જાહેરાત
તાજા સમાચાર
18 ઓક્ટોબર, રવિવારનું રાશિફળ. | રાજસ્થાનમાં ખાટુશ્યામ જતા શ્રદ્ધાળુઓની બસ ખાડામાં ખાબકી, 8નાં મોત. | ભારત સહિતના દેશો પર 100% ટેરિફનો ખતરો ટળ્યો ટ્રમ્પે રશિયન તેલ ખરીદી માટે આપી છૂટ, ભારતને મોટી રાહત. | ધંધુકા–ભાવનગર હાઈવે પર ભયાનક અકસ્માત, ઇકો કારમાં બ્લાસ્ટ બાદ આગ. | શેરબજારમાં તેજી: સેન્સેક્સ 413.66 પોઇન્ટ વધ્યો, નિફ્ટી 23,146.15 અંકે બંધ. | ગોધરામાં તેજસ્વી તારલાઓનો સન્માન સમારંભ યોજાયો. | રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ. | દિવાળી પહેલાં ગુજરાત એસ.ટી. કર્મચારીઓ માટે ખુશખબર, મોંઘવારી ભથ્થામાં 2 ટકાનો વધારો મંજૂર. | રાજકોટ રેલવે ડિવિઝનમાં સ્વચ્છતા પખવાડિયાની ઉજવણી, હાપા અને જામનગર સ્ટેશને ખાદ્ય પદાર્થોની ગુણવત્તાની તપાસ. | ભાણવડ હોમગાર્ડ યુનિટની જિલ્લા કમાન્ડન્ટ સંદીપ ખેતિયાએ લીધી મુલાકાત, પરેડ અને કચેરીનું કર્યું નિરીક્ષણ. |
પાછા મુખ્ય સમાચાર પર
મારું શહેર ૧૩૯ વાર જોવાયેલ • 3 મહિના પેહલા

મારું શહેર અમદાવાદની પ્રબુદ્ધસભામાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીનો પ્રેરણાદાયી સંદેશ: "પ્રાકૃતિક ખેતી જ સ્વસ્થ ભારતનું ભવિષ્ય, ગુજરાત બન્યું દેશનું મોડેલ સ્ટેટ"

અમદાવાદની પ્રબુદ્ધસભામાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીનો પ્રેરણાદાયી સંદેશ: "પ્રાકૃતિક ખેતી જ સ્વસ્થ ભારતનું ભવિષ્ય, ગુજરાત બન્યું દેશનું મોડેલ સ્ટેટ"

 અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન (AMA) ખાતે અગ્રણી વૈચારિક અને બૌદ્ધિક મંચ 'પ્રબુદ્ધસભા' અંતર્ગત 24મા મણકાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા હતા. "જીવન પાસેથી હું શું શીખ્યો?" વિષય પર યોજાયેલી આ વિશેષ સભામાં રાજ્યપાલશ્રીએ પોતાના જીવનના અનુભવો, સંઘર્ષો, આધ્યાત્મિક યાત્રા અને સમાજસેવાના પ્રસંગો અત્યંત સરળ પરંતુ હૃદયસ્પર્શી શૈલીમાં રજૂ કર્યા હતા. તેમણે જણાવ્યું કે, સમાજમાં એવા લોકોના જીવનના અનુભવોનું સંકલન થવું જોઈએ જેમણે પોતાના જીવનનો મોટો ભાગ રાષ્ટ્ર અને સમાજની સેવા માટે સમર્પિત કર્યો હોય. આવા અનુભવો નવી પેઢીને માત્ર પ્રેરણા જ આપતા નથી, પરંતુ જીવન જીવવાની સાચી દિશા પણ દર્શાવે છે. ભગવદ્ ગીતાના શ્લોકનો ઉલ્લેખ કરતાં તેમણે જણાવ્યું કે મનુષ્યનો જન્મ ત્યારે જ સાર્થક ગણાય જ્યારે તે પોતાના પરિવાર, સમાજ અને રાષ્ટ્રની પ્રગતિમાં યોગદાન આપે.

