જાહેરાત
તાજા સમાચાર
પાછા મુખ્ય સમાચાર પર
મારું શહેર ૩૯ વાર જોવાયેલ એક કલાક પેહલા

મારું શહેર ભાણવડ પંથકમાં એક જ રાતમાં પાંચ અજગરનું રેસ્ક્યુ.

ભાણવડ પંથકમાં એક જ રાતમાં પાંચ અજગરનું રેસ્ક્યુ.

ભાણવડ પંથકમાં એનિમલ લવર્સ ચેરિટેબલ ટ્રસ્ટ અને વન વિભાગની સંયુક્ત ટીમે વન્યજીવ સંરક્ષણનું સરાહનીય ઉદાહરણ પૂરું પાડ્યું છે. મોડી રાત્રે માત્ર સાડા ત્રણથી ચાર કલાકના સમયગાળામાં અલગ-અલગ પાંચ સ્થળેથી પાંચ અજગરનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું.

મળતી માહિતી મુજબ, રાત્રિના 9થી 1 વાગ્યા દરમિયાન અજગર અંગે અલગ-અલગ સ્થળેથી કોલ મળતા એનિમલ લવર્સ ચેરિટેબલ ટ્રસ્ટ અને વન વિભાગની ટીમ તાત્કાલિક કામે લાગી હતી. ટીમે જામ રોજીવાડા, ભરતપુર, ટીંબડી, વિજયપુર અને ફતેપુર ગામોમાં પહોંચીને વાડી, કૂવા તેમજ રહેણાંક વિસ્તારોમાંથી કુલ પાંચ અજગરનું સુરક્ષિત રેસ્ક્યુ કર્યું હતું.

 

રેસ્ક્યુ બાદ તમામ અજગરને વન વિભાગની જરૂરી પ્રક્રિયા પૂર્ણ કરીને બરડાના પ્રાકૃતિક આવાસમાં સુરક્ષિત રીતે મુક્ત કરવામાં આવ્યા હતા.

આ સમગ્ર રેસ્ક્યુ ઓપરેશનમાં ટ્રસ્ટના પ્રમુખ અશોકભાઈ ભટ્ટના નેતૃત્વ હેઠળ દૂદાભાઈ ભરવાડ, મેરામણભાઈ, વિજય ખુટી, પરાગ પીઠિયા, વિશાલ ભરવાડ અને અક્ષય સૂચક સહિતની ટીમે મહત્વપૂર્ણ કામગીરી કરી હતી. વન વિભાગ તરફથી લક્ષેશ વાણિયાએ પણ કામગીરીમાં સહયોગ આપ્યો હતો.

 

ઉલ્લેખનીય છે કે આ ટીમ છેલ્લા 16 વર્ષથી પોતાના અંગત કામકાજ અને નોકરીની સાથે મોડી રાત્રે પણ કોઈપણ પ્રકારના વળતરની અપેક્ષા રાખ્યા વિના નિઃશુલ્ક વન્યજીવ રેસ્ક્યુની સેવા આપી રહી છે.

એક જ રાતમાં પાંચ અજગરનું રેસ્ક્યુ કરી તેમને સુરક્ષિત કુદરતી આવાસમાં છોડવામાં આવતા ભાણવડ પંથકના સ્થાનિકો તેમજ વન્યજીવ પ્રેમીઓ દ્વારા એનિમલ લવર્સ ચેરિટેબલ ટ્રસ્ટ અને વન વિભાગની આ નિઃસ્વાર્થ કામગીરીને બિરદાવવામાં આવી રહી છે.

 

રિપોર્ટર  મયુર મોદી ભાણવડ

આ સમાચાર શેર કરો:
સમય સંદેશ મેનુ