સબરસ દક્ષિણ એશિયામાં પ્રથમવાર ગાંધીનગરમાં વર્લ્ડ સર્ક્યુલર ઇકોનોમી ફોરમ-2026.
65થી વધુ દેશોના 2 હજારથી વધુ પ્રતિનિધિઓ જોડાશે, 125થી વધુ પ્રદર્શનકર્તાઓ સર્ક્યુલર સોલ્યુશન્સ રજૂ કરશે
સમગ્ર દક્ષિણ એશિયામાં પ્રથમવાર ગુજરાતની રાજધાની ગાંધીનગર ખાતે વર્લ્ડ સર્ક્યુલર ઇકોનોમી ફોરમ-2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. મહાત્મા મંદિર ખાતે તા. 15 અને 16 સપ્ટેમ્બર, 2026 દરમિયાન યોજાનારા આ વૈશ્વિક ફોરમમાં સર્ક્યુલર ઇકોનોમીને લગતા વિવિધ મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. ફોરમનો મુખ્ય હેતુ પર્યાવરણ સંરક્ષણ, સંસાધનોનો કાર્યક્ષમ ઉપયોગ, પુનઃઉપયોગ અને ટકાઉ વિકાસ માટે વૈશ્વિક સહયોગને પ્રોત્સાહન આપવાનો છે.
આ મહત્વપૂર્ણ ફોરમનું સંયુક્ત ઉદ્ઘાટન કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રી ભૂપેન્દ્ર યાદવ તથા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવશે. ‘સર્ક્યુલર ઇકોનોમી: ટ્રાન્ઝિશન ફોર પીપલ એન્ડ પ્રોસ્પેરિટી’ એટલે કે લોકો અને સમૃદ્ધિ માટે સર્ક્યુલર ઇકોનોમી તરફ પરિવર્તનના મુખ્ય વિષય સાથે આ કાર્યક્રમ યોજાશે. ઉદ્ઘાટન પ્રસંગે ગુજરાતના વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા સહિત દેશ-વિદેશના અનેક મહાનુભાવો, રાજદ્વારીઓ અને વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહેશે.
ફોરમમાં ફિનલેન્ડ, નેધરલેન્ડ સહિતના દેશોના પ્રતિનિધિઓ પણ ભાગ લેશે. ભારતમાં ફિનલેન્ડના રાજદૂત મિક્કો કિવિકોસ્કી, ફિનિશ ઇનોવેશન ફંડ સિત્રાના પ્રમુખ એટે જાસ્કેલાઈનન તથા નેધરલેન્ડના આર્થિક બાબતો અને આબોહવા મંત્રાલયના સર્ક્યુલર ઇકોનોમી વિભાગના નિયામક મેરીકે સ્પાઇકરબોઅર સહિતના પ્રતિનિધિઓ કાર્યક્રમમાં સહભાગી બનશે. ભારત સરકાર અને ગુજરાત સરકારના વરિષ્ઠ અધિકારીઓ પણ આ વૈશ્વિક ચર્ચામાં પોતાની ભૂમિકા ભજવશે.
સર્ક્યુલર ઇકોનોમીનો મુખ્ય ઉદ્દેશ્ય વપરાયેલી સામગ્રી અને ઉત્પાદનોને કચરો ન ગણતા તેને ફરીથી ઉપયોગી સંસાધનોમાં પરિવર્તિત કરવાનો છે. પુનઃઉપયોગ, રિફર્બિશિંગ, રિપેરિંગ અને રિસાઇક્લિંગ દ્વારા સામગ્રીને ફરીથી અર્થતંત્રમાં પરત લાવવાનો પ્રયાસ કરવામાં આવે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પર્યાવરણમૈત્રી અને ટકાઉ વિકાસના વિઝન હેઠળ ભારત સર્ક્યુલર ઇકોનોમી તરફ આગળ વધી રહ્યું છે. આ ફોરમ ભારતના આ પ્રયાસો અને નીતિઓને વૈશ્વિક મંચ પર રજૂ કરવાની મહત્વપૂર્ણ તક સાબિત થશે.
આ બે દિવસીય ફોરમમાં અંદાજે 65થી વધુ દેશોના 2 હજારથી વધુ હિસ્સેદારો ભાગ લેશે. તેમાં ઉદ્યોગપતિઓ, વેપારી નેતાઓ, સ્ટાર્ટ-અપ્સ, સંશોધકો, નીતિ ઘડવૈયાઓ, શિક્ષણવિદો અને પર્યાવરણ ક્ષેત્રના નિષ્ણાતો સામેલ થશે. કાર્યક્રમ દરમિયાન આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ, રોજગાર સર્જન, ઊર્જા ઉત્પાદન, સર્ક્યુલર ફાઇનાન્સ, શાસનવ્યવસ્થા, ટકાઉ ઉત્પાદનો અને સ્ટાર્ટ-અપ ઇકોસિસ્ટમ જેવા વિષયો પર ચાર પ્લેનરી સત્રો અને 16 થીમ આધારિત સત્રો યોજાશે.
ફોરમ સાથે 125થી વધુ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પ્રદર્શનકર્તાઓનો વિશાળ એક્સ્પો પણ યોજાશે. આ એક્સ્પોમાં સર્ક્યુલરિટી આધારિત ટેક્નોલોજી, નવીન ઉકેલો, રિસાઇક્લિંગ પદ્ધતિઓ, ટકાઉ ઉત્પાદનો અને સ્ટાર્ટ-અપ્સ દ્વારા વિકસાવવામાં આવેલી વ્યવહારુ પહેલોનું પ્રદર્શન કરવામાં આવશે. ત્યારબાદ તા. 17 અને 18 સપ્ટેમ્બરે ગાંધીનગર ઉપરાંત વિશ્વના અન્ય સ્થળોએ ઓનલાઇન, હાઇબ્રિડ અને રૂબરૂ સ્વરૂપે આશરે 80 એક્સેલરેટર સત્રો યોજાશે, જેના દ્વારા વૈશ્વિક સહયોગને વધુ ગતિ મળશે.
તા. 16 સપ્ટેમ્બરે યોજાનારા સમાપન સમારોહમાં કેન્દ્રીય પર્યાવરણ રાજ્યમંત્રી કીર્તિ વર્ધન સિંહ ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત ફિનલેન્ડના આબોહવા અને પર્યાવરણ મંત્રી સારી મુલ્તાલા, ગુજરાતના નાયબ મુખ્યમંત્રી અને ઉદ્યોગ મંત્રી હર્ષ સંઘવી, વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા તથા રાજ્યમંત્રી પ્રવીણભાઈ માળી સહિતના મહાનુભાવો હાજર રહેશે. સમાપન પ્રસંગે આગામી યજમાનને સિત્રાના પ્રમુખ દ્વારા ફોરમનું ઔપચારિક હેન્ડઓવર કરવામાં આવશે. આ રીતે ગાંધીનગરમાં યોજાનાર WCEF-2026 ભારતને વૈશ્વિક સર્ક્યુલર ઇકોનોમીના ક્ષેત્રમાં મહત્વપૂર્ણ નેતૃત્વ પ્રદાન કરનાર ઐતિહાસિક મંચ બની રહેશે.