મારું શહેર ગોંડલમાં જન્માષ્ટમી પર્વે કોમી એકતાના દર્શન: 44 વર્ષથી બાળ યુવક મિત્ર મંડળની ભવ્ય કૃષ્ણ લીલા ઝાંખીઓ.
જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે ગોંડલના ધારશી પારેખની શેરી ખાતે શ્રી બાળ યુવક મિત્ર મંડળ અને આર્ય શેરી મિત્ર મંડળ દ્વારા ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. છેલ્લા 44 વર્ષથી અવિરત યોજાતા આ મહોત્સવે આ વર્ષે પણ ભક્તિ, સંસ્કૃતિ અને કોમી એકતાનો અનોખો સંદેશ આપ્યો હતો.
મંડળ દ્વારા ભગવાન શ્રીકૃષ્ણના જીવનપ્રસંગો અને વિવિધ લીલાઓને જીવંત કરતી મનોરમ ઝાંખીઓ, આકર્ષક ફ્લોટ્સ તેમજ ભવ્ય લાઇટ ડેકોરેશન તૈયાર કરવામાં આવ્યું હતું, જે શ્રદ્ધાળુઓ અને દર્શકો માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.
આ આયોજનની સૌથી મોટી વિશેષતા હિન્દુ-મુસ્લિમ એકતા અને ભાઈચારાનું અનોખું દૃશ્ય રહ્યું. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા બંને સમાજના કાર્યકર્તાઓએ ખભેખભા મિલાવીને નિસ્વાર્થ સેવા આપી હતી, જે સામાજિક સૌહાર્દનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે.
આ સમગ્ર આયોજનમાં બાળ યુવક ગ્રૂપ તેમજ વ્રજ પુષ્પમ-ગોંડલના સભ્યોએ તન, મન અને ધનથી યોગદાન આપી ભવ્ય કૃષ્ણ લીલા ઝાંખીઓને અંતિમ ઓપ આપ્યો હતો.
મંડળ દ્વારા ગોંડલ સહિત આસપાસના વિસ્તારના ભાવિકોને આકર્ષક ઝાંખીઓના દર્શન કરી ભગવાન શ્રીકૃષ્ણના આશીર્વાદ મેળવવા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
રિપોર્ટર: તુષાર વ્યાસ, ગોંડલ