મારું ગુજરાત ગુજરાતમાં પંચાયત અને મહેસૂલી તલાટીની કામગીરી અલગ-અલગઃ સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય.
પંચાયત તલાટી અને મહેસૂલી તલાટી માટે સ્પષ્ટ જોબ ચાર્ટ જાહેર; ગ્રામ્ય કક્ષાએ જવાબદારીમાં આવશે સ્પષ્ટતા
ગુજરાત સરકાર દ્વારા ગ્રામ્ય કક્ષાના વહીવટને વધુ સુવ્યવસ્થિત બનાવવા માટે પંચાયત તલાટી-કમ-મંત્રી અને મહેસૂલી તલાટી વચ્ચે કામગીરીની સ્પષ્ટ વહેંચણી કરવામાં આવી છે. પંચાયત મંત્રી ઋષિકેશ પટેલે ગાંધીનગરથી આ અંગે માહિતી આપતાં જણાવ્યું કે બંને કેડરની કામગીરી અને જવાબદારીઓ અંગે લાંબા સમયથી ચાલી રહેલી વિચારણાના અંતે જોબ ચાર્ટ જાહેર કરવામાં આવ્યો છે.
સરકારના જણાવ્યા મુજબ, ગ્રામ્ય સ્તરે નાના-મોટા આશરે 90થી 100 પ્રકારના કામો થાય છે અને વિષયવાર વર્ગીકરણ કરવામાં આવે તો આશરે 290 જેટલી પ્રજાલક્ષી કામગીરીનો સમાવેશ થાય છે. નવા જોબ ચાર્ટથી કયા કામ માટે પંચાયત તલાટીનો સંપર્ક કરવો અને કયા કામ માટે મહેસૂલી તલાટીનો સંપર્ક કરવો તે અંગે વધુ સ્પષ્ટતા થશે.
પંચાયત તલાટીના કાર્યક્ષેત્રમાં શું આવશે?
નવા જોબ ચાર્ટ મુજબ પંચાયત તલાટી-કમ-મંત્રી ગ્રામ પંચાયત અને ગ્રામ વિકાસ સાથે જોડાયેલી કામગીરી માટે જવાબદાર રહેશે.
તેમાં મુખ્યત્વે:
- ગ્રામ પંચાયત સચિવ તરીકેની કામગીરી
- કેન્દ્ર અને રાજ્ય સરકારની વ્યક્તિગત તથા વિકાસલક્ષી યોજનાઓનો ગ્રામ્ય સ્તરે અમલ
- વિવિધ પ્રમાણપત્રોને લગતી કામગીરી
- ગ્રામતળ અને ગૌચર જમીન સંબંધિત કામગીરી
- પંચાયત હસ્તકની જમીન અને જાહેર મિલકતોની કામગીરી
- ગામની સ્વચ્છતા અને પાણી પુરવઠા સંબંધિત કામગીરી
- વૃક્ષારોપણ
- ગ્રામસભા તથા વિવિધ ગ્રામ્ય સમિતિઓની કામગીરી
- PM-KISAN અને PM-VISHWAKARMA
- ઈ-ગ્રામ અને ઈ-નિર્માણ કાર્ડ
- આંગણવાડી અને પ્રાથમિક શિક્ષણ સંબંધિત કામગીરી
- ગ્રામતળના પ્લોટ અને જાહેર હેતુની જમીન
- સ્વચ્છતા અને આરોગ્ય સંબંધિત ગ્રામ્ય કામગીરી
નો સમાવેશ કરવામાં આવ્યો છે.
મહેસૂલી તલાટી સંભાળશે જમીન અને મહેસૂલ સંબંધિત કામગીરી
બીજી તરફ મહેસૂલી તલાટીનું મુખ્ય કાર્યક્ષેત્ર મહેસૂલ અને જમીન સંબંધિત બાબતો રહેશે.
તેમના જોબ ચાર્ટમાં:
- મહેસૂલના વિવિધ અધિનિયમો અને નિયમો હેઠળની કામગીરી
- જમીનના રેકર્ડ અને સર્વે સંબંધિત કામગીરી
- સરકારી જમીન અને મિલકત સંબંધિત કામગીરી
- PM-સ્વામિત્વ યોજના
- જમીન મહેસૂલની વસૂલાત
- બાકી લેણાંની વસૂલાત
- જમીન સંબંધિત હકો અને રેકર્ડ
- સરકારી જમીન પરના દબાણ અંગેની કામગીરી
- જમીન સંપાદન
- જમીન મહેસૂલમાં છૂટ, વધ-ઘટ તથા વહીવટી કામગીરી
- પાક ઉત્પાદન અને જમીન સુધારણા સંબંધિત કામગીરી
- પાક કાપણી પ્રયોગો
- ફાર્મર રજિસ્ટ્રેશન
- પાક વીમા સંબંધિત કામગીરી
- કુદરતી આપત્તિના સમયે કૃષિ રાહત પેકેજ
- મહેસૂલી અધિકારી દ્વારા સોંપવામાં આવતી અન્ય કામગીરી
નો સમાવેશ કરવામાં આવ્યો છે.
કુદરતી આપત્તિ સમયે બંને વચ્ચે સંકલન
સરકારે બંને કેડરની કામગીરી અલગ કરી હોવા છતાં જ્યાં જરૂરિયાત હોય ત્યાં પરસ્પર સંકલન અને સહકારની જોગવાઈ રાખી છે. ખાસ કરીને કુદરતી આપત્તિના સમયે કૃષિ રાહત પેકેજની કામગીરીમાં પંચાયત તલાટી-કમ-મંત્રી અને મહેસૂલી તલાતીએ સંકલનપૂર્વક કામગીરી કરવાની રહેશે.
આ ઉપરાંત ખાસ કિસ્સામાં વિકાસ કમિશનર દ્વારા હુકમ કરવામાં આવે તો VCE દ્વારા મહેસૂલી તલાટીને મદદરૂપ થઈ શકાશે.
નાગરિકોને શું ફાયદો થશે?
સરકારના આ નિર્ણયથી ગ્રામ્ય કક્ષાએ પંચાયતલક્ષી અને મહેસૂલી કામગીરી માટે જવાબદારી વધુ સ્પષ્ટ બનશે. પરિણામે નાગરિકોને પોતાના કામ માટે કયા તલાટીનો સંપર્ક કરવો તે અંગેની મૂંઝવણ ઓછી થવાની શક્યતા છે.
સરકારના જણાવ્યા મુજબ, બંને કેડરની મૂળ કામગીરી, કાર્યક્ષેત્ર અને જવાબદારી સ્પષ્ટ થતાં ગ્રામ્ય વહીવટમાં પારદર્શિતા, સુવ્યવસ્થિતતા અને જવાબદારી નક્કી કરવાની પ્રક્રિયા વધુ સરળ બનશે.