જાહેરાત
તાજા સમાચાર
દિવ્યાંગ બાળકોની મહેનતથી ઝળહળશે દિવાળી! ‘ૐ ટ્રેનિંગ સેન્ટર’ના બાળકોએ તૈયાર કર્યા 7,000 આકર્ષક દીવાઓ. | ભારતીય ધર્મશાસ્ત્રોમાં નારીશક્તિનું ગૌરવ. | જ્ઞાનેશ કુમાર સામે વિપક્ષનો ‘જન-મહાભિયોગ’! | માત્ર 3 કલાક 33 મિનિટમાં દિલ્હીથી કાશી! દેશના બીજા મોટા બુલેટ ટ્રેન કોરિડોરને મંજૂરી. | સૌરાષ્ટ્રના 4 જિલ્લામાં ભારે વરસાદનું યલો એલર્ટ, ગુજરાતના 21 તાલુકામાં માવઠું. | ગંગા જળ વહેંચણી મુદ્દે બાંગ્લાદેશમાં ભારત વિરોધી સૂત્રોચ્ચાર. | હોર્મુઝ સ્ટ્રેટમાં 27 ભારતીયો સવાર ઓઇલ ટેન્કર પર સી માઇન્સથી હુમલો. | ગુજરાત એસ.ટી. બસ સ્ટેશનો પર શૌચાલય વપરાશ હવે સંપૂર્ણ નિઃશુલ્ક. | ગાંધીનગર મહાનગરપાલિકાનો આઉટસોર્સ કર્મચારી રૂ. 22 હજારની લાંચ લેતા ઝડપાયો. | દાળિયા ગામમાં PM કિસાન ઉત્સવ દિવસની ભવ્ય અને ઉત્સાહભેર ઉજવણી. |
પાછા મુખ્ય સમાચાર પર
સબરસ ૧૫ વાર જોવાયેલ • 52 મિનિટ પેહલા

સબરસ ભારતીય ધર્મશાસ્ત્રોમાં નારીશક્તિનું ગૌરવ.

ભારતીય ધર્મશાસ્ત્રોમાં નારીશક્તિનું ગૌરવ.

સ્ત્રી એટલે સર્જન-સંસ્કાર અને શક્તિનું પ્રતીક..

ભારતીય સંસ્કૃતિમાં સ્ત્રીને માત્ર પરિવારની સભ્ય કે ગૃહિણી તરીકે જ નહીં પરંતુ સર્જનશક્તિ,કરૂણા, મમતા,ત્યાગ,સહનશીલતા અને સંસ્કારોની જીવંત પ્રતિમૂર્તિ તરીકે જોવામાં આવી છે. સ્ત્રી માતા બનીને જીવન આપે છે,બહેન બનીને સ્નેહ વહેંચે છે,પત્ની બનીને જીવનસાથીનો સહારો બને છે અને પુત્રી બનીને પરિવારના જીવનમાં આનંદ તથા આશાનું કિરણ પ્રગટાવે છે. સ્ત્રીના વિવિધ સ્વરૂપોમાં માનવતાનાં અનેક દિવ્ય ગુણોનું દર્શન થાય છે પરંતુ દુઃખની વાત એ છે કે જે સમાજ સ્ત્રીને દેવી તરીકે પૂજે છે તે જ સમાજમાં કેટલીકવાર સ્ત્રીને હીન ગણવાની,તેની સ્વતંત્રતાને મર્યાદિત કરવાની અને તેના અધિકારોનું હનન કરવાની વૃત્તિ પણ જોવા મળે છે તેથી સ્ત્રીનું સન્માન માત્ર ધાર્મિક વિધિ કે ઉત્સવ પૂરતું મર્યાદિત ન રહેવું જોઈએ પરંતુ તે આપણા વિચારો-વ્યવહાર અને જીવનશૈલીમાં પ્રતિબિંબિત થવું જોઈએ.

 

અર્ધનારીશ્વરનું સ્વરૂપઃ સ્ત્રી અને પુરૂષની પરસ્પર પૂરકતા..

