સબરસ UPI પેમેન્ટ પર ચાર્જ લાગશે? મોટો ભ્રમ દૂર: ગ્રાહકો અને નાના વેપારીઓ માટે ચૂકવણી પહેલાની જેમ જ ફ્રી રહેશે.
UPI પેમેન્ટને લઈને છેલ્લા કેટલાક સમયથી ગ્રાહકોમાં ચાર્જ વસૂલવામાં આવશે તેવી ચર્ચાઓ ચાલી રહી હતી. આ ચર્ચા વચ્ચે પેમેન્ટ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા (PCI) દ્વારા મહત્વપૂર્ણ સ્પષ્ટતા કરવામાં આવી છે. PCIના જણાવ્યા મુજબ સામાન્ય ગ્રાહકો માટે UPI પેમેન્ટ અગાઉની જેમ જ મફત રહેશે અને UPI ટ્રાન્ઝેક્શન કરવા બદલ ગ્રાહકો પાસેથી કોઈ ચાર્જ વસૂલવાની વાત નથી. આ સ્પષ્ટતાથી રોજિંદા વ્યવહારો માટે UPIનો ઉપયોગ કરતા કરોડો લોકોને મોટી રાહત મળી છે.
PCIએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર સ્પષ્ટતા કરતાં જણાવ્યું છે કે 2016માં UPI શરૂ થયું ત્યારથી ગ્રાહકો પાસેથી કોઈ ટ્રાન્ઝેક્શન ચાર્જ લેવામાં આવતો નથી અને આગળ પણ ગ્રાહકો માટે UPI પેમેન્ટ મફત રાખવામાં આવશે. એટલે કે મોબાઇલથી QR કોડ સ્કેન કરીને દુકાનદારને પેમેન્ટ કરવું હોય કે અન્ય વ્યક્તિને UPI દ્વારા પૈસા મોકલવાના હોય, તેના માટે ગ્રાહકના ખાતામાંથી અલગથી કોઈ UPI ચાર્જ કાપવામાં આવશે નહીં.
માત્ર ગ્રાહકો જ નહીં, પરંતુ નાના વેપારીઓ અને કરિયાણા દુકાનદારો માટે પણ UPI પેમેન્ટ સ્વીકારવા પર MDR એટલે કે Merchant Discount Rate વસૂલવામાં આવશે નહીં. UPIનો મુખ્ય ઉદ્દેશ નાના વેપારીઓ સુધી સરળ અને ડિજિટલ પેમેન્ટની સુવિધા પહોંચાડવાનો રહ્યો છે. તેથી નાના વેપારીઓ માટે UPI વ્યવહારને મફત રાખવાની વ્યવસ્થા યથાવત રહેશે. આ ખાસ કરીને નાના દુકાનદારો માટે મહત્વપૂર્ણ છે, કારણ કે તેઓ રોજિંદા વ્યવહારોમાં મોટા પ્રમાણમાં QR અને UPI પેમેન્ટ સ્વીકારે છે.
હવે ચર્ચાનો મુખ્ય મુદ્દો UPIના વધતા વ્યાપ સાથે તેને લાંબા ગાળે સુરક્ષિત અને ટકાઉ કેવી રીતે રાખવું તે છે. UPI પર દર મહિને અબજો ટ્રાન્ઝેક્શન થઈ રહ્યા છે અને આટલા મોટા ડિજિટલ નેટવર્કને સતત કાર્યરત રાખવા માટે ટેક્નોલોજી, સર્વર ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સાઇબર સુરક્ષા, ફ્રોડ રોકથામ અને ગ્રાહક સહાયતા પાછળ સતત ખર્ચ થાય છે. છેલ્લા ઘણા વર્ષોથી બેંકો, ફિનટેક કંપનીઓ, પેમેન્ટ સર્વિસ પ્રોવાઇડર્સ, NPCI અને RBI આ વ્યવસ્થાને મજબૂત બનાવવા માટે રોકાણ કરી રહ્યા છે.
આ સંદર્ભમાં ભવિષ્યમાં મોટા વેપારીઓ પાસેથી મર્ચેન્ટ સર્વિસ ચાર્જ વસૂલવાની શક્યતા અંગે ચર્ચા થઈ શકે છે. જોકે અહીં સૌથી મહત્વની વાત એ છે કે જો મોટા વેપારીઓ માટે કોઈ ચાર્જ નક્કી કરવામાં આવે તો પણ તેનો સીધો અર્થ એવો નહીં થાય કે ગ્રાહકને UPI પેમેન્ટ કરવા માટે પૈસા ચૂકવવા પડશે. વેપારી અને પેમેન્ટ સર્વિસ પ્રોવાઇડર વચ્ચેનો વ્યાવસાયિક ચાર્જ અલગ બાબત રહેશે અને ગ્રાહક માટે UPIનો ઉપયોગ મફત રહેવાની જ વ્યવસ્થા રહેશે.
UPIના વધતા ઉપયોગ સાથે ફ્રોડ અને સાઇબર હુમલાના જોખમોને રોકવા માટે પણ સતત નવી ટેક્નોલોજી વિકસાવવાની જરૂરિયાત ઊભી થઈ રહી છે. દિવસ-રાત એટલે કે 24 કલાક અને અઠવાડિયાના સાતેય દિવસ ચાલતી આ ડિજિટલ પેમેન્ટ સિસ્ટમમાં એક નાની ખામી પણ કરોડો વ્યવહારોને અસર કરી શકે છે. તેથી સુરક્ષા વ્યવસ્થા, ટેક્નિકલ માળખું અને ગ્રાહક સુરક્ષા પાછળનું રોકાણ સતત વધારવું જરૂરી બની રહ્યું છે.
આ સમગ્ર મામલે હાલ ગ્રાહકો અને નાના વેપારીઓ માટે સૌથી મોટી રાહત એ છે કે UPI પેમેન્ટ પર સામાન્ય ગ્રાહક પાસેથી ચાર્જ વસૂલવાની વાત નથી. એટલે રોજિંદા જીવનમાં ચા-નાસ્તાની દુકાનથી લઈને કરિયાણા, ઓનલાઈન ખરીદી અને વ્યક્તિગત પેમેન્ટ સુધી UPIનો ઉપયોગ કરનારા લોકો માટે વ્યવસ્થા અગાઉની જેમ જ ચાલુ રહેશે. હવે UPIને વધુ સુરક્ષિત, ઝડપી અને લાંબા સમય સુધી ટકાઉ બનાવવા માટે પેમેન્ટ ઈકોસિસ્ટમમાં ખર્ચ અને આવકના મોડલ અંગે ચર્ચા આગળ વધશે.