સબરસ મનરેગાની જગ્યાએ આવેલી VB-G RAM G યોજનાને પ્રથમ જ મહિને ઝટકો, ગ્રામીણ રોજગારમાં 50%નો ઘટાડો.
દેશના ગ્રામીણ વિસ્તારોમાં રોજગારની ગેરંટી આપતી મનરેગાની જગ્યાએ અમલમાં આવેલી નવી VB-G RAM G યોજનાને લઈને શરૂઆતના જ આંકડા ચર્ચાનો વિષય બન્યા છે. જુલાઈ 2026માં યોજનાના પ્રથમ મહિનામાં કુલ 7.67 કરોડ પર્સન-ડે રોજગાર નોંધાયો હતો. ગયા વર્ષે જુલાઈમાં મનરેગા હેઠળ નોંધાયેલા 15.33 કરોડ પર્સન-ડેની સરખામણીએ આ આંકડો આશરે 50 ટકા ઓછો છે.
નવી યોજના 1 જુલાઈ, 2026થી અમલમાં આવી છે. તેનું સંપૂર્ણ નામ ‘વિકસિત ભારત-ગેરંટી ફોર રોજગાર એવમ્ આજીવિકા મિશન ગ્રામીણ’ એટલે કે VB-G RAM G છે. સરકાર દ્વારા તેને મનરેગાના અપગ્રેડેડ સ્વરૂપ તરીકે રજૂ કરવામાં આવી છે. નવી વ્યવસ્થામાં ગ્રામીણ પરિવારોને અગાઉના 100 દિવસની સરખામણીએ હવે 125 દિવસના રોજગારની ગેરંટી આપવાની જોગવાઈ કરવામાં આવી છે, જ્યારે લઘુત્તમ વેતન રૂ.300 નક્કી કરવામાં આવ્યું હોવાનું જણાવાયું છે.
જોકે યોજના અમલમાં આવ્યા બાદ પ્રથમ મહિનાના રોજગારના આંકડા અપેક્ષા કરતાં ઓછા રહ્યા છે. જુલાઈ 2026માં 7.67 કરોડ પર્સન-ડે રોજગાર નોંધાયો, જ્યારે જુલાઈ 2025માં મનરેગા હેઠળ 15.33 કરોડ પર્સન-ડે રોજગાર સર્જાયો હતો. એટલે કે બંને સમયગાળાની સરખામણી કરીએ તો 49.94 ટકાનો ઘટાડો જોવા મળે છે. આ ઘટાડો નવી યોજના માટે શરૂઆતના તબક્કામાં મહત્વનો મુદ્દો બની રહ્યો છે.
ખાસ વાત એ છે કે જુલાઈના મધ્ય સુધી સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલા આંકડા અલગ ચિત્ર દર્શાવતા હતા. ગ્રામ વિકાસ મંત્રાલયે સંસદમાં જણાવ્યું હતું કે 22 જુલાઈ સુધીમાં 5.2 કરોડથી વધુ પર્સન-ડે રોજગાર આપવામાં આવ્યો હતો. સાથે જ કામની માંગ કરનારા 99.5 ટકાથી વધુ શ્રમિકોને રોજગાર મળ્યો હોવાનો પણ દાવો કરવામાં આવ્યો હતો. જોકે મહિનાના અંતિમ આંકડા 7.67 કરોડ સુધી જ પહોંચતા એવું જણાય છે કે જુલાઈના અંતિમ દિવસોમાં રોજગાર સર્જનની ગતિમાં નોંધપાત્ર ઘટાડો થયો હતો.
બીજી તરફ, નવી યોજનામાં મનરેગાની સરખામણીએ વધુ બજેટની જોગવાઈ કરવામાં આવી છે. નાણાકીય વર્ષ 2025-26 માટે VB-G RAM G હેઠળ રૂ.1.52 લાખ કરોડનું વાર્ષિક બજેટ રાખવામાં આવ્યું હોવાનું જણાવાયું છે, જ્યારે મનરેગા માટે અગાઉનું બજેટ રૂ.86 હજાર કરોડ હતું. એટલે કે વધુ નાણાકીય ફાળવણી છતાં પ્રથમ મહિનામાં રોજગારના આંકડા ઘટ્યા હોવાથી નવી યોજના અંગે અનેક સવાલો ઉભા થયા છે.
હાલમાં આ ઘટાડો નવી યોજના લાગુ કરવાની પ્રક્રિયામાં આવેલા ફેરફારોને કારણે થયો છે કે પછી ગ્રામીણ વિસ્તારોમાં રોજગારની માંગ અથવા કામની ઉપલબ્ધતામાં કોઈ ફેરફાર થયો છે તે સ્પષ્ટ થવાનું બાકી છે. નવી વ્યવસ્થામાં રોજગારનું આયોજન, કામની મંજૂરી અને અમલીકરણની પદ્ધતિમાં થયેલા ફેરફારોની પણ તેની અસર થઈ શકે છે. તેથી માત્ર પ્રથમ મહિનાના આંકડા પરથી યોજનાની લાંબા ગાળાની સફળતા અંગે અંતિમ નિષ્કર્ષ કાઢવો વહેલો ગણાશે.
હવે આગામી મહિનાઓમાં VB-G RAM G હેઠળ રોજગાર સર્જનના આંકડા કેવો ટ્રેન્ડ દર્શાવે છે તેના પર સરકાર, નિષ્ણાતો અને ખાસ કરીને ગ્રામ્ય શ્રમિકોની નજર રહેશે. જો આગામી મહિનાઓમાં પણ પર્સન-ડે રોજગારમાં ઘટાડો ચાલુ રહે છે તો વધુ બજેટ અને 125 દિવસની રોજગાર ગેરંટી હોવા છતાં યોજનાની અસરકારકતા અંગે પ્રશ્નો વધુ ઉઠી શકે છે. બીજી તરફ, આગામી મહિનાઓમાં રોજગારના આંકડા વધે તો જુલાઈનો ઘટાડો નવી યોજનાના શરૂઆતના સંક્રમણકાળની અસર હતો તેવી શક્યતા પણ મજબૂત બની શકે છે.