ભગવાન શિવનું અર્ધનારીશ્વર સ્વરૂપ ભારતીય આધ્યાત્મિક પરંપરાનું એક ગહન પ્રતીક છે. આ સ્વરૂપમાં ભગવાન શિવ અને માતા પાર્વતી એક જ દેહમાં અર્ધાંગરૂપે બિરાજમાન છે, આ દિવ્ય સ્વરૂપ આપણને સમજાવે છે કે સ્ત્રી અને પુરૂષ એકબીજાના વિરોધી નહીં પરંતુ પરસ્પર પૂરક છે.શિવતત્વ અને શક્તિતત્વનો આ સમન્વય દર્શાવે છે કે સર્જન-સંચાલન અને જીવનની ગતિમાં બંનેની ભૂમિકા મહત્વપૂર્ણ છે.શક્તિ વિના શિવનું કાર્યાત્મક સ્વરૂપ અધૂરૂં છે અને ચેતના વિના શક્તિની અભિવ્યક્તિનો પ્રશ્ન ઊભો થાય છે.આ પ્રતીકનો વ્યાપક આધ્યાત્મિક સંદેશ એ છે કે જીવનની પૂર્ણતા પરસ્પર સહકાર-સમાનતા અને સમન્વયમાં રહેલી છે.

 

આપણી પરંપરામાં પ્રચલિત એક કથાપ્રસંગમાં ભૃગુ ઋષિના સ્ત્રી પ્રત્યેના તુચ્છભાવ અને અર્ધનારીશ્વર સ્વરૂપ દ્વારા મળતા બોધનું વર્ણન કરવામાં આવે છે,આ કથાનો નૈતિક સંદેશ સ્પષ્ટ છે કે કોઈ વ્યક્તિને માત્ર તેના સ્ત્રી કે પુરૂષ હોવાના આધારે નીચી કે ઊંચી ગણવી એ અજ્ઞાન છે.

 

વેદોમાં નારીનું ગૌરવ..

ભારતીય વૈદિક પરંપરામાં નારીના ગૌરવને વિશેષ સ્થાન મળ્યું છે.ઋગ્વેદમાં કેટલીક સ્ત્રી ઋષિઓનાં સૂક્તો મળે છે.લોપામુદ્રા,ઘોષા અને અપાલા જેવી સ્ત્રીઓ વૈદિક સાહિત્યમાં જાણીતી છે. આ પરંપરા દર્શાવે છે કે આધ્યાત્મિક જ્ઞાન અને ચિંતનની ક્ષમતા માત્ર પુરૂષો સુધી મર્યાદિત નથી.ઋગ્વેદના દસમા મંડળના ૮૫મા સૂક્તમાં લગ્નજીવન-દાંપત્ય અને ગૃહસ્થજીવન સંબંધિત મંત્રો મળે છે, તેમાં નવવધૂના નવા ગૃહજીવન અને પરિવાર સાથેના સંબંધોને મહત્વ આપવામાં આવ્યું છે.આપણી સંસ્કૃતિમાં સ્ત્રીને જ્ઞાન-સાધના અને આધ્યાત્મિક ઉન્નતિની અધિકારી માનવાની પરંપરા પણ જોવા મળે છે.ગાર્ગી વાચકનવી અને મૈત્રેયી તેનાં નોંધપાત્ર ઉદાહરણો છે.બૃહદારણ્યક ઉપનિષદમાં ગાર્ગી અને યાજ્ઞવલ્ક્ય વચ્ચેના તત્વચિંતનપૂર્ણ સંવાદ તથા મૈત્રેયીને આપવામાં આવેલા આત્મજ્ઞાનના ઉપદેશનું વર્ણન મળે છે.

 

આ પ્રસંગો આપણને શીખવે છે કે સ્ત્રીની બુદ્ધિ-જિજ્ઞાસા અને જ્ઞાનપ્રાપ્તિની ક્ષમતાને ઓળખવી તથા તેને યોગ્ય તક આપવી એ સમાજની જવાબદારી છે.

 

મનુસ્મૃતિનો સંદેશ અને સ્ત્રીના સન્માનની જવાબદારી..

