ઈન્ડિયા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો? શ્રીલંકા ટેસ્ટ પહેલાં શુભમન ગિલના અંગૂઠામાં ઈજા, BCCIની ચિંતા વધી
શ્રીલંકા સામેની આગામી ટેસ્ટ શ્રેણી પહેલાં ભારતીય ક્રિકેટ ટીમ માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. છેલ્લા કેટલાક સમયથી ટીમ ઈન્ડિયાના અનેક ખેલાડીઓ વારંવાર ઈજાનો ભોગ બની રહ્યા છે, ત્યારે હવે ટેસ્ટ ટીમના કેપ્ટન શુભમન ગિલ પણ પ્રેક્ટિસ દરમિયાન ઈજાગ્રસ્ત થયા હોવાનું જાણવા મળ્યું છે. શ્રેણીની શરૂઆત પહેલાં જ કેપ્ટનની ઈજાએ ટીમ મેનેજમેન્ટ અને BCCIની ચિંતા વધારી દીધી છે.
મળતી માહિતી મુજબ, ભારતીય ટીમ હાલમાં શ્રીલંકામાં ટેસ્ટ શ્રેણીની તૈયારી કરી રહી છે. 7થી 9 ઓગસ્ટ દરમિયાન રમાનારી વોર્મ-અપ મેચ પહેલાં કોલંબોના NCC ગ્રાઉન્ડ પર પ્રેક્ટિસ સેશન દરમિયાન ગિલ બેટિંગ કરી રહ્યા હતા, ત્યારે તેમના જમણા હાથના અંગૂઠા પર બે વખત બોલ વાગ્યો હતો. પ્રથમ વખત બોલ વાગતાં જ મેડિકલ સ્ટાફે તાત્કાલિક સારવાર આપી અને અંગૂઠા પર પાટો બાંધી દીધો હતો.
સારવાર બાદ શુભમન ગિલે ફરીથી પ્રેક્ટિસ શરૂ કરી હતી, પરંતુ બાદમાં સ્લિપ કેચિંગની પ્રેક્ટિસ દરમિયાન ફરી એકવાર એ જ ઈજાગ્રસ્ત અંગૂઠા પર બોલ વાગતાં તેમની મુશ્કેલી વધી ગઈ હતી. બીજી વખત ઈજા થતાં ગિલને દુખાવો અનુભવાયો હતો અને મેડિકલ ટીમે ફરી તેમની તપાસ કરી હતી. ત્યારબાદ તેમણે બાકીના પ્રેક્ટિસ સત્રમાં ભાગ લીધો નહોતો, જેના કારણે તેમની સ્થિતિ અંગે અટકળો તેજ બની છે.
ભારત અને શ્રીલંકા વચ્ચેની ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ 15 ઓગસ્ટથી ગૉલ ખાતે રમાવાની છે. તે પહેલાં વોર્મ-અપ મેચ ભારતીય ટીમ માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે. જોકે, ગિલ આ પ્રેક્ટિસ મેચમાં રમી શકશે કે નહીં તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી. ટીમ મેનેજમેન્ટ તેમની ઈજાની ગંભીરતા પર સતત નજર રાખી રહ્યું છે.
શુભમન ગિલની ઈજા કેટલી ગંભીર છે તે અંગે હજુ સ્પષ્ટતા થઈ નથી, પરંતુ જો તેઓ લાંબા સમય સુધી મેદાનથી દૂર રહે તો તે ભારતીય ટીમ માટે મોટો ફટકો સાબિત થઈ શકે છે. BCCI અને ટીમનો મેડિકલ સ્ટાફ ગિલની સ્થિતિનું સતત મૂલ્યાંકન કરી રહ્યો છે અને આગામી દિવસોમાં તેમની ફિટનેસ અંગે અંતિમ નિર્ણય લેવામાં આવશે. હાલ ક્રિકેટપ્રેમીઓની નજર ગિલની તબિયત અને તેમની ટેસ્ટ શ્રેણીમાં ઉપલબ્ધતા પર ટકેલી છે.