ઈન્ડિયા દક્ષિણ ગુજરાતને વડાપ્રધાન મોદી આપશે ₹1063 કરોડથી વધુના GIDC પ્રોજેક્ટ્સની ભેટ, ઔદ્યોગિક વિકાસને મળશે નવી ગતિ.
5 જૂને સુરતથી ₹18,777 કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત, ભરૂચ અને વલસાડને મળશે મોટા પ્રોજેક્ટ્સનો લાભ
ગાંધીનગર: વડાપ્રધાન Narendra Modi આગામી 5 જૂન, 2026ના રોજ ગુજરાતની મુલાકાત દરમિયાન સુરત ખાતેથી ભારત સરકાર અને ગુજરાત સરકારના સંયુક્ત પ્રયાસોથી ₹18,777 કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. આ વિકાસયાત્રામાં દક્ષિણ ગુજરાતને વિશેષ ભેટરૂપે ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ (GIDC) હેઠળ ₹1063.43 કરોડના 8 મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરવામાં આવશે.
આ પ્રોજેક્ટ્સમાં ભરૂચ જિલ્લામાં ₹894 કરોડથી વધુના 6 પ્રોજેક્ટ્સ અને વલસાડ જિલ્લામાં ₹169.3 કરોડના 2 મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે. આ યોજનાઓથી ઔદ્યોગિક માળખાકીય સુવિધાઓ મજબૂત બનશે, પ્રદૂષણ નિયંત્રણ વ્યવસ્થામાં સુધારો થશે અને રોકાણકારોને વધુ સગવડો ઉપલબ્ધ થશે.

દહેજ PCPIRને મળશે અત્યાધુનિક એફ્લુઅન્ટ નિકાલ વ્યવસ્થા
ભરૂચ જિલ્લાના દહેજ PCPIR (પેટ્રોલિયમ, કેમિકલ અને પેટ્રોકેમિકલ ઇન્વેસ્ટમેન્ટ રિજન) માટે ₹474.61 કરોડના ખર્ચે તૈયાર કરાયેલા 90 MLD ક્ષમતાવાળા એફ્લુઅન્ટ નિકાલ પાઇપલાઇન પ્રોજેક્ટનું લોકાર્પણ કરવામાં આવશે.
સાયખા પમ્પિંગ સ્ટેશનથી દહેજના લેન્ડફોલ પોઈન્ટ સુધી વિકસાવાયેલી આ ઓફશોર અને ઓનશોર પાઇપલાઇન પ્રણાલી દ્વારા પ્રદૂષિત પાણીના વૈજ્ઞાનિક અને સુરક્ષિત નિકાલની વ્યવસ્થા વધુ મજબૂત બનશે. આ પ્રોજેક્ટમાં આધુનિક PLC-SCADA સિસ્ટમ, ઇલેક્ટ્રો-મિકેનિકલ સાધનો તથા પાંચ વર્ષના ઓપરેશન અને મેન્ટેનન્સનો પણ સમાવેશ થાય છે.
દહેજ PCPIR વિસ્તાર હાલમાં કેમિકલ, પેટ્રોકેમિકલ, ટેક્સટાઇલ, ફાર્મા, ડાઈઝ અને એન્જિનિયરિંગ સહિતના ક્ષેત્રોના 1,000થી વધુ ઔદ્યોગિક એકમોનું મહત્વપૂર્ણ કેન્દ્ર બની ચૂક્યો છે.

જંબુસર બલ્ક ડ્રગ પાર્કને મળશે નવી ઓળખ
ભરૂચ જિલ્લાના જંબુસરમાં વિકસાવવામાં આવેલા બલ્ક ડ્રગ પાર્કમાં ₹274.96 કરોડના ખર્ચે રોડ નેટવર્ક, સ્ટોર્મ વોટર ડ્રેનેજ સિસ્ટમ અને સેન્ટ્રલ ડ્રેન જેવી આધુનિક સુવિધાઓ ઉભી કરવામાં આવી છે.
આ પ્રોજેક્ટથી ફાર્માસ્યુટિકલ ઉદ્યોગોને વધુ સારા માળખાકીય આધાર મળશે અને ગુજરાતને બલ્ક ડ્રગ તથા દવા ઉત્પાદન ક્ષેત્રે વધુ સ્પર્ધાત્મક બનાવવામાં મદદ મળશે.

દહેજ-2 માટે 30 MLD ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશન
વડાપ્રધાનશ્રી દહેજ-2 ઔદ્યોગિક વસાહત માટે 30 MLD ક્ષમતાવાળા ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશનનું પણ લોકાર્પણ કરશે. આ પ્રોજેક્ટ હેઠળ સુવા પમ્પિંગ સ્ટેશનથી Z-93 સુધી રાઈઝિંગ મેઈન સાથે આધુનિક ડ્રેનેજ વ્યવસ્થા વિકસાવવામાં આવી છે.
આ પ્રોજેક્ટ ઔદ્યોગિક ગંદા પાણીના વ્યવસ્થિત વહન અને સંકલિત એફ્લુઅન્ટ મેનેજમેન્ટ સિસ્ટમને વધુ કાર્યક્ષમ બનાવશે.