 

મનુસ્મૃતિના અધ્યાયઃ૩/૫૬માં કહેવામાં આવ્યું છે કે

“યત્ર નાર્યસ્તુ પૂજ્યન્તે રમન્તે તત્ર દેવતાઃ યત્રૈતાસ્તુ ન પૂજ્યન્તે સર્વાસ્તત્રાફલાઃ ક્રિયાઃ

જ્યાં સ્ત્રીઓનું સન્માન થાય છે ત્યાં દેવતાઓ પ્રસન્ન થાય છે અને જ્યાં સ્ત્રીઓનું સન્માન થતું નથી ત્યાં કરવામાં આવતી ધાર્મિક ક્રિયાઓ નિષ્ફળ બને છે..આ શ્લોકનો મૂળ ભાવ એ છે કે કોઈ સમાજની ધાર્મિકતા અને સંસ્કારશીલતાની સાચી કસોટી સ્ત્રીઓ પ્રત્યેના તેના વ્યવહારમાં થાય છે. મંદિરમાં પૂજા કરવી, યજ્ઞ કરવા કે ધાર્મિક ગ્રંથોનું પઠન કરવું મહત્વનું હોઈ શકે પરંતુ ઘરની સ્ત્રીને અપમાનિત કરવી, તેની લાગણીઓને ઠેસ પહોંચાડવી કે તેના અધિકારો છીનવી લેવા એ ધાર્મિક આદર્શોથી વિરૂદ્ધ છે.સ્ત્રીનું સન્માન કરવાનો અર્થ માત્ર તેના ચરણસ્પર્શ કરવા કે તેને પૂજનીય કહેવા પૂરતો નથી, તેનો અર્થ છે તેના વિચારોને સાંભળવા,તેની લાગણીઓનો આદર કરવો,તેને શિક્ષણ અને વિકાસની તક આપવી તથા તેના આત્મસન્માનનું રક્ષણ કરવું.

 

શ્રીમદ્ ભગવદગીતામાં સ્ત્રી અને દિવ્ય ગુણો..

શ્રીમદ્ ભગવદ્ ગીતાના અધ્યાયઃ૧૦/૩૪માં ભગવાન શ્રીકૃષ્ણ પોતાના દિવ્ય સ્વરૂપનું વર્ણન કરતાં કહે છે કે “કીર્તિઃ શ્રીર્વાક્ચ નારીણાં સ્મૃતિર્મેધા ધૃતિઃ ક્ષમા” સ્ત્રીઓમાં કીર્તિ,સમૃદ્ધિ,વાણી,સ્મૃતિ,બુદ્ધિ,ધૈર્ય અને ક્ષમા મારૂં જ સ્વરૂપ છે.આ શ્લોકમાં સ્ત્રીઓ સાથે જોડાયેલા અનેક ગુણોને ભગવાન પોતાના દિવ્ય વૈભવ તરીકે રજૂ કરે છે,અહીંથી સમજાય છે કે સ્ત્રીને માત્ર બાહ્ય સૌંદર્ય કે શારીરિક ક્ષમતાના આધારે મૂલવવી યોગ્ય નથી,તેના જ્ઞાન, વિચારશક્તિ, ધૈર્ય, વાણી અને ક્ષમાશીલતામાં પણ દિવ્યતાનું દર્શન થઈ શકે છે. સમાજમાં સ્ત્રીઓની ક્ષમતાઓને પ્રોત્સાહન આપવામાં આવે, તેમને શિક્ષણ, રોજગાર, નેતૃત્વ અને નિર્ણય લેવાની સમાન તક આપવામાં આવે તો પરિવાર અને રાષ્ટ્ર બંનેનો વિકાસ વધુ સુદ્રઢ બને છે.

 

દેવીમાહાત્મ્યમાં નારીશક્તિની આરાધના..

માર્કંડેય પુરાણના ભાગરૂપે પ્રચલિત દેવીમાહાત્મ્યમાં જગદંબાની શક્તિનું ગૌરવપૂર્ણ વર્ણન મળે છે. તેમાં દેવીને સમગ્ર જગતની આધારભૂત શક્તિ તરીકે વંદન કરવામાં આવે છે.દેવીમાહાત્મ્યનો પ્રસિદ્ધ મંત્ર છે..

 

“યા દેવી સર્વભૂતેષુ શક્તિરૂપેણ સંસ્થિતા,

નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમો નમઃ”