પોતાના જીવનના શરૂઆતના દિવસોને યાદ કરતાં રાજ્યપાલશ્રીએ જણાવ્યું કે તેઓ હરિયાણાના એક સામાન્ય ખેડૂત પરિવારમાં જન્મેલા છે. બાળપણથી જ સાદગી, શિસ્ત અને મહેનતના સંસ્કાર મળ્યા હતા. ગુરુકુળમાં અભ્યાસ પૂર્ણ કર્યા બાદ માત્ર 21 વર્ષની ઉંમરે તેઓ કુરુક્ષેત્ર સ્થિત ગુરુકુળના પ્રધાન આચાર્ય બન્યા હતા. તે સમયે સંસ્થા પાસે પૂરતા આર્થિક સાધનો કે સરકારી અનુદાન નહોતું. છતાં તેમણે હિંમત હાર્યા વિના ગામેગામ ફરીને ભિક્ષાવૃત્તિ દ્વારા અનાજ અને દાન એકત્ર કર્યું, જેથી ગરીબ અને જરૂરિયાતમંદ બાળકોને શિક્ષણ તેમજ ભોજન મળી શકે. તેમણે કહ્યું કે જીવનમાં પડકારો કેટલાય મોટા હોય, પરંતુ જો સેવા અને સંકલ્પની ભાવના મજબૂત હોય તો કોઈપણ મુશ્કેલીને પાર કરી શકાય છે.

 

રાજ્યપાલશ્રીએ પોતાના જીવનનો સૌથી કઠિન સમય પણ ઉપસ્થિત લોકોને સંભળાવ્યો. વર્ષ 1998 દરમિયાન સતત મહેનત અને અતિશય ગરમીના કારણે તેઓ ગંભીર રીતે બીમાર પડ્યા અને અલ્સરેટિવ કોલાઇટિસ જેવી જીવલેણ બીમારીનો ભોગ બન્યા. આ બીમારીને કારણે તેમનું વજન 84 કિલોથી ઘટીને માત્ર 53 કિલો રહી ગયું હતું અને ડૉક્ટરોએ પણ પરિસ્થિતિ અત્યંત ગંભીર હોવાનું જણાવ્યું હતું. પરંતુ તે સમયે સ્વામી જગદીશ્વરાનંદજીના માર્ગદર્શન હેઠળ તેમણે 21 દિવસ સુધી કઠિન જલ ઉપવાસ અને પ્રાકૃતિક ચિકિત્સા પદ્ધતિ અપનાવી. આ સારવારથી તેમના સ્વાસ્થ્યમાં આશ્ચર્યજનક સુધારો થયો. આ અનુભવે તેમના સમગ્ર જીવનની દિશા બદલી નાખી અને ત્યારથી તેમણે પ્રાકૃતિક જીવનશૈલી અને પ્રાકૃતિક ચિકિત્સાના પ્રચાર-પ્રસારને પોતાના જીવનનું મુખ્ય ધ્યેય બનાવ્યું.

આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું કે આ અનુભવ બાદ તેમણે ગુરુકુળમાં 100 બેડની આધુનિક પ્રાકૃતિક ચિકિત્સા હોસ્પિટલનું નિર્માણ કરાવ્યું, જ્યાં આજે દેશ-વિદેશમાંથી હજારો લોકો સારવાર માટે આવે છે. સાથે જ 180 એકર વિસ્તારમાં સંપૂર્ણ પ્રાકૃતિક ખેતીનો પ્રયોગ શરૂ કરવામાં આવ્યો અને એક આધુનિક ગૌશાળાનું પણ નિર્માણ કરવામાં આવ્યું. તેમણે જણાવ્યું કે આજે તે ગુરુકુળમાં દેશના 19 રાજ્યોમાંથી આવેલા આશરે 1500 વિદ્યાર્થીઓ શિક્ષણ મેળવી રહ્યા છે. આ સંસ્થાએ અનેક વિદ્યાર્થીઓને NDA, IIT અને NEET જેવી પ્રતિષ્ઠિત પરીક્ષાઓમાં સફળતા અપાવી છે, ઉપરાંત અનેક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાના રમતવીરો પણ તૈયાર કર્યા છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે શિક્ષણ, સંસ્કાર અને સ્વાસ્થ્ય – આ ત્રણેય ક્ષેત્રોમાં સમાન મહત્વ આપવાથી જ મજબૂત રાષ્ટ્રનું નિર્માણ શક્ય બને છે.

