જાહેરાત
તાજા સમાચાર
શ્રીલંકા સામેની ટેસ્ટ પહેલાં દેવદત્ત પડિક્કલની ધમાકેદાર સદી, નંબર-3 માટે દાવો મજબૂત | તેલંગાણા હાઈકોર્ટની મફત યોજનાઓ પર કડક ટિપ્પણીઃ ‘આ સિલસિલો ચાલુ રહ્યો તો કુબેર પણ કંગાળ થઈ જશે’ | દ્વારકામાં પૈસાની માંગણી મુદ્દે વિવાદઃ ત્રણ સામે પોલીસ ફરિયાદ, છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકીનો આક્ષેપ | જેતપુરમાં PGVCLના ₹80 લાખના કૌભાંડમાં મોટી કાર્યવાહી: 3 ઇજનેર સહિત 5 અધિકારી-કર્મચારી સસ્પેન્ડ. | ગુજરાતભરમાં FDCAની તવાઈ: બે દિવસમાં 1,705 કિલો શંકાસ્પદ ડેરી એનાલોગનો નાશ, ₹5.28 લાખનો જથ્થો ઝડપાયો. | તહેવારો પહેલાં ગૃહિણીઓનું બજેટ ખોરવાયું: ખાંડ અને ખાદ્યતેલના ભાવમાં વધારો, સિંગતેલ ₹2,900ની નજીક. | જામનગર પોલીસની મોટી કાર્યવાહી: 6,157 બોટલ દારૂનો નાશ, રૂ. 25.92 લાખનો મુદ્દામાલ નષ્ટ. | ચીનની નામ બદલવાની ચાલ સામે ભારતનો જવાબ: અરુણાચલ પ્રદેશના 27 સ્થળોને સત્તાવાર નકશામાં સ્થાન. | જામનગરમાં ફાયર વિભાગનો 101 નંબર બંધ, ઈમરજન્સી માટે વૈકલ્પિક નંબરો જાહેર | ખાદ્યતેલના ભાવમાં ફરી ઉછાળો: સિંગતેલ ₹2,900ને પાર, કપાસિયા તેલ પણ ₹2,795 સુધી પહોંચ્યું. |
પાછા મુખ્ય સમાચાર પર
મારું ગુજરાત ૨૧ વાર જોવાયેલ એક કલાક પેહલા

મારું ગુજરાત તહેવારો પહેલાં ગૃહિણીઓનું બજેટ ખોરવાયું: ખાંડ અને ખાદ્યતેલના ભાવમાં વધારો, સિંગતેલ ₹2,900ની નજીક.

તહેવારો પહેલાં ગૃહિણીઓનું બજેટ ખોરવાયું: ખાંડ અને ખાદ્યતેલના ભાવમાં વધારો, સિંગતેલ ₹2,900ની નજીક.

તહેવારોની સીઝન શરૂ થાય તે પહેલાં જ સામાન્ય પરિવારો માટે મોંઘવારીનો વધુ એક ફટકો સામે આવ્યો છે. ખાંડના ભાવમાં છેલ્લા એક મહિનામાં નોંધપાત્ર વધારો થયો છે, જ્યારે સિંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં પણ સતત તેજી જોવા મળી રહી છે. ખાંડનો દેશવ્યાપી સરેરાશ છૂટક ભાવ એક મહિનામાં આશરે 6.6 ટકા વધીને ₹50.30 પ્રતિ કિલો સુધી પહોંચ્યો છે. બીજી તરફ રાજકોટના બજારમાં સિંગતેલનો ડબ્બો ₹2,900ની નજીક પહોંચી જતા તહેવારોના સમયગાળામાં ગૃહિણીઓનું બજેટ વધુ ખોરવાવાની ચિંતા ઊભી થઈ છે.

દેશમાં ખાંડના સરેરાશ છૂટક ભાવ પર નજર કરીએ તો 7 ઓગસ્ટ 2026ના રોજ ખાંડનો સરેરાશ ભાવ ₹50.30 પ્રતિ કિલો નોંધાયો હતો. એક મહિના પહેલાં આ ભાવ ₹47.17 પ્રતિ કિલો હતો. એટલે કે માત્ર એક મહિનાના સમયગાળામાં ખાંડના ભાવમાં આશરે 6.6 ટકાનો વધારો થયો છે. ગયા વર્ષની સરખામણીમાં પણ ખાંડનો ભાવ લગભગ 9 ટકા વધારે હોવાનું સામે આવ્યું છે. તહેવારો દરમિયાન મીઠાઈ અને અન્ય વાનગીઓમાં ખાંડનો વપરાશ વધતો હોવાથી ભાવવધારાની સીધી અસર ઘરગથ્થુ ખર્ચ પર પડી શકે છે.

