જાહેરાત
તાજા સમાચાર
દેવભૂમિ દ્વારકામાં જુગારધામો પર પોલીસનો સપાટોઃ એક જ દિવસમાં 11 કેસ, 39 આરોપીઓ સામે કાર્યવાહી | નખત્રાણામાં ભયાનક બ્લાસ્ટઃ છોટા હાથીની ડીઝલ ટાંકીમાં વિસ્ફોટ, 4 લોકોના મોત | ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ 2 મોતઃ મૃત્યુઆંક 11 થયો, 26 દર્દીઓને સારવાર બાદ રજા | અંબાજી મંદિરમાં રાજુલાના માઈભક્તની અનોખી ભક્તિઃ મા અંબાના ચરણોમાં ₹82,800ની ચાંદીની પાદુકા અર્પણ | ₹15 હજારની આવક અને ₹975 કરોડની ટેક્સ નોટિસ! અજમેરના દરજીને હચમચાવી દેનારો મામલો | મ્યુનિસિપલ એકાઉન્ટન્ટની ભરતીમાં મોટી રાહત! ફોર્મ ભરવાની તારીખ લંબાવાઈ | Jioની મોટી જાહેરાત! ₹300માં મળશે Prime મેમ્બરશિપ | Appleમાં મોટી છટણીઃ 200થી વધુ કર્મચારીઓની નોકરી ગઈ, Siri અને Vision Pro ટીમો પર અસર | હવે દવાઓ પણ નકલી? ગુજરાતમાં મેડિકલ સ્ટોર્સ-એજન્સીઓ પર તંત્રના દરોડા. | ગુજરાત પોલીસમાં મોટો બદલી નિર્ણય: પતિ-પત્નીના કેસમાં 415 કર્મચારીઓની એકસાથે બદલી |
પાછા મુખ્ય સમાચાર પર
મારું ગુજરાત ૫૧ વાર જોવાયેલ એક મહિનો પેહલા

મારું ગુજરાત ખેડૂતો સાથે છેતરપિંડી કરનારાઓ સામે સરકારનો કડક પ્રહાર: હવે માત્ર લાયસન્સ રદ નહીં, PBM એક્ટ હેઠળ થશે જેલ; 4 આરોપીઓ ડિટેઇન.

ખેડૂતો સાથે છેતરપિંડી કરનારાઓ સામે સરકારનો કડક પ્રહાર: હવે માત્ર લાયસન્સ રદ નહીં, PBM એક્ટ હેઠળ થશે જેલ; 4 આરોપીઓ ડિટેઇન.

ગાંધીનગર: ખેડૂતોને ડુપ્લીકેટ ખાતર, બિયારણ અને અન્ય કૃષિ સામગ્રી વેચી છેતરપિંડી કરનારાઓ સામે ગુજરાત સરકારે હવે વધુ કડક વલણ અપનાવ્યું છે. કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીના સીધા માર્ગદર્શન હેઠળ રાજ્યમાં કાળાબજારી, નકલી ખાતર-બિયારણના વેચાણ અને ગેરરીતિમાં સંડોવાયેલા વિક્રેતાઓ સામે 'ધ પ્રિવેન્શન ઓફ બ્લેક માર્કેટિંગ એન્ડ મેઇન્ટેનન્સ ઓફ સપ્લાય ઓફ એસેન્શિયલ કોમોડિટીઝ (PBM) એક્ટ-1980' હેઠળ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. અમરેલી જિલ્લામાં થયેલી કાર્યવાહીમાં ચાર આરોપીઓને ડિટેઇન કરીને જેલ હવાલે કરવામાં આવ્યા હોવાનું સરકારે જણાવ્યું છે.

કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, અમરેલી જિલ્લામાં ડુપ્લીકેટ ખાતરના વેચાણ અંગે થયેલી તપાસમાં ગુનાની ગંભીરતા સામે આવતા ચાર વ્યક્તિઓ સામે PBM એક્ટ હેઠળ ગુનો નોંધી તેમને ડિટેઇન કરવામાં આવ્યા છે. તેમણે સ્પષ્ટ કર્યું કે વારંવાર ડુપ્લીકેટ ખાતર કે બિયારણના વેચાણમાં સંડોવાયેલા લોકો સામે હવે માત્ર વહીવટી કાર્યવાહી નહીં, પરંતુ કડક કાયદાકીય પગલાં લેવામાં આવશે.

મંત્રીશ્રીએ જણાવ્યું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકાર ખેડૂતોના હિત સાથે કોઈપણ પ્રકારની છેતરપિંડી સહન કરશે નહીં. ગેરકાયદેસર, પ્રતિબંધિત અથવા ઓછી ગુણવત્તાવાળી કૃષિ સામગ્રી વેચનારાઓ સામે માત્ર લાયસન્સ સસ્પેન્ડ કે રદ કરવાની કાર્યવાહી પૂરતી નહીં રહે, પરંતુ જરૂર પડશે ત્યાં PBM એક્ટ હેઠળ જેલની સજા સુધીના પગલાં લેવામાં આવશે.

તેમણે ભારપૂર્વક જણાવ્યું કે ખાતર અને બિયારણ ખેડૂતો માટે સૌથી મહત્વપૂર્ણ કૃષિ ઇનપુટ છે. આવા ઉત્પાદનોમાં ભેળસેળ અથવા ડુપ્લીકેટ માલ વેચીને ખેડૂતોના પાક અને મહેનતને નુકસાન પહોંચાડનારાઓ સામે સરકાર કોઈપણ પ્રકારની નરમાઈ દાખવશે નહીં. રાજ્યના અન્ય જિલ્લાઓમાં પણ આવી ફરિયાદો સામે તપાસ કરીને જવાબદારો સામે સમાન પ્રકારની કડક કાર્યવાહી કરવામાં આવશે.

કૃષિ મંત્રીશ્રીએ તમામ ખાતર, બિયારણ અને જંતુનાશક દવાઓના વિક્રેતાઓને ચેતવણી આપતાં જણાવ્યું કે કાળાબજારી અથવા નકલી કૃષિ સામગ્રીના વેચાણમાં સંડોવણી સામે આવશે તો સંબંધિત લોકો સામે PBM એક્ટ જેવા કડક કાયદા હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. સરકારનો હેતુ ખેડૂતોને ગુણવત્તાયુક્ત અને પ્રમાણિત કૃષિ સામગ્રી ઉપલબ્ધ કરાવવાનો છે.

સરકાર દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ, ચાલુ વર્ષ દરમિયાન ગેરરીતિ બદલ 68 ખાતર વિક્રેતાઓ, 17 બિયારણ વિક્રેતાઓ અને 13 જંતુનાશક દવાઓના વિક્રેતાઓ સહિત કુલ 98 વેપારીઓના લાયસન્સ સસ્પેન્ડ અથવા રદ કરવામાં આવ્યા છે. આ કાર્યવાહી દ્વારા કૃષિ ક્ષેત્રમાં પારદર્શિતા અને ગુણવત્તા જાળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ રાજ્યના ખેડૂતોને વિશ્વાસ આપ્યો કે સરકાર તેમના હિતોની સુરક્ષા માટે સતત કાર્યરત છે. ડુપ્લીકેટ ખાતર-બિયારણ અને કાળાબજારી સામેની કાર્યવાહી આગામી સમયમાં પણ વધુ સઘન બનાવવામાં આવશે, જેથી ખેડૂતોને ગુણવત્તાસભર કૃષિ સામગ્રી ઉપલબ્ધ થાય અને તેમની મહેનત તથા પાકને કોઈ નુકસાન ન પહોંચે.

આ સમાચાર શેર કરો:
સમય સંદેશ મેનુ