મારું શહેર કીલેશ્વર મહાદેવ ખાતે શ્રાવણમાં ભક્તોની ભારે ભીડ, કીલ ગંગામાં પાણી ઓછું છતાં આસ્થામાં ઘટાડો નહીં.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ નજીક બરડા ડુંગરની ગિરિમાળાઓ વચ્ચે પ્રાકૃતિક સૌંદર્યની વચ્ચે બિરાજમાન કીલેશ્વર મહાદેવ મંદિર ખાતે શ્રાવણ માસ દરમિયાન દર વર્ષની જેમ આ વર્ષે પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે પહોંચી રહ્યા છે. મહાદેવના દર્શન અને બરડા ડુંગરના રમણીય વાતાવરણનો આનંદ માણવા હજારો ભક્તો દૂર-દૂરથી અહીં ઉમટી રહ્યા છે.
આ વર્ષે જિલ્લામાં વરસાદનું પ્રમાણ ખૂબ ઓછું રહેવાના કારણે મંદિર નજીક આવેલી કીલ ગંગામાં પાણીનું પ્રમાણ પણ ઘટ્યું છે. દર વર્ષે કીલ ગંગામાં વહેતા પાણી અને કુદરતી સૌંદર્યનો આનંદ માણવા આવતા ભક્તોમાં આ વખતે થોડું નિરાશાજનક વાતાવરણ જોવા મળી રહ્યું છે. તેમ છતાં શ્રદ્ધાળુઓની આસ્થામાં કોઈ ઘટાડો જોવા મળ્યો નથી અને મોટી સંખ્યામાં લોકો મહાદેવના દર્શન માટે સતત આવી રહ્યા છે.
બરડા ડુંગરની હરિયાળી, કુદરતી નજારા અને શાંતિપૂર્ણ વાતાવરણને કારણે કીલેશ્વર મહાદેવ મંદિર માત્ર ધાર્મિક જ નહીં પરંતુ પ્રાકૃતિક પ્રવાસન સ્થળ તરીકે પણ ઓળખાય છે. શ્રાવણ માસ દરમિયાન અનેક ભક્તો કીલ ગંગામાં સ્નાન કરીને ભગવાન શિવના દર્શન કરી ધન્યતા અનુભવે છે.
આ વિસ્તારમાં પ્રાકૃતિક સૌંદર્ય, વનસ્પતિ, વન્યજીવો અને પશુ-પક્ષીઓનું સંરક્ષણ જળવાઈ રહે તે માટે વન વિભાગ દ્વારા પ્લાસ્ટિકના ઉપયોગ પર કડક પ્રતિબંધ અમલમાં મૂકવામાં આવ્યો છે. પ્રવાસીઓ અને યાત્રાળુઓને પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા તેમજ પર્યાવરણની સ્વચ્છતા જાળવવામાં સહયોગ આપવા અપીલ કરવામાં આવી છે.
વન વિભાગે યાત્રાળુઓ માટે ખાસ સૂચના પણ જાહેર કરી છે. બરડા અભ્યારણ્ય વિસ્તારમાં વન્યજીવોની સુરક્ષા અને રાત્રિના સમયે તેમની અવરજવરને ધ્યાનમાં રાખીને નીચે આવેલી ચેકપોસ્ટ પરથી બપોરે 4 વાગ્યા બાદ પ્રવેશ બંધ કરવામાં આવે છે. તેથી દૂરથી આવતા તમામ ભક્તો અને પ્રવાસીઓને સમયસર ચેકપોસ્ટ પર પહોંચી જવા અને બપોરે 4 વાગ્યા બાદ કીલેશ્વર મહાદેવ તરફ જવાનું આયોજન ન કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.
વન વિભાગે તમામ યાત્રાળુઓને નિયમોનું પાલન કરવા, સ્વચ્છતા જાળવવા અને પર્યાવરણ તેમજ વન્યજીવોના સંરક્ષણમાં સહયોગ આપવા અપીલ કરી છે. આસ્થા અને કુદરતી સૌંદર્યનું અનોખું સંગમ ગણાતું કીલેશ્વર મહાદેવ ધામ શ્રાવણ માસ દરમિયાન ભક્તિ અને પ્રકૃતિપ્રેમનું જીવંત કેન્દ્ર બની રહ્યું છે.