વધતા ભાવને ધ્યાનમાં રાખીને સરકારે પણ ખાંડના બજાર પર નજર કડક બનાવી છે. 1 ઓગસ્ટ 2026થી દેશભરમાં ખાંડના ડીલરો માટે સ્ટોક હોલ્ડિંગ લિમિટ લાગુ કરવામાં આવી છે, જે 30 નવેમ્બર 2026 સુધી અમલમાં રહેશે. સરકારનો મુખ્ય હેતુ સંગ્રહખોરી અટકાવવાનો અને બજારમાં કૃત્રિમ અછત ઊભી કરીને ભાવ વધારવાના પ્રયાસો પર નિયંત્રણ લાવવાનો છે. નવા નિયમો હેઠળ ડીલરોએ પોતાના સ્ટોકની માહિતી સરકારી ઓનલાઈન પોર્ટલ પર આપવાની રહેશે અને દર અઠવાડિયે સ્ટોક અપડેટ કરવો પડશે.

સરકારના જણાવ્યા મુજબ હાલ દેશમાં સ્થાનિક માંગને પહોંચી વળે તેટલો ખાંડનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. તેમ છતાં કેટલાક વેપારીઓ, ડીલરો અને વચેટિયાઓ દ્વારા સ્ટોક ભેગો કરવાની સાથે સટ્ટાકીય વ્યવહારો અને ખાંડની વાસ્તવિક સપ્લાય વિના માત્ર કાગળ પર થતા વ્યવહારોના કારણે બજારમાં કૃત્રિમ અછતનું વાતાવરણ ઊભું થતું હોવાની માહિતી સરકારના ધ્યાનમાં આવી છે. આ પરિબળોને કારણે એક્સ-મિલ ભાવમાં વધઘટ જોવા મળી અને તેની અસર છૂટક બજાર સુધી પહોંચી હોવાનું સરકારનું કહેવું છે.

બીજી તરફ ખાદ્યતેલના બજારમાં પણ ભાવવધારાનો દોર યથાવત્ છે. સિંગતેલના ડબ્બામાં છેલ્લા દસ દિવસમાં આશરે ₹40નો વધારો નોંધાયો છે અને આજે ભાવ ₹2,850થી ₹2,900 સુધી પહોંચી ગયો છે. કપાસિયા તેલના ભાવમાં પણ આ સમયગાળા દરમિયાન આશરે ₹40નો વધારો થતાં તેનો ભાવ ₹2,745થી ₹2,795 સુધી પહોંચ્યો છે. પરિણામે સિંગતેલ અને કપાસિયા તેલ વચ્ચેનો ભાવફરક પણ હવે માત્ર આશરે ₹100 જેટલો રહ્યો છે.

ખાસ વાત એ છે કે એક તરફ ગુજરાત સહિત દેશમાં મગફળી, સોયાબીન સહિતના તેલીબિયાંનું ઉત્પાદન સારું રહેવાની સ્થિતિ છે અને ચાલુ વર્ષે ખરીફ વાવેતર પણ ગત વર્ષની સરખામણીએ વધ્યું છે. કપાસનું વાવેતર પણ સામાન્ય સ્થિતિમાં આવ્યું છે. તેમ છતાં ખાદ્યતેલના ભાવમાં વધારો થતાં માંગ અને પુરવઠાની સ્થિતિ સામે ભાવવધારાને લઈને વેપારીઓ અને ગ્રાહકોમાં સવાલો ઊભા થયા છે. બજારમાં મગફળીનો પૂરતો જથ્થો હોવા છતાં સિંગતેલના ભાવમાં સતત વધારો સામાન્ય ગ્રાહકો માટે ચિંતાનો વિષય બન્યો છે.

આગામી દિવસોમાં રક્ષાબંધન, શ્રાવણ માસ, સાતમ-આઠમ સહિતના તહેવારો આવી રહ્યા છે. તહેવારો દરમિયાન મીઠાઈ, ફરસાણ અને ઘરેલું વાનગીઓમાં ખાંડ અને ખાદ્યતેલનો વપરાશ વધે છે. તેથી આ સમયગાળામાં ભાવ વધારાનો સીધો બોજ ગ્રાહકો પર પડી શકે છે. હવે સરકાર દ્વારા ખાંડના સ્ટોક પર નિયંત્રણ અને બજારની દેખરેખ બાદ ભાવમાં રાહત મળે છે કે નહીં, તેમજ સિંગતેલ અને કપાસિયા તેલના વધતા ભાવ પર અંકુશ આવે છે કે નહીં, તેના પર સૌની નજર રહેશે.

આ સમાચાર શેર કરો:
સમય સંદેશ મેનુ