મારું શહેર સુરત નવી સિવિલના રેસિડેન્ટ ડોક્ટરના આપઘાત મામલે સરકાર હરકતમાં.
આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાના કડક આદેશ, 24 કલાકમાં તપાસનો રિપોર્ટ રજૂ કરવા સૂચના
સુરત: સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં રેસિડેન્ટ ડોક્ટરે આપઘાત કર્યાની દુઃખદ ઘટનાને પગલે રાજ્ય સરકાર હરકતમાં આવી છે. ઘટનાની ગંભીર નોંધ લેતા આરોગ્ય રાજ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ તાત્કાલિક તપાસના આદેશ આપ્યા છે. સમગ્ર મામલાની હકીકત બહાર આવે અને કોઈ પ્રકારની બેદરકારી કે રેગિંગ થઈ હોય તો જવાબદારો સામે કાર્યવાહી થઈ શકે તે માટે ઉચ્ચસ્તરીય તપાસ હાથ ધરવામાં આવી છે. મંત્રીએ સંબંધિત અધિકારીઓ પાસેથી 24 કલાકમાં તપાસનો રિપોર્ટ મંગાવ્યો હોવાનું જણાવાયું છે.
મંત્રીના નિર્દેશ બાદ સિવિલ હોસ્પિટલના ડીન અને સુપરિન્ટેન્ડેન્ટની સંયુક્ત અધ્યક્ષતામાં તપાસ સમિતિની રચના કરવામાં આવી છે. તપાસની પ્રક્રિયા સંપૂર્ણ પારદર્શક અને નિષ્પક્ષ રીતે થાય તે માટે ગાંધીનગર મેડિકલ એજ્યુકેશનના અધિક નિયામક શ્રી સચદેને સમગ્ર કાર્યવાહીની સીધી દેખરેખ સોંપવામાં આવી છે. ઘટનાના તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને તપાસ આગળ ધપાવવામાં આવી રહી છે.
આરોગ્ય રાજ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે આ સમગ્ર મામલે જો કોઈ વ્યક્તિ દોષિત સાબિત થશે તો તેને કોઈપણ સંજોગોમાં બક્ષવામાં આવશે નહીં. ખાસ કરીને રેસિડેન્ટ ડોક્ટર સાથે રેગિંગ, માનસિક પરેશાની, શારીરિક ત્રાસ અથવા ફરજમાં બેદરકારી જેવા કોઈપણ પાસા તપાસમાં સામે આવશે તો જવાબદારો સામે કડક કાયદાકીય અને વહીવટી કાર્યવાહી કરવામાં આવશે. મંત્રીએ સમગ્ર ઘટનાને ગંભીરતાથી લઈને અધિકારીઓને તપાસમાં કોઈ ઢીલ ન રાખવા સૂચના આપી છે.
તપાસ દરમિયાન મૃતક ડોક્ટર સાથે હોસ્પિટલ કે હોસ્ટેલ પરિસરમાં કોઈ પ્રકારની રેગિંગ કરવામાં આવી હતી કે કેમ, તેમને કોઈ વ્યક્તિ તરફથી માનસિક કે શારીરિક ત્રાસ આપવામાં આવતો હતો કે કેમ તથા તેમના કામકાજ અને આસપાસના વાતાવરણ અંગે કોઈ ફરિયાદ કે વિવાદ હતો કે કેમ તે સહિતના મુદ્દાઓની તપાસ કરવામાં આવશે. આ માટે મૃતક ડોક્ટરના સાથી વિદ્યાર્થીઓ, રેસિડેન્ટ ડોક્ટરો અને હોસ્ટેલમાં ઉપસ્થિત અન્ય વ્યક્તિઓ પાસેથી માહિતી મેળવવામાં આવશે.
મહત્વની વાત એ છે કે તપાસમાં કોઈ વિલંબ ન થાય તે માટે મંત્રી દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે. આજે રાત્રિ દરમિયાન જ હોસ્ટેલમાં ઉપસ્થિત સાથી વિદ્યાર્થીઓ અને રેસિડેન્ટ ડોક્ટરોના નિવેદનો નોંધવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. સાથે જ હોસ્પિટલ અને હોસ્ટેલ પરિસરમાં ઉપલબ્ધ અન્ય વિગતો અને સંભવિત પુરાવાઓની પણ તપાસ કરવામાં આવશે, જેથી ઘટનાની પાછળનું સાચું કારણ જાણી શકાય.
આરોગ્ય મંત્રીએ તપાસ સમિતિને પણ ગંભીરતા સાથે કામગીરી પૂર્ણ કરવા જણાવ્યું છે. સમગ્ર પરિસરની તપાસ પૂર્ણ કર્યા બાદ જ કમિટીના સભ્યો પરત જાય તેવી કડક સૂચના આપવામાં આવી હતી. સરકારનો મુખ્ય હેતુ ઘટનાની હકીકત ઝડપથી બહાર લાવવાનો અને જો કોઈની બેદરકારી કે ત્રાસને કારણે આ દુઃખદ પરિસ્થિતિ ઊભી થઈ હોવાનું બહાર આવે તો જવાબદાર સામે યોગ્ય કાર્યવાહી કરવાનો છે.
બીજી તરફ, આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ મૃતક રેસિડેન્ટ ડોક્ટરના પિતા સાથે ફોન પર વાતચીત કરી દુઃખ વ્યક્ત કર્યું હતું. તેમણે પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી આ મુશ્કેલ સમયમાં સરકાર તેમની સાથે હોવાની ખાતરી આપી હતી. સાથે જ સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ કરીને હકીકત બહાર લાવવાની અને દોષિત જણાશે તો કડક કાર્યવાહી કરવાની ખાતરી આપી છે. હવે તપાસ સમિતિના રિપોર્ટ બાદ ઘટનાને લઈને વધુ હકીકતો સામે આવે તેવી શક્યતા છે.