જાહેરાત
તાજા સમાચાર
રાજસ્થાનમાં ખાટુશ્યામ જતા શ્રદ્ધાળુઓની બસ ખાડામાં ખાબકી, 8નાં મોત. | ભારત સહિતના દેશો પર 100% ટેરિફનો ખતરો ટળ્યો ટ્રમ્પે રશિયન તેલ ખરીદી માટે આપી છૂટ, ભારતને મોટી રાહત. | ધંધુકા–ભાવનગર હાઈવે પર ભયાનક અકસ્માત, ઇકો કારમાં બ્લાસ્ટ બાદ આગ. | શેરબજારમાં તેજી: સેન્સેક્સ 413.66 પોઇન્ટ વધ્યો, નિફ્ટી 23,146.15 અંકે બંધ. | ગોધરામાં તેજસ્વી તારલાઓનો સન્માન સમારંભ યોજાયો. | રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ. | દિવાળી પહેલાં ગુજરાત એસ.ટી. કર્મચારીઓ માટે ખુશખબર, મોંઘવારી ભથ્થામાં 2 ટકાનો વધારો મંજૂર. | રાજકોટ રેલવે ડિવિઝનમાં સ્વચ્છતા પખવાડિયાની ઉજવણી, હાપા અને જામનગર સ્ટેશને ખાદ્ય પદાર્થોની ગુણવત્તાની તપાસ. | ભાણવડ હોમગાર્ડ યુનિટની જિલ્લા કમાન્ડન્ટ સંદીપ ખેતિયાએ લીધી મુલાકાત, પરેડ અને કચેરીનું કર્યું નિરીક્ષણ. | વોટ્સએપનું નવું ‘ગેસ્ટ કોલ’ ફીચર લોન્ચ, હવે એપ વગર પણ કરી શકાશે કોલમાં વાતચીત. |
પાછા મુખ્ય સમાચાર પર
એજ્યુકેશન ૮૩ વાર જોવાયેલ • 3 મહિના પેહલા

એજ્યુકેશન ભારતમાં 10 વર્ષમાં 94 હજાર સરકારી શાળાઓ બંધ: નીતિ આયોગના અહેવાલે ચિંતા વધારી, દરરોજ સરેરાશ 25 સ્કૂલો પર લાગ્યાં તાળા.

ભારતમાં 10 વર્ષમાં 94 હજાર સરકારી શાળાઓ બંધ: નીતિ આયોગના અહેવાલે ચિંતા વધારી, દરરોજ સરેરાશ 25 સ્કૂલો પર લાગ્યાં તાળા.

ભારતની શાળાકીય શિક્ષણ વ્યવસ્થા અંગે નીતિ આયોગ દ્વારા જાહેર કરાયેલા તાજેતરના અહેવાલે દેશના શિક્ષણ ક્ષેત્ર સામે ઊભા થયેલા ગંભીર પડકારોને ઉજાગર કર્યા છે. 'સ્કૂલ એજ્યુકેશન સિસ્ટમ ઇન ઇન્ડિયા: ટેમ્પોરલ એનાલિસિસ એન્ડ પોલિસી રોડમેપ ફોર ક્વોલિટી એનહાન્સમેન્ટ' શીર્ષક હેઠળ રજૂ થયેલા આ અહેવાલમાં છેલ્લા એક દાયકામાં દેશભરમાં સરકારી શાળાઓની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો હોવાનું સામે આવ્યું છે. રિપોર્ટ મુજબ વર્ષ 2014-15થી 2024-25 દરમિયાન લગભગ 94 હજાર સરકારી શાળાઓ બંધ થઈ ગઈ અથવા અન્ય શાળાઓમાં વિલીન કરવામાં આવી, જેના કારણે ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં શિક્ષણની પહોંચ અંગે નવા પ્રશ્નો ઊભા થયા છે.

