જાહેરાત
તાજા સમાચાર
પેલેટ ગન કેસમાં રાહુલ ગાંધીના ધરણા, સાહિલને સાથે લઈ પોલીસ સ્ટેશન પહોંચ્યા; પ્રિયંકા ગાંધી પણ જોડાયા, BJPનો ‘રાજકીય સ્ટંટ’નો આરોપ. | ગુજરાતના બંદરો અને શિપબિલ્ડિંગ ક્ષેત્રમાં રોકાણની નવી તકો, મુંબઈમાં GMBની સ્ટેકહોલ્ડર મીટ. | ભીમાશંકર જ્યોતિર્લિંગની કથા: સહ્યાદ્રિની ગિરિમાળાઓમાં મહાદેવના પ્રાગટ્યની અદ્ભુત ગાથા. | ગુજરાતના પવિત્ર પર્વતો પર આસ્થાનો ‘ઉડન ખટોલા’ સંગમઃ એક વર્ષમાં 47.32 લાખથી વધુ યાત્રાળુઓએ રોપ-વે સેવાનો લીધો લાભ. | જામનગર GG હોસ્પિટલમાં ચાંદીપુરાના શંકાસ્પદ બાળદર્દીનું મૃત્યુઃ રિપોર્ટ નેગેટિવ, પોરબંદરના વધુ એક બાળકને દાખલ કરાતા તંત્ર એલર્ટ. | ભાવનગર લઠ્ઠાકાંડના વિરોધમાં જામનગર કોંગ્રેસ મેદાનમાંઃ લાલબંગલા સર્કલ ખાતે વિરોધ પ્રદર્શન, દારૂના વેચાણને લઈને સરકાર પર પ્રહાર. | શ્રાવણમાં ભેળસેળિયાઓ બેફામ! ઘી-માવાથી કંકુ સુધી શંકા, સરકારની અપીલઃ ‘જનતા પોતે સાવધાન રહે’ | અમદાવાદમાં મોંઘી બોટલમાં નકલી દારૂનું કૌભાંડ! એક વર્ષથી ચાલતો હતો ગોરખધંધો, પોલીસે એકને ઝડપ્યો. | ગુજરાત પોલીસમાં બદલીનો ગંજીપો ચિપાયો: એક સાથે 414 પોલીસ કર્મચારીઓની આંતરજિલ્લા બદલીના આદેશ, કોને ક્યાં મૂકાયા? | જામનગર કોંગ્રેસમાં સખળ-ડખળઃ 6 કાર્યકરો સસ્પેન્ડ, એકે પ્રમુખને લખ્યો પત્ર; આક્ષેપ-પ્રતિઆક્ષેપથી રાજકારણ ગરમાયું. |
પાછા મુખ્ય સમાચાર પર
મારું ગુજરાત ૨૦ વાર જોવાયેલ એક કલાક પેહલા

મારું ગુજરાત ગુજરાતના પવિત્ર પર્વતો પર આસ્થાનો ‘ઉડન ખટોલા’ સંગમઃ એક વર્ષમાં 47.32 લાખથી વધુ યાત્રાળુઓએ રોપ-વે સેવાનો લીધો લાભ.

ગુજરાતના પવિત્ર પર્વતો પર આસ્થાનો ‘ઉડન ખટોલા’ સંગમઃ એક વર્ષમાં 47.32 લાખથી વધુ યાત્રાળુઓએ રોપ-વે સેવાનો લીધો લાભ.

ગુજરાત દેશ-વિદેશના પ્રવાસીઓ અને શ્રદ્ધાળુઓ માટે આસ્થા, આધ્યાત્મિકતા અને કુદરતી સૌંદર્યનું અનોખું સંગમ ધરાવતું રાજ્ય છે. રાજ્યના વિવિધ પવિત્ર પર્વતો પર આવેલા યાત્રાધામો સુધી પહોંચવા માટે હવે પરંપરાગત પગપાળા ચઢાણની સાથે રોપ-વેની સુવિધા પણ ઉપલબ્ધ છે. ગિરનાર, પાવાગઢ અને અંબાજી ખાતે કાર્યરત રોપ-વે સેવાઓ યાત્રાળુઓ માટે સુવિધાજનક અને આકર્ષણનું કેન્દ્ર બની છે. વર્ષ 2025-26 દરમિયાન આ ત્રણેય સ્થળોએ મળીને 47.32 લાખથી વધુ યાત્રાળુઓએ ઉડન ખટોલા સેવાનો લાભ લીધો હોવાનું સામે આવ્યું છે. તેમાં પંચમહાલના પાવાગઢ ખાતે 23.43 લાખથી વધુ, બનાસકાંઠાના અંબાજી ખાતે 15.58 લાખથી વધુ અને જૂનાગઢના ગિરનાર ખાતે 8.31 લાખથી વધુ યાત્રાળુઓએ રોપ-વે મારફતે મુસાફરી કરી હતી. મોટી સંખ્યામાં ભાઈઓ-બહેનો, બાળકો, વડીલો અને દિવ્યાંગ યાત્રાળુઓએ આ સુવિધાનો લાભ લેતા રાજ્યના ધાર્મિક પ્રવાસનને પણ વેગ મળ્યો છે.

