ઈન્ડિયા તમિલનાડુ સરકારનો મોટો નિર્ણય: ત્રીજા બાળક માટે પણ 1 વર્ષની મેટરનિટી લીવ
ચેન્નાઈ: તમિલનાડુ સરકારે રાજ્યની મહિલા સરકારી કર્મચારીઓના કલ્યાણને ધ્યાનમાં રાખીને મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. સરકાર દ્વારા હવે ત્રીજા બાળકના જન્મ પર મળતી મેટરનિટી લીવ 12 અઠવાડિયાથી વધારીને 365 દિવસ એટલે કે એક વર્ષ કરવાની જાહેરાત કરવામાં આવી છે.
તમિલનાડુના મંત્રી ડી. સરથકુમારે વિધાનસભામાં આ અંગે સત્તાવાર માહિતી આપતાં જણાવ્યું હતું કે અત્યાર સુધી રાજ્યમાં મહિલા સરકારી કર્મચારીઓને પ્રથમ અને બીજા બાળકના જન્મ પર 365 દિવસની માતૃત્વ રજા આપવામાં આવતી હતી. જોકે, ત્રીજા બાળકના જન્મ સમયે આ રજાની મર્યાદા માત્ર 12 અઠવાડિયા એટલે કે 84 દિવસ હતી.
ત્રણેય બાળકો માટે સમાન માતૃત્વ રજા
સરકારના નવા નિર્ણય બાદ હવે પ્રથમ બે બાળકોની જેમ ત્રીજા બાળકના જન્મ પર પણ 365 દિવસની મેટરનિટી લીવ મળશે. આમ, ત્રીજા બાળક માટેની રજામાં રહેલો તફાવત દૂર કરીને ત્રણેય બાળકો માટે માતૃત્વ રજાનો સમયગાળો સમાન કરવામાં આવ્યો છે.
સરકારના આ નિર્ણયથી રાજ્યની મહિલા સરકારી કર્મચારીઓને લાંબા સમય સુધી માતા અને નવજાત બાળકની સંભાળ રાખવાની તક મળશે. સાથે જ ત્રીજા બાળકના જન્મ માટે લાગુ પડતી માત્ર 12 અઠવાડિયાની રજાની મર્યાદા પણ દૂર થઈ જશે.
આ નિર્ણયને મહિલા કર્મચારીઓના કલ્યાણ અને માતૃત્વ દરમિયાન પરિવારને વધુ સમય આપવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે.