મારું શહેર જામનગરમાં ઈદ-એ-મિલાદને લઈને પોલીસની આગોતરી તૈયારી, શાંતિ સમિતિ અને આયોજકો સાથે બેઠક.
જામનગર: આગામી ઈદ-એ-મિલાદના પવિત્ર તહેવારની ઉજવણી શાંતિપૂર્ણ અને સુમેળભર્યા વાતાવરણમાં થાય તે માટે જામનગર પોલીસ દ્વારા આગોતરી આયોજન હાથ ધરવામાં આવ્યું છે. આ અંતર્ગત પોલીસ અધિક્ષકશ્રી, જામનગરના અધ્યક્ષસ્થાને આયોજકો તથા શાંતિ સમિતિના સભ્યો સાથે મહત્વપૂર્ણ બેઠક યોજવામાં આવી હતી.
બેઠક દરમિયાન તહેવારની ઉજવણી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે, કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને અને શાંતિપૂર્ણ માહોલમાં ધાર્મિક કાર્યક્રમો સંપન્ન થાય તે માટે જરૂરી સૂચનાઓ અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
પોલીસ અધિકારીઓ દ્વારા આયોજકોને કાર્યક્રમો દરમિયાન શાંતિ અને વ્યવસ્થા જાળવવા, જાહેર માર્ગો પર ટ્રાફિકને અડચણ ન થાય તેનું ધ્યાન રાખવા તેમજ સરકારી નિયમો અને પોલીસ દ્વારા આપવામાં આવેલી સૂચનાઓનું પાલન કરવા અપીલ કરવામાં આવી હતી.
આ ઉપરાંત તહેવાર દરમિયાન મોટી સંખ્યામાં લોકો એકત્ર થાય તેવા સ્થળો, જુલૂસના માર્ગો અને સંવેદનશીલ વિસ્તારોમાં તકેદારી રાખવા અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. કોઈપણ શંકાસ્પદ વ્યક્તિ કે પ્રવૃત્તિ જણાય તો તાત્કાલિક પોલીસને જાણ કરવા પણ સૂચના આપવામાં આવી હતી.
શાંતિ સમિતિના સભ્યો અને આયોજકો સાથે સંકલન જાળવીને તહેવાર દરમિયાન ભાઈચારો, શાંતિ અને કોમી સદભાવનું વાતાવરણ જળવાઈ રહે તે માટે સૌના સહકારની અપેક્ષા વ્યક્ત કરવામાં આવી હતી.
જામનગર પોલીસ દ્વારા ઈદ-એ-મિલાદ પૂર્વે યોજાયેલી આ બેઠકથી તહેવાર દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે પોલીસ તંત્રની આગોતરી સજ્જતા સ્પષ્ટ થઈ છે.