મારું ગુજરાત ગુજરાતની તમામ શાળાઓનું હવે SQAAFથી થશે મૂલ્યાંકન: 5 ઓગસ્ટે રાજ્યવ્યાપી તાલીમ, 2026-27થી નવી વ્યવસ્થા લાગુ
રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) 2020ના અમલીકરણને વધુ અસરકારક બનાવવા માટે ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા શાળાઓની ગુણવત્તા સુધારવા માટે મહત્વપૂર્ણ પગલું લેવામાં આવ્યું છે. રાજ્યની તમામ સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી શાળાઓનું હવે 'સ્કૂલ ક્વૉલિટી એસેસમેન્ટ એન્ડ એશ્યોરન્સ ફ્રેમવર્ક' (SQAAF) મુજબ મૂલ્યાંકન કરવામાં આવશે. આ નવી વ્યવસ્થા અંગે શાળાઓને માર્ગદર્શન આપવા માટે આગામી 5 ઓગસ્ટના રોજ એક દિવસીય રાજ્યવ્યાપી ઓનલાઈન તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે.
ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ (GCERT) દ્વારા BISAG-Nના માધ્યમથી સવારે 11 વાગ્યે આ તાલીમ યોજાશે. આ તાલીમમાં રાજ્યની તમામ શાળાઓના આચાર્યો અને શિક્ષકોને SQAAF માળખાની સંપૂર્ણ માહિતી આપવામાં આવશે. શિક્ષણ વિભાગનો હેતુ છે કે દરેક શાળા નવા મૂલ્યાંકન માપદંડો સમજી શકે અને શૈક્ષણિક ગુણવત્તામાં સતત સુધારો લાવી શકે.
શિક્ષણ વિભાગના જણાવ્યા મુજબ, હવે ગુણોત્સવ 2.0 કાર્યક્રમ પણ SQAAFના માપદંડોના આધારે યોજાશે. આ માળખું રાષ્ટ્રીય સ્તરના માપદંડો અને NCERTના માર્ગદર્શક સિદ્ધાંતોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી દ્વારા જૂન મહિનામાં SQAAFનું વિધિવત લોકાર્પણ કરવામાં આવ્યું હતું અને હવે શૈક્ષણિક વર્ષ 2026-27થી રાજ્યની તમામ શાળાઓમાં તેનો અમલ કરવામાં આવશે.
SQAAF હેઠળ શાળાઓનું મૂલ્યાંકન 6 મુખ્ય ક્ષેત્રો અને 211 અલગ અલગ માપદંડોના આધારે કરવામાં આવશે. તેમાં અધ્યયન અને અધ્યાપનની ગુણવત્તા, વિદ્યાર્થીઓના મૂલ્યાંકનની પદ્ધતિ, શાળા વ્યવસ્થાપન, વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટેની પ્રવૃત્તિઓ, શાળાના ભૌતિક અને શૈક્ષણિક સંસાધનો તેમજ શાળા છાત્રાલય જેવી બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
આ મૂલ્યાંકન પ્રક્રિયા બે તબક્કામાં પૂર્ણ કરવામાં આવશે. પ્રથમ તબક્કામાં રાજ્યની તમામ શાળાઓએ SQAAF પોર્ટલ પર સ્વ-મૂલ્યાંકન (Self Assessment) કરવાનું રહેશે. શાળાઓ પોતાની કામગીરી, સુવિધાઓ અને શૈક્ષણિક વ્યવસ્થાનું મૂલ્યાંકન કરીને પોર્ટલ પર માહિતી રજૂ કરશે.
ત્યારબાદ બીજા તબક્કામાં સ્વ-મૂલ્યાંકન પૂર્ણ કરનાર શાળાઓમાંથી મહત્તમ 33 ટકા શાળાઓનું બાહ્ય મૂલ્યાંકન (External Assessment) કરવામાં આવશે. આ પ્રક્રિયા દ્વારા શાળાઓની વાસ્તવિક સ્થિતિનું નિષ્પક્ષ મૂલ્યાંકન થશે અને જરૂરી સુધારા માટે માર્ગદર્શન આપવામાં આવશે.
મૂલ્યાંકનની અંતિમ રિપોર્ટ કાર્ડને પણ પારદર્શિતાના ભાગરૂપે SQAAF પોર્ટલ પર જાહેર કરવામાં આવશે. આથી વાલીઓ અને સામાન્ય નાગરિકો પણ શાળાની ગુણવત્તા, કામગીરી અને વિકાસ અંગેની માહિતી મેળવી શકશે. શિક્ષણ વિભાગનું માનવું છે કે આ નવી વ્યવસ્થા દ્વારા રાજ્યની શાળાઓમાં ગુણવત્તાયુક્ત શિક્ષણ, જવાબદારી અને સતત સુધારાની સંસ્કૃતિ વિકસશે.
GCERT દ્વારા તમામ સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી શાળાઓના આચાર્યો તેમજ શિક્ષકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ 5 ઓગસ્ટે યોજાનારી ઓનલાઈન તાલીમમાં સક્રિય રીતે જોડાઈને SQAAFના અમલીકરણ માટે તૈયાર રહે. આ માળખું ગુજરાતની શિક્ષણ વ્યવસ્થામાં ગુણવત્તા સુધારવા તરફનું એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે.