જાહેરાત
તાજા સમાચાર
માણાવદરમાં મોબાઇલ શોપ સંચાલકની હત્યા, છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યો | વર્ગ-2 રાજ્યસેવક સામે ACBનો સકંજો, ₹1.78 કરોડની અપ્રમાણસર મિલકતનો ગુનો દાખલ | PM મોદીનો મોટો ડિજિટલ પ્લાન: મંત્રીઓને ‘સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર’ બનવા સૂચના, જાણો શું છે નવી વ્યૂહરચના? | ભાવનગરના ખરકડી ગામે નશા બાદ યુવકનું મોત, ચાર લોકોની તબિયત લથડી. | ભાવનગરના ઉખલા ગામે ચોંકાવનારી ઘટના: કૂવામાં પડી 3 યુવકોના મોત, પોલીસ રેડને લઈને વિરોધાભાસ. | સરકારી નોકરીમાંથી નિવૃત્તિ બાદ પણ કાર્યવાહી! જમીન વિકાસ નિગમના તત્કાલીન મદદનીશ નિયામક સામે અપ્રમાણસર મિલકતનો ગુનો. | કલેક્ટર પી.બી. પંડ્યાની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ. | SBI ગ્રાહકો ખાસ જાણી લો! 1 ઓક્ટોબરથી બદલાશે રોકડ ઉપાડનો નિયમ, 5મા ટ્રાન્ઝેક્શનથી લાગશે ચાર્જ. | RBIનો નવો ડ્રાફ્ટઃ 2027થી બદલાઈ શકે હોમ લોનનો નિયમ, EMI પર શું થશે અસર? | કેન્સર સામેની જંગમાં મોટી સફળતા! સ્કીન કેન્સર પાછું આવતું રોકવામાં પર્સનલાઇઝ્ડ mRNA વેક્સિનના આશાસ્પદ પરિણામો. |
પાછા મુખ્ય સમાચાર પર
ક્રાઇમ ૫૫ વાર જોવાયેલ એક મહિનો પેહલા

ક્રાઇમ ભાટીયામાં સોની વેપારીને વાતોમાં ભોળવી સોનાનો ચેન ચોરી કરનાર શખ્સ LCBના હાથે ઝડપાયો: રૂ. 2.90 લાખનો મુદ્દામાલ જપ્ત

ભાટીયામાં સોની વેપારીને વાતોમાં ભોળવી સોનાનો ચેન ચોરી કરનાર શખ્સ LCBના હાથે ઝડપાયો: રૂ. 2.90 લાખનો મુદ્દામાલ જપ્ત

દેવભૂમિ દ્વારકા: કલ્યાણપુર તાલુકાના ભાટીયા ગામમાં સોની વેપારીને વિશ્વાસમાં લઈને દુકાનમાંથી લાખો રૂપિયાનો સોનાનો ચેન લઈને ફરાર થયેલા શખ્સને આખરે દેવભૂમિ દ્વારકા જિલ્લા એલસીબી (લોકલ ક્રાઇમ બ્રાન્ચ)એ ઝડપી પાડ્યો છે. પોલીસે આરોપી પાસેથી ચોરી કરાયેલ સોનાનો ચેન, રોકડ રકમ, મોબાઇલ ફોન અને મોટરસાયકલ સહિત કુલ રૂ. 2.90 લાખનો મુદ્દામાલ કબજે કરીને તેને આગળની કાર્યવાહી માટે કલ્યાણપુર પોલીસને સોંપ્યો છે.

વૃદ્ધ સોની વેપારીને વાતોમાં ભોળવી કરી હતી ચોરી

પ્રાપ્ત માહિતી અનુસાર, ભાટીયા ગામના જુના વિસ્તારમાં આવેલી એક સોનીની દુકાનમાં વૃદ્ધ વેપારી પોતાની દુકાને બેઠા હતા ત્યારે એક અજાણ્યો શખ્સ ગ્રાહક બનીને આવ્યો હતો.

આરોપીએ પોતાના ચહેરા પર માસ્ક પહેર્યું હતું અને વેપારીને જણાવ્યું હતું કે તેના મોઢાના ભાગે ઈજા હોવાથી તેણે માસ્ક પહેર્યું છે. ત્યારબાદ તેણે પોતાનું ખોટું નામ અને ઓળખ આપી વેપારી સાથે વિશ્વાસપૂર્ણ વાતચીત શરૂ કરી હતી.