જે દેવી સર્વ જીવોમાં શક્તિરૂપે રહેલી છે તે દેવીને વારંવાર નમસ્કાર છે.આ મંત્રનો આધ્યાત્મિક ભાવ માત્ર દેવીની મૂર્તિની આરાધના પૂરતો સીમિત નથી, તે આપણને સમગ્ર સૃષ્ટિમાં રહેલી શક્તિ પ્રત્યે આદર રાખવાની પ્રેરણા આપે છે.સ્ત્રીમાં રહેલી સર્જનશક્તિ, બુદ્ધિ, આત્મવિશ્વાસ અને સંકલ્પશક્તિનું સન્માન કરવું પણ આ વ્યાપક ભાવનાને અનુરૂપ છે. નવરાત્રિમાં માતા દુર્ગાની આરાધના કરવી અને બીજી તરફ દીકરીના જન્મને દુઃખરૂપ માનવો, સ્ત્રીના શિક્ષણમાં અવરોધ ઊભા કરવા કે તેના પર અત્યાચાર કરવો-આ બંને વર્તન વચ્ચે સ્પષ્ટ વિરોધાભાસ છે. સાચી ઉપાસના ત્યારે જ સાર્થક બને છે જ્યારે દેવીની આરાધના સાથે જીવંત સ્ત્રીઓ પ્રત્યે પણ સન્માનપૂર્ણ વર્તન કરવામાં આવે.

 

સ્ત્રીનું સન્માન એટલે સમાન અધિકાર અને સુરક્ષિત જીવન..

સ્ત્રીનું સન્માન માત્ર ધાર્મિક કે આધ્યાત્મિક વિચાર નથી, તે સામાજિક ન્યાય અને માનવતાનો પણ પાયો છે.આજના સમયમાં સ્ત્રીઓ શિક્ષણ, વિજ્ઞાન, ચિકિત્સા, સાહિત્ય, રમતગમત, વ્યવસાય, વહીવટ અને રાષ્ટ્રસેવા જેવા અનેક ક્ષેત્રોમાં પોતાની પ્રતિભા સાબિત કરી રહી છે તેમ છતાં દહેજપ્રથા, બાળલગ્ન, લિંગભેદ,ઘરેલુ હિંસા, જાતીય સતામણી અને સ્ત્રીના સ્વતંત્ર નિર્ણયો પર અયોગ્ય નિયંત્રણ જેવી સમસ્યાઓ હજુ પણ જોવા મળે છે.આ સમસ્યાઓ દૂર કરવા માટે માત્ર કાયદાઓ પૂરતા નથી. પરિવારના સંસ્કારો, શાળાનું શિક્ષણ, સામાજિક જાગૃતિ અને વ્યક્તિગત જવાબદારી પણ એટલી જ જરૂરી છે.દરેક માતા-પિતાએ દીકરા અને દીકરી બંનેને સમાન પ્રેમ, શિક્ષણ અને વિકાસની તક આપવી જોઈએ. દીકરાઓને બાળપણથી જ સ્ત્રીઓ પ્રત્યે આદર રાખવાના સંસ્કાર આપવા જોઈએ. પતિએ પત્નીને જીવનસાથી તરીકે સમાન સ્થાન આપવું જોઈએ.કાર્યસ્થળે સ્ત્રીઓને સુરક્ષિત વાતાવરણ અને યોગ્ય તકો મળવી જોઈએ. સ્ત્રી પર થતા અન્યાય સામે મૌન રહેવાને બદલે ન્યાયની તરફેણમાં અવાજ ઉઠાવવો જોઈએ.સ્ત્રીને સન્માન આપવું એ તેના પર ઉપકાર નથી, તે તેના માનવીય ગૌરવ અને અધિકારોની સ્વીકૃતિ છે.

 

પરિવાર અને સમાજના નિર્માણમાં સ્ત્રીની ભૂમિકા..

પરિવાર એ સમાજનું પ્રથમ શિક્ષણસ્થાન છે.માતા બાળકને ભાષા,પ્રેમ, કરૂણા, શિસ્ત અને સંસ્કારોનું પ્રાથમિક શિક્ષણ આપે છે. જોકે બાળકના ઘડતરમાં પિતા,પરિવારના અન્ય સભ્યો અને સમગ્ર સામાજિક વાતાવરણની પણ મહત્વપૂર્ણ ભૂમિકા હોય છે.સ્ત્રીને પરિવારની તમામ જવાબદારીઓનું એકમાત્ર વહન કરનાર માનવાને બદલે ઘરકામ, બાળકોના ઉછેર અને વડીલોની સંભાળ જેવી જવાબદારીઓમાં પુરૂષે પણ સમાન સહભાગી બનવું જોઈએ.જ્યારે પરિવારના સભ્યો એકબીજાના વિચારોને માન આપે છે, એકબીજાની મુશ્કેલીઓ સમજે છે અને પરસ્પર સહકારથી જીવન જીવે છે ત્યારે પરિવારમાં સુખ-શાંતિ અને વિશ્વાસનું વાતાવરણ સર્જાય છે.સ્ત્રીને પોતાની પ્રતિભા વિકસાવવાની, પોતાના વિચારો રજૂ કરવાની અને જીવન વિશેના નિર્ણયો લેવામાં ભાગ લેવાની તક મળે ત્યારે તે માત્ર પોતાનો જ નહીં પરંતુ પરિવાર અને સમાજનો પણ વિકાસ કરે છે.

