સબરસ E20 પેટ્રોલના વિવાદ વચ્ચે જૂના વાહનો માટે E10ની વાપસીના સંકેત.
વાહનચાલકોની માઇલેજ અને એન્જિન સંબંધિત ફરિયાદો વચ્ચે સરકાર-ઓઇલ ઇન્ડસ્ટ્રીમાં ચર્ચા શરૂ
દેશભરમાં E20 પેટ્રોલને લઈને વાહનચાલકોમાં ચાલી રહેલા અસંતોષ વચ્ચે જૂના પેટ્રોલ વાહનો માટે ફરીથી E10 પેટ્રોલ ઉપલબ્ધ કરાવવાનો વિકલ્પ ચર્ચામાં આવ્યો છે. E20માં 20 ટકા ઇથેનોલનું મિશ્રણ હોય છે. વાહનચાલકોની ફરિયાદ છે કે ખાસ કરીને જૂના વાહનોમાં તેના ઉપયોગથી માઇલેજ ઘટે છે અને કેટલાક એન્જિન તથા રબર કમ્પોનન્ટ્સ પર અસર થઈ શકે છે.
મળતી માહિતી મુજબ, સરકાર અને ઓઇલ ઇન્ડસ્ટ્રી વચ્ચે E20ની સાથે E10 પેટ્રોલ પણ બજારમાં ઉપલબ્ધ કરાવવાની શક્યતા અંગે પ્રાથમિક ચર્ચા ચાલી રહી છે.
નિર્ધારિત સમય કરતાં વહેલું હાંસલ થયું E20નું લક્ષ્યાંક
ભારતે પેટ્રોલમાં 20 ટકા ઇથેનોલ બ્લેન્ડિંગનું લક્ષ્યાંક નિર્ધારિત સમય કરતાં આશરે પાંચ વર્ષ વહેલું હાંસલ કર્યું હતું. ત્યારબાદ E20 પેટ્રોલનો ઉપયોગ મોટા પાયે શરૂ થયો.
જોકે, E20ના અમલ બાદ ખાસ કરીને જૂના પેટ્રોલ વાહનોના માલિકોમાં ચિંતા વધી છે. વધુ ઇથેનોલવાળા ઇંધણ માટે ડિઝાઇન ન થયેલા વાહનોમાં માઇલેજમાં ઘટાડો તથા કેટલાક સ્પેરપાર્ટ્સ પર અસર થતી હોવાની ફરિયાદો સામે આવી છે.
સંસદમાં પણ માઇલેજ અંગે સરકારની સ્પષ્ટતા
આ વિવાદ વચ્ચે સરકારે સંસદમાં જણાવ્યું હતું કે જૂના વાહનોમાં E20ના ઉપયોગથી માઇલેજમાં આશરે 3થી 6 ટકાનો ઘટાડો થઈ શકે છે. સાથે જ વાહનોમાં વપરાતા કેટલાક રબર કમ્પોનન્ટ્સ પર પણ તેની અસર થવાની શક્યતા દર્શાવવામાં આવી હતી.
બીજી તરફ સરકારનું કહેવું છે કે ઇથેનોલ મિશ્રણથી ક્રૂડ ઓઇલની આયાત પરની નિર્ભરતા ઘટાડવામાં, પ્રદૂષણ ઘટાડવામાં અને ખેડૂતોની આવક વધારવામાં મદદ મળી શકે છે.
વાહનચાલકોની મુખ્ય ફરિયાદ: E10નો વિકલ્પ ક્યાં?
વાહનચાલકોમાં સૌથી મોટો સવાલ એ છે કે જો કોઈ જૂનું વાહન E10 ઇંધણ માટે બનાવવામાં આવ્યું હોય, તો તેને E10 પેટ્રોલ પસંદ કરવાનો વિકલ્પ કેમ ન મળે?
આ મુદ્દે ભારત સરકારના મુખ્ય આર્થિક સલાહકાર વી. અનંત નાગેશ્વરને પણ E20ની સાથે E10 પેટ્રોલ ઉપલબ્ધ કરાવવાના વિકલ્પ તરફ ધ્યાન દોર્યું હોવાનું જણાવાય છે. ખાસ કરીને દેશમાં ચાલી રહેલા કરોડો જૂના પેટ્રોલ વાહનોને ધ્યાનમાં રાખીને આ વિકલ્પ અંગે ચર્ચા થઈ રહી છે.
એપ્રિલ 2023 પહેલાંના વાહનો માટે ચિંતા
ઓટો ઇન્ડસ્ટ્રીના જણાવ્યા મુજબ, એપ્રિલ 2023 બાદ બજારમાં આવેલા નવા પેટ્રોલ વાહનો BS6 ફેઝ-2 ધોરણો અનુસાર E20 ઇંધણ માટે વધુ યોગ્ય બનાવવામાં આવ્યા છે.
પરંતુ એપ્રિલ 2023 પહેલાં વેચાયેલા કરોડો વાહનો માટે સ્થિતિ અલગ હોઈ શકે છે. ઘણા જૂના વાહનો હજુ પણ આગામી ઘણા વર્ષો સુધી રસ્તા પર દોડી શકે તેમ છે. આવી સ્થિતિમાં વાહનચાલકો માટે E10નો વિકલ્પ ઉપલબ્ધ કરાવવાની માંગ વધુ મજબૂત બની છે.
હાલમાં E10 પેટ્રોલની વાપસી અંગે ટેકનિકલ અને નીતિગત પાસાઓ પર ચર્ચા ચાલી રહી હોવાનું જણાવાય છે. જો સરકાર આ વિકલ્પને મંજૂરી આપે છે, તો જૂના પેટ્રોલ વાહનચાલકોને મોટી રાહત મળી શકે છે.