મારું ગુજરાત રાજ્યમાં નકલી દવાઓ અને ભેળસેળિયા સામે સરકારનો કડક પ્રહાર: 50 દવા પેઢીના લાયસન્સ રદ, રૂ.93 લાખથી વધુનો શંકાસ્પદ ખાદ્યજથ્થો જપ્ત.
ગાંધીનગર સચિવાલય ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાની અધ્યક્ષતામાં ખોરાક અને ઔષધ નિયમન તંત્ર (FDCA)ની ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠકમાં ઓગસ્ટ-2026 દરમિયાન રાજ્યભરમાં હાથ ધરાયેલી કાર્યવાહીનું વિસ્તૃત મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન આરોગ્ય મંત્રીશ્રીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે રાજ્ય સરકાર નકલી, ગેરકાયદેસર અને ભેળસેળયુક્ત દવાઓ તેમજ ખાદ્ય ચીજવસ્તુઓના વેપાર સામે 'ઝીરો ટોલરન્સ'ની નીતિ અપનાવી રહી છે. નાગરિકોના આરોગ્ય સાથે ચેડાં કરનાર કોઈપણ વ્યક્તિ કે સંસ્થા સામે કડકમાં કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને આવા તત્વોને કોઈપણ પ્રકારની રાહત આપવામાં આવશે નહીં.
મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે સઘન તપાસ દરમિયાન ગંભીર અનિયમિતતાઓ સામે આવતા રાજ્યની 50 દવા પેઢીઓના વેચાણ લાયસન્સ રદ કરવામાં આવ્યા છે. ઉપરાંત રિસ્ક બેઝ્ડ ઈન્સ્પેક્શન હેઠળ બે દવા ઉત્પાદક એકમોને ક્લોઝર ઓર્ડર આપવામાં આવ્યા છે, જ્યારે આઠ ઉત્પાદક પેઢીઓના લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. 11 દવાઓના ઉત્પાદન પરવાના પણ રદ કરવામાં આવ્યા છે. લેબોરેટરી પરીક્ષણમાં ગુણવત્તા ધોરણમાં નિષ્ફળ ગયેલી 20 દવાઓના ઉત્પાદકોને કારણદર્શક નોટિસ પાઠવી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. રાજ્યના 42 બ્લડ સ્ટોરેજ સેન્ટરની તપાસ દરમિયાન ત્રણ સેન્ટરને ક્લોઝર ઓર્ડર અને 12 સેન્ટરને કારણદર્શક નોટિસ આપવામાં આવી છે. ગ્રામ્ય વિસ્તારોમાં એન્ટીબાયોટિક દવાઓની ગુણવત્તા ચકાસવા માટે ખાસ અભિયાન હેઠળ 588 દવાઓના નમૂનાઓ પણ એકત્ર કરવામાં આવ્યા હતા.
નશાકારક અને બનાવટી દવાઓના ગેરકાયદે નેટવર્ક સામે પણ FDCAએ રાજ્યભરમાં સઘન કાર્યવાહી હાથ ધરી છે. અમદાવાદ, ગાંધીનગર અને મહેસાણા સહિતના વિસ્તારોમાં વિવિધ સ્થળોએ દરોડા પાડીને ગેરકાયદેસર દવાઓના વેચાણ સામે કાર્યવાહી કરવામાં આવી હતી. વડોદરા જિલ્લાના વાઘોડિયા ખાતે એસ.ઓ.જી. સાથેની સંયુક્ત કાર્યવાહીમાં એક મેડિકલ સ્ટોરની બાજુની દુકાનમાંથી ટ્રામાડોલ સહિતના નશાકારક ઈન્જેક્શનનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. આ સમગ્ર કેસમાં એનડીપીએસ એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ રાજ્યમાં નશાકારક દવાઓના ગેરકાયદે વેચાણને કોઈપણ સંજોગોમાં ચલાવી લેવામાં આવશે નહીં.