જૂનાગઢના ઐતિહાસિક ગિરનાર પર્વત પરનો રોપ-વે એ આધુનિક એન્જિનિયરિંગ અને આધ્યાત્મિકતાનો અનોખો સમન્વય છે. આશરે 2.12 કિલોમીટર લાંબો ગિરનાર રોપ-વે વિશ્વના સૌથી લાંબા રોપ-વેમાંથી એક ગણાય છે અને ગિરનાર પર્વત પર જમીનથી આશરે 3,660 ફૂટની ઊંચાઈએ આવેલા અંબાજી માતાના મંદિર સુધી યાત્રાળુઓને પહોંચાડે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ઓક્ટોબર 2020માં ગિરનાર રોપ-વેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. હાલમાં રોપ-વેમાં 31 આધુનિક કેબિન કાર્યરત છે અને તેની ક્ષમતા પ્રતિ કલાક આશરે 1,000 મુસાફરોને પરિવહન કરવાની છે. આશરે 9 મિનિટની આ રાઈડ દરમિયાન યાત્રાળુઓને ગિરનારના પર્વતો, હરિયાળી અને આસપાસના કુદરતી નજારાનો સુંદર અનુભવ મળે છે. ખાસ કરીને વડીલો, બાળકો અને પગપાળા ચઢાણમાં મુશ્કેલી અનુભવતા યાત્રાળુઓ માટે આ સેવા અત્યંત ઉપયોગી બની છે.

ગિરનાર માત્ર એક પર્વત નથી, પરંતુ અનેક ધાર્મિક પરંપરાઓનું કેન્દ્ર છે. અહીં અંબાજી માતાનું મંદિર, ગુરુ દત્તાત્રેય મંદિર, ગોરખનાથ મંદિર સહિત ઐતિહાસિક જૈન મંદિરો આવેલા છે. રોપ-વેના કારણે અંબાજી મંદિર સુધી પહોંચવાની મુસાફરી વધુ સરળ બની છે. ચોમાસા દરમિયાન ગિરનારની પર્વતમાળાઓ વાદળોથી ઘેરાઈ જાય ત્યારે અહીંનું કુદરતી સૌંદર્ય પ્રવાસીઓને વિશેષ આકર્ષે છે. બીજી તરફ શ્રાવણ માસ, નવરાત્રી અને જન્માષ્ટમી જેવા પર્વો દરમિયાન પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ગિરનાર પહોંચે છે. સોમનાથ મંદિર અને ગીર સિંહ અભયારણ્ય જેવા લોકપ્રિય સ્થળોની નજીક હોવાને કારણે જૂનાગઢ અને ગિરનાર વિસ્તાર ધાર્મિક પ્રવાસન સાથે કુદરતી પ્રવાસન માટે પણ મહત્વપૂર્ણ બન્યો છે. રોપ-વેના કારણે સ્થાનિક વિસ્તારમાં પ્રવાસીઓની સંખ્યા વધતાં રોજગારી અને નાના વેપારને પણ લાભ મળી રહ્યો છે.

ગિરનાર ઉપરાંત પાવાગઢ અને અંબાજી ખાતે પણ ઉડન ખટોલા રોપ-વે સેવા યાત્રાળુઓ માટે ઉપલબ્ધ છે. આ ત્રણેય સ્થળોએ વેઇટિંગ હોલ, ફૂડ કોર્ટ, ફેમિલી એન્ટરટેઇનમેન્ટ સેન્ટર, ફર્સ્ટ એઈડ, વ્હીલચેર, લોકર, પીવાનું પાણી, શૌચાલય અને માતૃ સંભાળ કક્ષ જેવી વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. ઉપલબ્ધ માહિતી મુજબ ગિરનાર રોપ-વે સવારે 7થી સાંજે 5 વાગ્યા સુધી, પાવાગઢ રોપ-વે સવારે 6થી સાંજે 5:45 વાગ્યા સુધી અને અંબાજી રોપ-વે સવારે 7થી સાંજે 6 વાગ્યા સુધી યાત્રાળુઓ માટે કાર્યરત રહે છે. રોપ-વે સેવા માત્ર ધાર્મિક યાત્રાને સરળ બનાવતી નથી, પરંતુ ગુજરાતના પ્રવાસનને આધુનિક સુવિધા સાથે જોડવાનું પણ કામ કરી રહી છે. ખાસ કરીને દિવ્યાંગજનો માટે વિશેષ ડિસ્કાઉન્ટની સુવિધા આપવામાં આવે છે.

રોપ-વે કંપની દ્વારા વિદ્યાર્થીઓને પણ પ્રવાસન અને શૈક્ષણિક પ્રવૃત્તિ સાથે જોડવા માટે ડિસેમ્બરથી માર્ચ દરમિયાન ‘શરદ મહોત્સવ’ હેઠળ STEM Excursion જેવી યોજનાઓ ચલાવવામાં આવે છે. આ સમયગાળા દરમિયાન શાળાના વિદ્યાર્થીઓને ટિકિટમાં ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે, જેથી તેઓ ધાર્મિક અને કુદરતી સ્થળોની મુલાકાત સાથે ટેકનોલોજી અને એન્જિનિયરિંગના આ આધુનિક પ્રોજેક્ટને પણ નજીકથી સમજી શકે. આમ, ગિરનાર, પાવાગઢ અને અંબાજીના રોપ-વે માત્ર યાત્રાળુઓને પર્વત પર પહોંચાડવાનું સાધન નથી રહ્યા, પરંતુ ગુજરાતના ધાર્મિક પ્રવાસન, રોજગારી, આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને કુદરતી સૌંદર્યને એકસાથે જોડતા મહત્વપૂર્ણ પ્રવાસન આકર્ષણ બની રહ્યા છે. એક વર્ષમાં 47.32 લાખથી વધુ લોકો દ્વારા રોપ-વે સેવાનો ઉપયોગ થવો એ ગુજરાતના યાત્રાધામો પ્રત્યેની શ્રદ્ધા અને રાજ્યના પ્રવાસન ક્ષેત્રની વધતી લોકપ્રિયતાનું મહત્વપૂર્ણ ઉદાહરણ છે.

આ સમાચાર શેર કરો:
સમય સંદેશ મેનુ