હવામાન માત્ર 17 ટકા વરસાદથી સૌરાષ્ટ્રમાં કૃષિ સંકટ: પાક સુકાવાની ભીતિ, ખેડૂતોને બિયારણ-ખાતરનો ખર્ચ માથે પડવાની ચિંતા.
ગુજરાતમાં ચોમાસાની શરૂઆતમાં સારા વરસાદની આશાએ ખેડૂતો દ્વારા મોટા પાયે વાવેતર કરવામાં આવ્યું હતું. મોંઘા બિયારણ, ખાતર અને મજૂરી પાછળ લાખો રૂપિયાનો ખર્ચ કર્યા બાદ હવે વરસાદે લાંબો વિરામ લેતાં ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છના ખેડૂતો માટે ચિંતાજનક સ્થિતિ ઊભી થઈ છે. ખેતરોમાં ઊભેલા પાકને પૂરતું પાણી ન મળતાં મગફળી, કપાસ અને અન્ય પાક સુકાવા લાગ્યા છે, જેના કારણે ખેડૂતોને ભારે આર્થિક નુકસાનની ભીતિ સતાવી રહી છે.
દક્ષિણ અને મધ્ય ગુજરાતના અનેક જિલ્લાઓમાં આ વર્ષે સારો વરસાદ નોંધાયો છે, જ્યારે નવસારી, સુરત, ભરૂચ અને ડાંગ જેવા વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો હતો. બીજી તરફ દ્વારકા, જામનગર, પોરબંદર અને કચ્છ જિલ્લામાં વરસાદની ભારે ઘટ જોવા મળી રહી છે. સ્થાનિક ખેડૂતોના જણાવ્યા મુજબ આ વિસ્તારોમાં છેલ્લા લગભગ બે મહિનાથી નોંધપાત્ર વરસાદ પડ્યો નથી અને કુલ વરસાદ માત્ર 17 ટકા જેટલો નોંધાયો છે, જેના કારણે ખેતી પર ગંભીર અસર પડી રહી છે.
ખેડૂતોએ સરકાર સમક્ષ માંગ કરી છે કે, વર્ષ 2020-21માં મુખ્યમંત્રી કિસાન સહાય યોજનામાં નક્કી કરાયેલા માપદંડ મુજબ જો લાંબા સમય સુધી વરસાદ ન પડે તો તે વિસ્તારને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની જોગવાઈ છે. ખેડૂતોનું કહેવું છે કે દ્વારકા, જામનગર, પોરબંદર અને કચ્છ જેવા જિલ્લાઓમાં વરસાદના અભાવે દુષ્કાળ જેવી સ્થિતિ સર્જાઈ છે, તેથી સરકાર આ વિસ્તારોને દુષ્કાળગ્રસ્ત જાહેર કરીને ખેડૂતોને તાત્કાલિક રાહત અને સહાય પૂરી પાડે.
સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના ઘણા વિસ્તારોમાં સિંચાઈના પાણીની પણ પૂરતી વ્યવસ્થા ન હોવાથી ખેડૂતો માટે મુશ્કેલી વધુ વધી છે. હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી દિવસોમાં ભારે વરસાદની શક્યતા પણ ઓછી હોવાથી ખેડૂતોની ચિંતા વધી રહી છે. વરસાદના અભાવે મગફળી, કપાસ, તલ, અડદ સહિતના તેલીબિયાં અને કઠોળના પાકને સૌથી વધુ નુકસાન થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
રાજકોટ સહિત દ્વારકા, પોરબંદર અને કચ્છ જિલ્લાના અનેક વિસ્તારોમાં પાક નિષ્ફળ જવાની સ્થિતિ સર્જાતા કેટલાક ખેડૂતો પોતાના ખેતરોમાં ટ્રેક્ટર ફેરવી રહ્યા છે, જ્યારે કેટલાકે પાક સંપૂર્ણપણે બગડી જતાં ખેતરોમાં ભેંસો છોડી દીધી છે. વરસાદની રાહ જોતા ખેડૂતો હવે આકાશ તરફ આશાભરી નજરે જોઈ રહ્યા છે અને સમયસર વરસાદ વરસે તેમજ સરકાર તરફથી યોગ્ય સહાય મળે તેવી અપેક્ષા રાખી રહ્યા છે.