બનાવટી દવાઓના મોટા કૌભાંડનો પણ આ બેઠકમાં ખુલાસો થયો હતો. 'Nicardia Retard 10' નામની બનાવટી ટેબ્લેટ્સના કેસમાં સપ્લાય ચેઈનની તપાસ દરમિયાન 30થી વધુ સ્થળોએ તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન રૂ.1.75 લાખથી વધુ કિંમતનો શંકાસ્પદ જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. તપાસમાં ઉત્તર પ્રદેશના લખનઉથી શરૂ થઈ અમદાવાદ અને સાણંદ સુધી ફેલાયેલા સપ્લાય નેટવર્કનો પર્દાફાશ થયો છે. સમગ્ર કૌભાંડના મૂળ ઉત્પાદક સુધી પહોંચવા માટે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. આ ઉપરાંત અમદાવાદના ત્રાગડ વિસ્તારમાં લાયસન્સ વિના ચાલતા 'આનકી હર્બલ'માંથી રૂ.2.68 લાખથી વધુ કિંમતના ગેરકાયદે કોસ્મેટિક્સ જપ્ત કરવામાં આવ્યા છે, જ્યારે કપડવંજ નજીક ધોળીકૂઈ ખાતે બાળકો માટેની ગેરકાયદેસર દવા બનાવવાના કેસમાં પણ કાર્યવાહી કરીને મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
ખાદ્ય સુરક્ષા બાબતે પણ રાજ્ય સરકારે ઓગસ્ટ મહિનામાં વ્યાપક ઝુંબેશ ચલાવી હતી. સમગ્ર રાજ્યમાં 2,238થી વધુ ખાદ્ય વેપારીઓ અને એકમોની તપાસ કરવામાં આવી હતી, જ્યારે વિવિધ ખાદ્ય ચીજવસ્તુઓના 2,591 નમૂનાઓ લેબોરેટરી પરીક્ષણ માટે લેવામાં આવ્યા હતા. દરોડા દરમિયાન કુલ 42,988 કિલોગ્રામથી વધુ શંકાસ્પદ ખાદ્ય જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો, જેની અંદાજિત કિંમત રૂ.93.47 લાખથી વધુ થાય છે. જપ્ત કરાયેલા જથ્થામાં તેલ, દૂધ, ઘી, મરચાં પાઉડર સહિતની વિવિધ ખાદ્ય વસ્તુઓનો સમાવેશ થાય છે. પાટણમાં મોટી માત્રામાં તેલ, સુરતના કામરેજમાં 5,157 કિલોગ્રામ ઘી, જામનગરમાં 7,138 કિલોગ્રામ શંકાસ્પદ દૂધ અને બનાસકાંઠાના ડીસામાં 6,071 કિલોગ્રામ મરચાં પાઉડર જપ્ત કરવામાં આવ્યું હતું.
રાજ્યમાં હોટલ, રેસ્ટોરન્ટ અને ઢાબાઓની સ્વચ્છતા સુનિશ્ચિત કરવા માટે પણ વિશેષ અભિયાન હાથ ધરાયું હતું. કુલ 1,625થી વધુ એકમોની તપાસ દરમિયાન 306 સંચાલકોને સુધારણા નોટિસ આપવામાં આવી હતી, જ્યારે ગંભીર બેદરકારી બદલ 38 એકમો સામે લાયસન્સ રદ કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી. સુરત, વલસાડ, આણંદ, જામનગર અને મહેસાણા સહિતના જિલ્લાઓમાં આ કામગીરી વધુ સઘન રીતે હાથ ધરાઈ હતી. સાથે જ ડેરી એનાલોગના ગેરકાયદેસર વેચાણ સામે 3,078 વેપારીઓની તપાસ કરીને 145 શંકાસ્પદ નમૂનાઓ લેવામાં આવ્યા હતા અને રૂ.7.54 લાખથી વધુ કિંમતનો 2,553 કિલોગ્રામથી વધુ બિન-ગુણવત્તાયુક્ત જથ્થો નાશ કરવામાં આવ્યો હતો.
આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ ખાસ કરીને પવિત્ર શ્રાવણ માસ અને આગામી તહેવારોને ધ્યાનમાં રાખીને દૂધ, ઘી, તેલ, મસાલા અને અન્ય રોજિંદા વપરાશની ખાદ્ય ચીજવસ્તુઓ પર સતત દેખરેખ રાખવા અધિકારીઓને આદેશ આપ્યા છે. તેમણે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર માટે નાગરિકોને શુદ્ધ અને ગુણવત્તાયુક્ત ખાદ્યપદાર્થો તથા સલામત દવાઓ ઉપલબ્ધ કરાવવી સર્વોચ્ચ પ્રાથમિકતા છે. ખોરાક અને ઔષધ નિયમન તંત્ર આગામી સમયમાં પણ સમગ્ર રાજ્યમાં ઓચિંતી તપાસ, સેમ્પલિંગ અને કડક કાયદેસરની કાર્યવાહી સતત ચાલુ રાખશે, જેથી ભેળસેળ, નકલી દવાઓ અને ગેરકાયદેસર વેપાર સામે અસરકારક નિયંત્રણ જાળવી શકાય અને લોકોના આરોગ્યનું રક્ષણ સુનિશ્ચિત થઈ શકે.