અહેવાલ અનુસાર છેલ્લા દસ વર્ષમાં દેશમાં દરરોજ સરેરાશ 25 સરકારી શાળાઓ બંધ થઈ છે. વર્ષ 2014-15માં દેશભરમાં 11.07 લાખ સરકારી શાળાઓ હતી, જે વર્ષ 2024-25માં ઘટીને 10.13 લાખ રહી ગઈ છે. એટલે કે એક દાયકામાં સરકારી શાળાઓની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે.

સરકારી સહાય પ્રાપ્ત કરતી શાળાઓની સ્થિતિ પણ ચિંતાજનક છે. વર્ષ 2014-15માં આવી શાળાઓની સંખ્યા લગભગ 83 હજાર હતી, જે હવે ઘટીને 79 હજાર થઈ ગઈ છે. બીજી તરફ ખાનગી શિક્ષણ ક્ષેત્રમાં સતત વધારો જોવા મળ્યો છે. છેલ્લા દસ વર્ષમાં ખાનગી શાળાઓની સંખ્યા 2.88 લાખથી વધીને 3.39 લાખ થઈ છે, જે દર્શાવે છે કે શિક્ષણ ક્ષેત્રમાં ખાનગી સંસ્થાઓનો વ્યાપ સતત વધી રહ્યો છે.

શાળાઓની સંખ્યા ઘટવાની સાથે વિદ્યાર્થીઓના પ્રવેશમાં પણ નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. નીતિ આયોગના આંકડા મુજબ વર્ષ 2014-15માં દેશની શાળાઓમાં કુલ 26.95 કરોડ વિદ્યાર્થીઓ નોંધાયેલા હતા, જ્યારે વર્ષ 2024-25માં આ સંખ્યા ઘટીને 24.69 કરોડ રહી ગઈ છે. એટલે કે છેલ્લા દસ વર્ષમાં લગભગ 2.26 કરોડ વિદ્યાર્થીઓનો પ્રવેશ ઓછો થયો છે.

અહેવાલમાં વિદ્યાર્થીઓની સંખ્યા ઘટવા પાછળ અનેક કારણો દર્શાવવામાં આવ્યા છે. તેમાં સૌથી મહત્વનું કારણ દેશમાં સતત ઘટતો પ્રજનન દર હોવાનું જણાવાયું છે, જેના કારણે શાળાએ જવાની ઉંમરના બાળકોની સંખ્યા ઓછી થઈ રહી છે. ઉપરાંત, ઓછી વિદ્યાર્થી સંખ્યા ધરાવતી શાળાઓને એકીકૃત કરવાની સરકારની સ્કૂલ કન્સોલિડેશન (School Consolidation) નીતિ પણ આ બદલાવનું એક મુખ્ય કારણ ગણાવવામાં આવી છે.

સરકારનું કહેવું છે કે ઓછી વિદ્યાર્થી સંખ્યાવાળી શાળાઓનું વિલીનીકરણ કરવાથી શિક્ષકો, ઈમારતો અને અન્ય સંસાધનોનો વધુ અસરકારક ઉપયોગ શક્ય બને છે. જોકે, શિક્ષણવિદો અને સામાજિક કાર્યકરોનો દાવો છે કે આ નીતિનો સીધો પ્રભાવ ગ્રામ્ય વિસ્તારોના બાળકો પર પડી રહ્યો છે. તેમના મતે જ્યારે ગામની નજીકની શાળા બંધ થાય છે ત્યારે વિદ્યાર્થીઓને દૂર આવેલી શાળામાં જવું પડે છે, જેના કારણે ખાસ કરીને છોકરીઓના અભ્યાસ પર નકારાત્મક અસર પડે છે અને ઘણા વિદ્યાર્થીઓ અભ્યાસ અધૂરો છોડે છે.

અહેવાલ મુજબ ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશમાં સૌથી મોટા પાયે શાળાઓનું વિલીનીકરણ થયું છે. આ બંને રાજ્યોમાં મળીને અંદાજે 40 હજાર શાળાઓ બંધ અથવા મર્જ કરવામાં આવી હોવાનું જણાવાયું છે.

