતો અટકાવી શકાય.
સ્થાનિક સ્તરે આ ઘટનાને લઈને ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે અને હાઈવે પર વાહનચાલકોને ગતિ નિયંત્રણમાં રાખવા પણ અપીલ કરવામાં આવી છે.