 

પોતાના સંબોધનમાં રાજ્યપાલશ્રીએ વર્તમાન સમયમાં ઝડપથી વધી રહેલા કેન્સર, હાર્ટ એટેક, ડાયાબિટીસ અને અન્ય ગંભીર રોગો અંગે પણ ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું કે આજની જીવનશૈલી, ફાસ્ટ ફૂડ, જંક ફૂડ અને રસાયણયુક્ત ખેતીના કારણે લોકોનું સ્વાસ્થ્ય સતત બગડી રહ્યું છે. જો આગામી પેઢીને ગંભીર બીમારીઓથી બચાવવી હોય તો પ્રાકૃતિક ખેતી અને શુદ્ધ આહાર અપનાવવો અનિવાર્ય છે. તેમણે જણાવ્યું કે માત્ર દવાઓથી સમાજ સ્વસ્થ બની શકતો નથી, પરંતુ ખેતીથી લઈને ભોજન સુધીની સમગ્ર વ્યવસ્થામાં પરિવર્તન લાવવું પડશે. તેમણે ઉમેર્યું કે કોઈપણ વ્યક્તિએ લાલચથી નહીં, પરંતુ રાષ્ટ્રસેવાના ભાવથી કાર્ય કરવું જોઈએ. પોતાના ગવર્નર તરીકેના અણધાર્યા નિમણૂકના પ્રસંગને યાદ કરતાં તેમણે જણાવ્યું કે તેમણે ક્યારેય કોઈ પદની ઇચ્છા રાખી નહોતી અને તેને ઈશ્વરની કૃપા તથા રાષ્ટ્રસેવાની વધુ એક તક તરીકે સ્વીકારી હતી.

કાર્યક્રમ દરમિયાન ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ અને જાણીતા સાહિત્યકાર ડૉ. ભાગ્યેશ ઝાએ પણ પ્રેરણાદાયી ઉદબોધન કર્યું હતું. તેમણે ઋગ્વેદ અને ભૂમિસૂક્તના મંત્રોનો ઉલ્લેખ કરીને જણાવ્યું કે આચાર્ય દેવવ્રતજી માત્ર પ્રકૃતિ સંરક્ષણની વાતો જ કરતા નથી, પરંતુ પોતાના જીવનમાં તેને અમલમાં મૂકી સમગ્ર સમાજ માટે જીવંત ઉદાહરણ બન્યા છે. તેમણે જણાવ્યું કે કેન્સર સહિત અનેક ગંભીર રોગો સામે લડવા માટે પ્રાકૃતિક ખેતી અને પ્રાકૃતિક જીવનશૈલીને પ્રોત્સાહન આપવું સમયની સૌથી મોટી જરૂરિયાત છે. ડૉ. ઝાએ વધુમાં જણાવ્યું કે રાજ્યપાલશ્રીના સતત પ્રયાસો, માર્ગદર્શન અને પીઠબળના કારણે આજે ગુજરાત પ્રાકૃતિક ખેતીના ક્ષેત્રમાં દેશભરમાં એક મોડેલ સ્ટેટ તરીકે ઓળખાઈ રહ્યું છે, જે સમગ્ર રાજ્ય માટે ગૌરવની બાબત છે.

આ પ્રેરણાદાયી કાર્યક્રમમાં ન્યુરોલોજિસ્ટ ડૉ. સુધીર શાહ, કવિ અને લેખક શ્રી માધવ રામાનુજ, પૂર્વ મંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, સિવિલ હોસ્પિટલના સુપરિટેન્ડન્ટ શ્રી રાકેશ જોશી, અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશનના પ્રમુખ શ્રી રાજીવ ગાંધી, પ્રબુદ્ધસભાના સેક્રેટરી શ્રી ધર્મેન્દ્ર પંડ્યા, આશીર્વાદ ફાઉન્ડેશનના પ્રમુખ શ્રી આર. એસ. પટેલ, શ્રી અજય ઉમટ સહિત શિક્ષણવિદો, તબીબો, સાહિત્યકારો, વિવિધ ક્ષેત્રોના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ દરમિયાન રાજ્યપાલશ્રીના જીવનના સંઘર્ષ, સેવાભાવ, પ્રાકૃતિક ખેતી પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા અને સ્વસ્થ સમાજના તેમના વિઝને ઉપસ્થિત તમામ લોકોને ઊંડી પ્રેરણા આપી હતી. આ પ્રબુદ્ધસભા માત્ર એક વ્યાખ્યાન પૂરતી મર્યાદિત રહી નહોતી, પરંતુ જીવનમૂલ્યો, રાષ્ટ્રસેવા, સ્વાસ્થ્ય અને પ્રકૃતિ સાથે સુમેળભર્યું જીવન જીવવાનો સશક્ત સંદેશ આપતો એક યાદગાર પ્રસંગ બની રહ્યો હતો.

આ સમાચાર શેર કરો:
સમય સંદેશ મેનુ