પાનોલી અને અંકલેશ્વરમાં પણ મહત્વપૂર્ણ વિકાસકાર્યો
ભરૂચ જિલ્લાના પાનોલી વિસ્તરણ ઔદ્યોગિક વસાહતમાં રોડ, ક્રોસ ડ્રેનેજ, પાણી પુરવઠા નેટવર્ક, સ્ટ્રીટલાઇટ, કમ્પાઉન્ડ વોલ, પેવર બ્લોક અને વૃક્ષારોપણ સહિતની વિવિધ સુવિધાઓ વિકસાવવામાં આવી છે.
સાથે જ અંકલેશ્વર ખાતે એફ્લુઅન્ટ ટ્રાન્સમિશન પાઇપલાઇન માટે ઇન્ટરમીડિયેટ બૂસ્ટર પમ્પિંગ સ્ટેશનનું નિર્માણ કરવામાં આવ્યું છે, જે પ્રદૂષિત પાણીના અસરકારક વહન અને પર્યાવરણીય ધોરણોના પાલનમાં મદદરૂપ બનશે.
આ ઉપરાંત દહેજ-1 ઔદ્યોગિક વસાહતમાં નેચરલ ડ્રેઇન-2ના અપગ્રેડેશન દ્વારા વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા વધુ મજબૂત બનાવવામાં આવી છે.

વલસાડના સરીગામને મળશે ₹169 કરોડથી વધુના બે મોટા પ્રોજેક્ટ્સ
વલસાડ જિલ્લાના સરીગામ ઔદ્યોગિક વિસ્તારમાં પણ બે મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરવામાં આવશે.
સૌથી મહત્વપૂર્ણ પ્રોજેક્ટ તરીકે કોમન એફ્લુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (CETP)ની ક્ષમતા 15 MLDથી વધારીને 25 MLD કરવામાં આવી છે. જેના કારણે ઔદ્યોગિક ગંદા પાણીના શુદ્ધિકરણની ક્ષમતામાં નોંધપાત્ર વધારો થશે અને પર્યાવરણના ધોરણોનું વધુ અસરકારક પાલન થશે.

HDPE ઓનશોર અને ઓફશોર પાઇપલાઇન પ્રોજેક્ટ
સરીગામમાં સમ્પ અને પમ્પિંગ સ્ટેશન સાથે HDPE ઓનશોર અને ઓફશોર આઉટફોલ પાઇપલાઇન નેટવર્ક પણ તૈયાર કરવામાં આવ્યું છે.
આ પ્રોજેક્ટ હેઠળ પમ્પિંગ સ્ટેશનથી લેન્ડફોલ ચેમ્બર અને ત્યાંથી ઊંડા સમુદ્ર સુધી પ્રદૂષિત પાણીના નિકાલ માટે આધુનિક પાઇપલાઇન સિસ્ટમ ઉભી કરવામાં આવી છે. આ પ્રોજેક્ટ પર્યાવરણ સંરક્ષણ અને ઔદ્યોગિક વિકાસ વચ્ચે સંતુલન જાળવવામાં મહત્વની ભૂમિકા ભજવશે.
દક્ષિણ ગુજરાતના વિકાસને મળશે નવી ગતિ
આ તમામ પ્રોજેક્ટ્સ દક્ષિણ ગુજરાતના ઔદ્યોગિક વિસ્તારોમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર, પ્રદૂષણ નિયંત્રણ, ડ્રેનેજ વ્યવસ્થાપન અને રોકાણલક્ષી સુવિધાઓને વધુ મજબૂત બનાવશે. પરિણામે નવા ઉદ્યોગો માટે અનુકૂળ વાતાવરણ સર્જાશે, રોજગારીની નવી તકો ઉભી થશે અને રાજ્યના આર્થિક વિકાસને વધુ વેગ મળશે.
ગુજરાત પહેલેથી જ દેશનું અગ્રણી ઔદ્યોગિક રાજ્ય ગણાય છે અને હવે દહેજ, અંકલેશ્વર, પાનોલી, જંબુસર અને સરીગામ જેવા ઔદ્યોગિક કેન્દ્રોમાં થઈ રહેલા આ વિકાસકાર્યો રાજ્યને વૈશ્વિક રોકાણ નકશા પર વધુ મજબૂત સ્થાન અપાવશે.
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની હાજરીમાં થનારા આ લોકાર્પણ કાર્યક્રમને દક્ષિણ ગુજરાતના ઔદ્યોગિક વિકાસના નવા અધ્યાય તરીકે જોવામાં આવી રહ્યો છે.
સમયસંદેસ દ્વારા દેશ - વિદેશના લટેસ્ટ ઉપડેટ માટે એપ લોન્ચ કરવામાં આવ્યું છે તો એપ ને ડાઉનલોડ કરવા માટે આપેલ લિન્ક પર ક્લિક કરો અને મેળવો લટટેસ્ટ ઉપડેટ : https://play.google.com/store/apps/details?id=com.samaysandeshnews