મારું શહેર જામનગરમાં સંસ્કૃત સપ્તાહની ભવ્ય ઉજવણીનો પ્રારંભ, વિદ્યાર્થીઓની વિશાળ રેલી યોજાઈ.
ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ અને જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે જામનગરમાં સંસ્કૃત સપ્તાહની ભવ્ય ઉજવણીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. સંસ્કૃત ભાષાના પ્રચાર-પ્રસાર, સંવર્ધન અને વિદ્યાર્થીઓમાં તેના પ્રત્યે રસ વધારવાના હેતુથી જામનગર ટાઉન હોલ ખાતેથી વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રેલીને કલેક્ટર પરિમલ પંડ્યા, મેયર મોનિકાબેન વ્યાસ, જામનગર શહેરના પ્રાંત અધિકારી, જિલ્લા શિક્ષણાધિકારી વિપુલ મહેતા સહિતના મહાનુભાવોએ પ્રસ્થાન કરાવ્યું હતું.
જામનગર ટાઉન હોલથી નીકળેલી આ રેલીમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા હતા. વિદ્યાર્થીઓએ પરંપરાગત પોશાક ધારણ કરી સંસ્કૃત ભાષા અને ભારતીય સંસ્કૃતિની ઝલક રજૂ કરી હતી. રેલી દરમિયાન સંસ્કૃત ભાષાના પ્રચાર-પ્રસાર માટે વિવિધ જાગૃતિ બેનરો પ્રદર્શિત કરવામાં આવ્યા હતા. સાથે જ ચાર વેદોના પ્રદર્શનને પણ રેલીમાં વિશેષ સ્થાન આપવામાં આવ્યું હતું, જે લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.
સંસ્કૃત સપ્તાહ દરમિયાન ભાષા અને સંસ્કૃતિને લગતા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી ૨૭ ઓગસ્ટના રોજ સંસ્કૃત ગોષ્ઠીનું આયોજન કરવામાં આવશે. આ પ્રસંગે ધોરણ-૧૦ની પરીક્ષામાં સંસ્કૃત વિષયમાં ૧૦૦માંથી ૧૦૦ ગુણ મેળવનાર તેજસ્વી વિદ્યાર્થીઓનું વિશેષ સન્માન પણ કરવામાં આવશે. વિદ્યાર્થીઓની સિદ્ધિને બિરદાવવા અને અન્ય વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે આ સન્માન સમારોહ મહત્વપૂર્ણ બની રહેશે.
જ્યારે ૨૯ ઓગસ્ટના રોજ સંસ્કૃત પરિષદ અને વિશેષ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમો દ્વારા સંસ્કૃત ભાષાના ઐતિહાસિક, સાંસ્કૃતિક અને શૈક્ષણિક મહત્વને લોકો સમક્ષ ઉજાગર કરવામાં આવશે. સંસ્કૃત સપ્તાહની ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ નવી પેઢીને સંસ્કૃત ભાષા સાથે જોડવાની સાથે ભારતીય સંસ્કૃતિ અને પરંપરાના જ્ઞાનને વધુ વ્યાપક બનાવવાનો છે. જામનગરમાં યોજાયેલી વિદ્યાર્થીઓની વિશાળ રેલીથી સંસ્કૃત સપ્તાહની ઉજવણીનો ઉત્સાહભેર પ્રારંભ થયો છે.