જાહેરાત
તાજા સમાચાર
રાજસ્થાનમાં ખાટુશ્યામ જતા શ્રદ્ધાળુઓની બસ ખાડામાં ખાબકી, 8નાં મોત. | ભારત સહિતના દેશો પર 100% ટેરિફનો ખતરો ટળ્યો ટ્રમ્પે રશિયન તેલ ખરીદી માટે આપી છૂટ, ભારતને મોટી રાહત. | ધંધુકા–ભાવનગર હાઈવે પર ભયાનક અકસ્માત, ઇકો કારમાં બ્લાસ્ટ બાદ આગ. | શેરબજારમાં તેજી: સેન્સેક્સ 413.66 પોઇન્ટ વધ્યો, નિફ્ટી 23,146.15 અંકે બંધ. | ગોધરામાં તેજસ્વી તારલાઓનો સન્માન સમારંભ યોજાયો. | રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ. | દિવાળી પહેલાં ગુજરાત એસ.ટી. કર્મચારીઓ માટે ખુશખબર, મોંઘવારી ભથ્થામાં 2 ટકાનો વધારો મંજૂર. | રાજકોટ રેલવે ડિવિઝનમાં સ્વચ્છતા પખવાડિયાની ઉજવણી, હાપા અને જામનગર સ્ટેશને ખાદ્ય પદાર્થોની ગુણવત્તાની તપાસ. | ભાણવડ હોમગાર્ડ યુનિટની જિલ્લા કમાન્ડન્ટ સંદીપ ખેતિયાએ લીધી મુલાકાત, પરેડ અને કચેરીનું કર્યું નિરીક્ષણ. | વોટ્સએપનું નવું ‘ગેસ્ટ કોલ’ ફીચર લોન્ચ, હવે એપ વગર પણ કરી શકાશે કોલમાં વાતચીત. |
પાછા મુખ્ય સમાચાર પર
મારું શહેર ૧૧૫ વાર જોવાયેલ • 2 મહિના પેહલા

મારું શહેર જામનગર મનપાની સોલિડ વેસ્ટ શાખા સામે ગંભીર આક્ષેપો.

જામનગર મનપાની સોલિડ વેસ્ટ શાખા સામે ગંભીર આક્ષેપો.

વોર્ડ નં. 8માં સફાઈ કર્મચારીઓને જીવના જોખમે GEBની રેલિંગની અંદર સફાઈ કરાવાતી હોવાનો યુનિયનનો આક્ષેપ; તપાસ અને જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહીની માંગ

 જામનગર મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ શાખાની કામગીરી સામે રાષ્ટ્રીય સફાઈ કર્મચારી મજદુર યુનિયન દ્વારા ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. યુનિયનના જણાવ્યા મુજબ, વોર્ડ નં. 8માં સફાઈ કર્મચારીઓને GEBની વીજ રેલિંગની અંદર જઈને સફાઈ કરવાની ફરજ પાડવામાં આવી રહી છે, જેના કારણે કર્મચારીઓના જીવ સામે જોખમ ઊભું થયું છે.

યુનિયનના પ્રમુખ મહેશ વી. બાબરીયાના આક્ષેપ મુજબ, વોર્ડ નં. 8માં ફરજ બજાવતા SSI ભરત ચાવડા, SI દેવેન્દ્ર ચૌહાણ, ઝોનલ અશોક નાઈ અને કન્ટ્રોલિંગ મુકેશ વરણવા દ્વારા સફાઈ કર્મચારીઓને આવી કામગીરી કરવા માટે મજબૂર કરવામાં આવતા હોવાનો આક્ષેપ છે.

ચાલુ વીજપ્રવાહ વચ્ચે જોખમી કામગીરીનો આક્ષેપ

યુનિયનનું કહેવું છે કે GEBની રેલિંગની અંદર સફાઈ કરાવવાની કામગીરી સફાઈ કર્મચારીઓની સામાન્ય ફરજમાં આવતી નથી. તેમ છતાં કર્મચારીઓને આવી જગ્યાએ મોકલવામાં આવતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

ખાસ કરીને જો સ્થળ પર ચાલુ વીજપ્રવાહ હોય અને સફાઈ કર્મચારીને કોઈ અકસ્માત નડે, તો તેની જવાબદારી કોની રહેશે તે અંગે યુનિયને સવાલ ઉઠાવ્યો છે. કર્મચારીઓ પાસેથી જીવના જોખમે કામગીરી ન કરાવવામાં આવે અને તેમની સુરક્ષાને પ્રથમ પ્રાથમિકતા આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

કમિશનર સમક્ષ તપાસની માંગ

રાષ્ટ્રીય સફાઈ કર્મચારી મજદુર યુનિયને જામનગર મહાનગરપાલિકાના કમિશનર સમક્ષ સમગ્ર મામલાની યોગ્ય અને નિષ્પક્ષ તપાસ કરાવવાની માંગ કરી છે. જો આક્ષેપો સાચા સાબિત થાય તો જવાબદાર અધિકારીઓ સામે નિયમ મુજબ કડક કાર્યવાહી કરવામાં આવે તેવી પણ માંગ ઉઠાવવામાં આવી છે.

યુનિયન દ્વારા એવી પણ રજૂઆત કરવામાં આવી છે કે ભવિષ્યમાં કોઈ સફાઈ કર્મચારીના જીવને જોખમમાં મૂકે તેવી કામગીરી ન કરાવવામાં આવે અને સલામતીના તમામ નિયમોનું પાલન કરવામાં આવે.

 

ન્યાય નહીં મળે તો આંદોલનની ચીમકી

યુનિયનના જણાવ્યા મુજબ, જો સફાઈ કર્મચારીઓને ન્યાય નહીં મળે અને સમગ્ર મામલે યોગ્ય કાર્યવાહી નહીં થાય તો રાષ્ટ્રીય સફાઈ કર્મચારી મજદુર યુનિયનના ઉપાધ્યક્ષ અમિતભાઈ પરમાર અને શહેર પ્રમુખ મહેશભાઈ બાબરીયાની આગેવાની હેઠળ તમામ સફાઈ કર્મચારીઓને સાથે રાખીને ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપવામાં આવી છે.

યુનિયને જરૂર પડે તો સફાઈ કામગીરી બંધ કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે અને તેના કારણે ઊભી થનારી પરિસ્થિતિની જવાબદારી મનપા તંત્રની રહેશે તેમ જણાવ્યું છે.

હાલ આ સમગ્ર મામલે મનપા તંત્ર તરફથી સત્તાવાર પ્રતિક્રિયા સામે આવી નથી. આક્ષેપોની સત્તાવાર તપાસ બાદ જ હકીકત સ્પષ્ટ થશે.

આ સમાચાર શેર કરો:
સમય સંદેશ મેનુ