દાગીના બનાવવાની વાત કરી વેપારીને વિશ્વાસમાં લીધો

આરોપીએ સોનાના દાગીના બનાવડાવવાના બહાને વેપારીને વિવિધ ડિઝાઇન બતાવવા કહ્યું હતું. વેપારીને બિલ બનાવવા અને અન્ય કામમાં વ્યસ્ત રાખી આરોપીએ પસંદ કરેલો સોનાનો ચેન હાથમાં લીધો હતો.

વેપારીનું ધ્યાન ભટકતા જ આરોપી તકનો લાભ લઈને સોનાનો ચેન લઈને દુકાનમાંથી ફરાર થઈ ગયો હતો. થોડા સમય બાદ વેપારીને ચોરીની જાણ થતાં તેઓ ગભરાઈ ગયા હતા અને તાત્કાલિક સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

વિશ્વાસઘાતનો ગુનો નોંધાયો

વેપારીની ફરિયાદના આધારે કલ્યાણપુર પોલીસે અજાણ્યા શખ્સ સામે વિશ્વાસઘાત અને ચોરી સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.

આ કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને દેવભૂમિ દ્વારકા જિલ્લા એલસીબીને પણ તપાસ સોંપવામાં આવી હતી.

એલસીબીએ ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સથી ઉકેલ્યો કેસ

એલસીબીની ટીમે ઘટનાસ્થળના સીસીટીવી ફૂટેજ, હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે તપાસ આગળ વધારી હતી.

તપાસ દરમિયાન ચોક્કસ બાતમી મળતા એલસીબીની ટીમે ખંભાળિયા-દ્વારકા હાઇવે પર હાબરડી ગામના પાટિયા નજીક વોચ ગોઠવી હતી.

મોટરસાયકલ પર જઈ રહેલો આરોપી ઝડપાયો

દરમિયાન એક શંકાસ્પદ વ્યક્તિ મોટરસાયકલ પર પસાર થતો જોવા મળતાં પોલીસે તેને અટકાવી તપાસ હાથ ધરી હતી.

તપાસમાં તેની ઓળખ કનાભાઈ ઉર્ફે કાનો પુંજાભાઈ ચાવડા, રહે. મોટા આસોટા ગામ, તાલુકો કલ્યાણપુર તરીકે થઈ હતી.

તલાશી દરમિયાન આરોપી પાસેથી ચોરી કરાયેલ રૂ. 1.70 લાખની કિંમતનો સોનાનો ચેન મળી આવ્યો હતો.

રૂ. 2.90 લાખનો મુદ્દામાલ કબજે

પોલીસે આરોપી પાસેથી નીચે મુજબનો મુદ્દામાલ સોનાનો ચેન – રૂ. 1.70 લાખ, રોકડ રકમ – રૂ. 1 લાખ, મોબાઇલ ફોન – રૂ. 10 હજાર, મોટરસાયકલ – રૂ. 10 હજાર આમ કુલ રૂ. 2.90 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપીએ ચોરી કરતાં પહેલાં સોનીની દુકાનની રેકી કરી હતી. તેણે ગ્રાહક બની દુકાનની અવરજવર, વેપારીની કામગીરી અને દુકાનની સ્થિતિ અંગ માહિતી મેળવી હતી.

ઘટનાના દિવસે પણ તેણે ખોટી ઓળખ આપી અને માસ્ક પહેરી વેપારીને વિશ્વાસમાં લીધો હતો. દાગીના બનાવડાવવાની અને બિલ બનાવવાની વાતો કરીને વેપારીનું ધ્યાન ભટકાવ્યું હતું અને તક મળતા સોનાનો ચેન લઈને ફરાર થઈ ગયો હતો.

વધુ પૂછપરછ શરૂ

એલસીબીએ આરોપીની ધરપકડ કરીને તેની સામે જરૂરી કાર્યવાહી કર્યા બાદ તેને વધુ તપાસ માટે કલ્યાણપુર પોલીસને સોંપ્યો છે.

હવે પોલીસ એ દિશામાં તપાસ કરી રહી છે કે આરોપીએ અગાઉ પણ આવી જ રીતે અન્ય સ્થળોએ ગુનાઓ આચર્યા છે કે નહીં તેમજ આ ઘટનામાં અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે કેમ.

દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ દ્વારા વેપારીઓને અજાણ્યા ગ્રાહકો સાથે દાગીનાની લેવડ-દેવડ દરમિયાન ખાસ સાવચેતી રાખવા અને શંકાસ્પદ હિલચાલ જણાય તો તાત્કાલિક પોલીસને જાણ કરવા અપીલ કરવામાં આવી છે.

આ સમાચાર શેર કરો:
સમય સંદેશ મેનુ