મારું શહેર જેતપુરમાં PGVCLના ₹80 લાખના કૌભાંડમાં મોટી કાર્યવાહી: 3 ઇજનેર સહિત 5 અધિકારી-કર્મચારી સસ્પેન્ડ.
જેતપુર પીજીવીસીએલ ડિવિઝનના સ્ટોરમાંથી સરકારી વીજ સામગ્રીમાં થયેલી ગંભીર ગેરરીતિના મામલે આખરે ઉચ્ચ કક્ષાએથી મોટી કાર્યવાહી કરવામાં આવી છે. અંદાજે ₹80 લાખની કિંમતનો સરકારી માલ ખાનગી સોલાર કંપનીઓ સુધી પહોંચાડવામાં આવ્યો હોવાના આક્ષેપો વચ્ચે પાંચ જવાબદાર અધિકારી-કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ કાર્યવાહી બાદ વીજતંત્રના વર્તુળોમાં ભારે ખળભળાટ જોવા મળી રહ્યો છે.
મળતી વિગતો પ્રમાણે, 27 ફેબ્રુઆરીના રોજ જેતપુર પીજીવીસીએલના સ્ટોરમાંથી ડિપાર્ટમેન્ટલ કામના નામે મોટી માત્રામાં વીજ સામગ્રી બહાર કાઢવામાં આવી હતી. તેમાં આશરે 12.5 કિલોમીટર ઓલ એલ્યુમિનિયમ કંડક્ટર (ડોગ કંડક્ટર) કેબલ, 9 મીટર ઊંચા 30 એમ.એસ. ગડર પોલ અને 11 કેવીની 400 પીનનો સમાવેશ થતો હોવાનું સામે આવ્યું છે. આ સામગ્રી સરકારી કામમાં વપરાવાની જગ્યાએ ગેરરીતિપૂર્વક ખાનગી સોલાર કંપનીઓને આપવામાં આવી હોવાના ગંભીર આક્ષેપો થયા હતા.
આ સમગ્ર મામલાને છુપાવવા માટે ગેટ પાસ અને સ્ટોર રજિસ્ટરમાં પણ ગેરરીતિ કરવામાં આવી હોવાના આક્ષેપો થયા હતા. સામગ્રી ખારચિયા ગામે રાખવામાં આવી હોવાનો દાવો કરવામાં આવ્યો હતો, પરંતુ તપાસ દરમિયાન ત્યાં રહેલા પોલ જૂના હોવાનું બહાર આવ્યું હતું. બીજી તરફ 12.5 કિલોમીટર કેબલ અંગે મૌખિક જાણકારી આપવામાં આવી હોવા છતાં સ્ટોર રજિસ્ટરમાં તેની યોગ્ય નોંધ ન હોવાનું પણ તપાસમાં સામે આવ્યું હોવાનું જણાવાયું છે.
કૌભાંડ અંગે શરૂઆતમાં રાજકોટ વર્તુળ કચેરીના સ્તરે તપાસ કરવામાં આવી હતી, પરંતુ પ્રથમ તબક્કાની તપાસમાં કોઈ નોંધપાત્ર ગેરરીતિ મળી ન હોવાનો રિપોર્ટ રજૂ થયો હતો. ત્યારબાદ જવાબદાર કર્મચારીઓ સામે કડક પગલાં લેવાને બદલે કેટલાક કર્મચારીઓની માત્ર બદલી કરવામાં આવી હોવાના આક્ષેપો થયા હતા. જોકે, સ્થાનિક આરટીઆઈ કાર્યકર યોગેન્દ્રસિંહ ગોહિલે પુરાવાઓ સાથે રજૂઆત કરીને સમગ્ર મામલાની ઊંડાણપૂર્વક તપાસની માગણી કરતાં પ્રકરણ ફરી ચર્ચામાં આવ્યું હતું.
મામલો ઉચ્ચ કક્ષાએ પહોંચ્યા બાદ વડોદરા સ્થિત વડી કચેરીના અધિકારીઓ દ્વારા વધુ વિગતવાર તપાસ હાથ ધરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન સરકારી સામગ્રીના હિસાબ, સ્ટોર રેકોર્ડ અને સામગ્રીની હેરફેર સહિતના મુદ્દાઓની ચકાસણી કરવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં ગેરરીતિ સામે આવતા વડી કચેરીના આદેશથી હવે પાંચ અધિકારી-કર્મચારીઓ સામે સસ્પેન્શનની કાર્યવાહી કરવામાં આવી છે.
આ મામલે સસ્પેન્ડ કરવામાં આવેલા કર્મચારીઓમાં નાયબ ઈજનેર એન.પી. ગોહેલ, નાયબ ઈજનેર જે.આર. વલેરા, જુનિયર ઈજનેર એ.પી. પાનસુરીયા, ખર્ચ વિભાગના સુપરિન્ટેન્ડેન્ટ કે.કે. વાગડીયા અને સ્ટોર કીપર આર.આર. વનારનો સમાવેશ થાય છે. ત્રણ ઇજનેર સહિત પાંચ કર્મચારીઓ સામે થયેલી આ કાર્યવાહીથી વીજ વિભાગમાં જવાબદારી અને સરકારી સંપત્તિના સંચાલન અંગે ગંભીર ચર્ચા શરૂ થઈ છે.
જેતપુર ડિવિઝનના ઇન્ચાર્જ કાર્યપાલક ઇજનેર બી.પી. રાડાના જણાવ્યા મુજબ, વડી કચેરીમાં થયેલી ફરિયાદ બાદ તપાસ હાથ ધરવામાં આવી હતી અને પ્રાથમિક તપાસમાં ગેરરીતિ સામે આવતા ઉચ્ચ કચેરીના આદેશ અનુસાર પાંચ કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. હવે સમગ્ર પ્રકરણમાં વધુ તપાસ દરમિયાન અન્ય કોઈની સંડોવણી કે સરકારી સામગ્રીના ગેરવહીવટ અંગે વધુ વિગતો બહાર આવે છે કે નહીં તેના પર નજર રહેશે. સરકારી મિલકત સાથે જોડાયેલા આ કથિત કૌભાંડમાં થયેલી કાર્યવાહીથી વીજતંત્રમાં પણ જવાબદારી નક્કી કરવાની પ્રક્રિયા વધુ કડક બનવાની શક્યતા છે.