રિપોર્ટમાં ડ્રોપઆઉટ રેટ અંગે પણ ગંભીર ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. પ્રાથમિક સ્તરે એટલે કે ધોરણ 1થી 5 દરમિયાન શાળા છોડવાનો દર માત્ર 0.3 ટકા છે. પરંતુ ધોરણ 6થી 8માં આ દર વધીને 3.5 ટકા થઈ જાય છે. જ્યારે માધ્યમિક સ્તરે એટલે કે ધોરણ 9 અને 10માં પહોંચતા ડ્રોપઆઉટ રેટ 11.5 ટકા સુધી પહોંચી જાય છે, જે શિક્ષણ વ્યવસ્થા માટે ચિંતાજનક સ્થિતિ દર્શાવે છે.

ધોરણ 8માંથી ધોરણ 9માં પ્રવેશ લેતા વિદ્યાર્થીઓના પ્રમાણમાં પણ ઘટાડો નોંધાયો છે. વર્ષ 2014-15માં આ ટ્રાંઝિશન રેટ 91.58 ટકા હતો, જે વર્ષ 2024-25માં ઘટીને 86.6 ટકા રહ્યો છે. બીજી તરફ કેરળ અને પુડુચેરી જેવા રાજ્યોમાં આ દર લગભગ 99.6 ટકા જેટલો ઊંચો છે, જ્યારે બિહાર, ઉત્તર પ્રદેશ, ઝારખંડ, મધ્ય પ્રદેશ, મેઘાલય, મિઝોરમ, અરુણાચલ પ્રદેશ અને નાગાલેન્ડ જેવા રાજ્યોમાં સ્થિતિ હજુ પણ પડકારજનક હોવાનું રિપોર્ટમાં જણાવાયું છે.

નીતિ આયોગના અહેવાલમાં માત્ર શાળાઓની સંખ્યા જ નહીં પરંતુ શિક્ષણની ગુણવત્તા અંગે પણ ગંભીર સવાલો ઉઠાવવામાં આવ્યા છે. રિપોર્ટ અનુસાર ધોરણ 9માં અભ્યાસ કરતા ઘણા વિદ્યાર્થીઓ હજુ પણ ટકાવારી, અપૂર્ણાંક, ગુણોત્તર અને મૂળભૂત ગણિત જેવી બાબતો સમજવામાં મુશ્કેલી અનુભવે છે. એટલે કે શરૂઆતના ધોરણોમાં શીખવાની જે કચાશ રહે છે, તે આગળના ધોરણોમાં પણ યથાવત રહે છે.

અહેવાલમાં સૂચવવામાં આવ્યું છે કે માત્ર શાળાઓની સંખ્યા વધારવી પૂરતી નથી, પરંતુ શિક્ષણની ગુણવત્તામાં સુધારો, તાલીમબદ્ધ શિક્ષકોની ઉપલબ્ધતા, ડિજિટલ શિક્ષણ, સ્થાનિક સ્તરે સુવિધાઓનો વિકાસ અને વિદ્યાર્થીઓને શાળામાં ટકાવી રાખવા માટે વિશેષ પ્રયત્નો કરવાની જરૂર છે.

નીતિ આયોગનું માનવું છે કે વિકસિત ભારતના લક્ષ્યને હાંસલ કરવા માટે મજબૂત અને ગુણવત્તાસભર શાળાકીય શિક્ષણ વ્યવસ્થા અનિવાર્ય છે. આગામી વર્ષોમાં શાળાઓના વિલીનીકરણ અને શિક્ષણ સુધારાની નીતિઓ અમલમાં મૂકતી વખતે વિદ્યાર્થીઓની પહોંચ, શિક્ષણની ગુણવત્તા અને સમાન તક – આ ત્રણેય મુદ્દાઓ વચ્ચે સંતુલન જાળવવું સૌથી મોટો પડકાર રહેશે.

આ સમાચાર શેર કરો:
સમય સંદેશ મેનુ