હવામાન ગુજરાતમાં 31 જુલાઈથી 2 ઓગસ્ટ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી: રાજ્ય સરકાર એલર્ટ મોડમાં, NDRF-SDRF સ્ટેન્ડબાય.
હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં 31 જુલાઈથી 2 ઓગસ્ટ દરમિયાન ભારેથી અતિભારે વરસાદની આગાહીને પગલે ગુજરાત સરકાર સંપૂર્ણપણે એલર્ટ મોડમાં આવી ગઈ છે. સંભવિત આપત્તિજનક પરિસ્થિતિને પહોંચી વળવા માટે અધિક મુખ્ય સચિવ (મહેસૂલ) ડૉ. જયંતિ રવિની અધ્યક્ષતામાં ગાંધીનગર સ્થિત સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC) ખાતે ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ હતી.
વિડિયો કોન્ફરન્સ મારફતે યોજાયેલી આ બેઠકમાં સુરત, વડોદરા, અમદાવાદ, ભાવનગર, ભરૂચ, આણંદ, નર્મદા, તાપી, ડાંગ, છોટા ઉદેપુર, પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લાના કલેક્ટરો તથા અન્ય વરિષ્ઠ અધિકારીઓ જોડાયા હતા. બેઠક દરમિયાન ભારે વરસાદ સામેની પૂર્વ તૈયારીઓ, રાહત-બચાવ કામગીરી અને આપત્તિ વ્યવસ્થાપનની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી.
અધિકારીઓની રજાઓ રદ, 24x7 કંટ્રોલ રૂમ કાર્યરત
ડૉ. જયંતિ રવિએ ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને અસરગ્રસ્ત જિલ્લાઓના અધિકારીઓની રજાઓ તાત્કાલિક અસરથી રદ કરવાનો આદેશ આપ્યો છે. દરેક જિલ્લામાં 24 કલાક કાર્યરત કંટ્રોલ રૂમ શરૂ રાખવા તેમજ એક વર્ગ-1 અધિકારીને સતત દેખરેખ માટે નિયુક્ત કરવા સૂચના આપવામાં આવી છે.
NDRF-SDRF અને સેનાની ત્રણેય પાંખો સ્ટેન્ડબાય
નીચાણવાળા અને સંવેદનશીલ વિસ્તારોમાં જરૂરિયાત મુજબ NDRF અને SDRFની ટીમોને તાત્કાલિક તૈનાત કરવા સૂચના આપવામાં આવી છે. જો પરિસ્થિતિ વધુ ગંભીર બને તો ભારતીય સેનાની ત્રણેય પાંખો – આર્મી, નેવી અને એરફોર્સને પણ સ્ટેન્ડબાય રાખવામાં આવી છે.
નીચાણવાળા વિસ્તારોમાંથી સ્થળાંતર માટે તૈયારી
અધિક મુખ્ય સચિવે જિલ્લા કલેક્ટરોને નીચાણવાળા અને પૂરગ્રસ્ત બની શકે એવા વિસ્તારોમાંથી લોકોને સમયસર સુરક્ષિત સ્થળોએ ખસેડવાની તૈયારી રાખવા જણાવ્યું છે. આશ્રયસ્થાનોમાં ભોજન, શુદ્ધ પીવાનું પાણી અને જરૂરી આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ રહે તેની પણ ખાસ સૂચના આપવામાં આવી છે.
શાળાઓ અંગે નિર્ણય જિલ્લા કલેક્ટર લેશે
વરસાદની વાસ્તવિક સ્થિતિને આધારે સંબંધિત જિલ્લા કલેક્ટરોને શાળાઓ અને આંગણવાડીઓમાં રજા જાહેર કરવાનો અધિકાર આપવામાં આવ્યો છે, જેથી સ્થાનિક પરિસ્થિતિ મુજબ સમયસર નિર્ણય લઈ શકાય.
જોખમી હોર્ડિંગ્સ દૂર કરવા આદેશ
રાહત કમિશનર ગૌરાંગ મકવાણાએ જણાવ્યું હતું કે રાજ્યભરમાં જોખમી હોર્ડિંગ્સ, બેનર્સ, સાઇનબોર્ડ્સ અને જર્જરિત માળખાઓને તાત્કાલિક દૂર કરવા સૂચના આપવામાં આવી છે. તેજ પવન અને ભારે વરસાદ દરમિયાન કોઈ જાનહાનિ ન થાય તે માટે તમામ વિભાગોને સજ્જ રહેવા જણાવાયું છે.
નાગરિકોને અપીલ
રાહત કમિશનર ગૌરાંગ મકવાણાએ રાજ્યના નાગરિકોને અપીલ કરી છે કે આગામી દિવસોમાં હવામાનની સ્થિતિને ધ્યાનમાં રાખીને અત્યંત જરૂરી કામ સિવાય ઘરની બહાર ન નીકળે, સ્થાનિક તંત્રની સૂચનાઓનું પાલન કરે અને અફવાઓથી દૂર રહી માત્ર અધિકૃત માહિતી પર જ વિશ્વાસ રાખે.
રાજ્ય સરકારે સ્પષ્ટ કર્યું છે કે સંભવિત ભારે વરસાદ અને પૂર જેવી પરિસ્થિતિને પહોંચી વળવા સમગ્ર સરકારી તંત્ર 'એલર્ટ મોડ' પર કાર્યરત છે અને નાગરિકોની સુરક્ષા સર્વોચ્ચ પ્રાથમિકતા છે.