 

સ્ત્રીના સન્માનથી જ માનવતાનું ગૌરવ જળવાય છે..

આધ્યાત્મિક દ્રષ્ટિએ સમગ્ર માનવજાત એક જ પરમાત્માની રચના છે.મનુષ્યના બાહ્ય સ્વરૂપ, જાતિ, ધર્મ, લિંગ કે સામાજિક સ્થિતિના આધારે તેની આંતરિક ગરિમા નક્કી થતી નથી.સ્ત્રી અને પુરૂષ બંનેમાં માનવીય લાગણીઓ, બુદ્ધિ, આત્મસન્માન અને વિકાસની અભિલાષા રહેલી છે તેથી કોઈને નીચું ગણવું, તેની ઇચ્છા વિરૂદ્ધ વર્તવું કે તેના ગૌરવને ઠેસ પહોંચાડવી એ માનવતાના મૂળ સિદ્ધાંતોની વિરૂદ્ધ છે. આધ્યાત્મિક જાગૃતિનો સાચો અર્થ એ છે કે મનુષ્ય પોતાના અહંકાર, ભેદભાવ અને સંકુચિત માન્યતાઓથી ઉપર ઊઠે. જ્યારે મનુષ્ય દરેક વ્યક્તિમાં માનવતાનું દર્શન કરે છે ત્યારે તેના વ્યવહારમાં પ્રેમ-કરૂણા, સહિષ્ણુતા અને સમાનતાનો ભાવ પ્રગટે છે.આથી સ્ત્રીનું સન્માન એ માત્ર સ્ત્રીઓના હિતનો વિષય નથી પરંતુ સમગ્ર માનવજાતના નૈતિક અને આધ્યાત્મિક ઉત્થાનનો પ્રશ્ન છે.

 

નારીનું ગૌરવ જાળવવું એ આપણી નૈતિક ફરજ છે..

ભારતીય ધર્મશાસ્ત્રો અને આધ્યાત્મિક પરંપરાઓ આપણને જ્ઞાન, કરૂણા, સંયમ, પરસ્પર આદર અને માનવકલ્યાણનો સંદેશ આપે છે.અર્ધનારીશ્વરનું સ્વરૂપ સ્ત્રી-પુરૂષના સમન્વયની પ્રેરણા આપે છે, શ્રીમદ્ ભગવદ્ ગીતા સ્ત્રીઓમાં રહેલા દિવ્ય ગુણોનું ગૌરવ ગાય છે અને દેવીમાહાત્મ્ય જગતવ્યાપી શક્તિની આરાધના કરવાનું શીખવે છે.આ બધા સંદેશોનું જીવનમાં અનુસરણ ત્યારે જ સાર્થક બને છે જ્યારે આપણે સ્ત્રીને સમાન અધિકાર ધરાવતી વ્યક્તિ તરીકે સ્વીકારીએ, તેના આત્મસન્માનનું રક્ષણ કરીએ અને તેના વિકાસમાં સહયોગી બનીએ.

 

ચાલો..આપણે એવો સમાજ રચવાનો સંકલ્પ કરીએ જેમાં દીકરીનો જન્મ આનંદનું કારણ બને, દરેક સ્ત્રીને શિક્ષણ અને સુરક્ષા મળે, તેના વિચારોને માન આપવામાં આવે અને તેને પોતાના સપનાં સાકાર કરવાની સમાન તક પ્રાપ્ત થાય કારણ કે સ્ત્રીનું સન્માન એ માત્ર સંસ્કૃતિની ઓળખ નથી પરંતુ સંસ્કારી સમાજની સાચી કસોટી છે. જ્યાં સ્ત્રીને આદર-સમાનતા અને સુરક્ષા મળે છે ત્યાં પરિવાર સમૃદ્ધ બને છે, સમાજ પ્રગતિ કરે છે અને માનવતા વધુ ઉજ્જવળ બને છે.

 

આ સમાચાર શેર કરો:
સમય સંદેશ મેનુ