જાહેરાત
તાજા સમાચાર
શ્રી ઘુશ્મેશ્વર જ્યોતિર્લિંગની પાવન કથા. | કેશોદ-જૂનાગઢમાં વરસાદના અભાવે ખેડૂતોની ચિંતા વધી, પિયત આપીને પાક બચાવવાના પ્રયાસો. | નેપાળમાં ફરી પૂરનો ખતરો, તિબેટ તરફથી વધુ પાણી આવવાની ચેતવણી બાદ હાઈ એલર્ટ. | કેશોદમાં ‘ભારત કો જાણો ક્વિઝ-2026’નું સફળ આયોજન, 2,500થી વધુ વિદ્યાર્થીઓ જોડાયા. | જામનગર જિલ્લા જેલમાં રક્ષાબંધનની ભાવસભર ઉજવણી, બહેનોએ કેદીઓને રાખડી બાંધી આપ્યો સ્નેહનો સંદેશ. | શ્રી કૃષ્ણનગર પ્રાથમિક શાળા, ભાટીયામાં રક્ષાબંધન નિમિત્તે રાખડી બનાવટ સ્પર્ધાનું આયોજન. | અમદાવાદમાં મીઠાઈ-ફરસાણની દુકાનો માટે નવો નિયમ | 72 કલાક ‘ભારે’! નેપાળ-તિબેટ સરહદે નવા જળપ્રલયનો ખતરો? | રક્ષાબંધનના શુભ મુહૂર્ત | આજનો ઈતિહાસ : 28 ઓગસ્ટ |
પાછા મુખ્ય સમાચાર પર
ધર્મ ૮ વાર જોવાયેલ 53 મિનિટ પેહલા

ધર્મ શ્રી ઘુશ્મેશ્વર જ્યોતિર્લિંગની પાવન કથા.

શ્રી ઘુશ્મેશ્વર જ્યોતિર્લિંગની પાવન કથા.

 

 

સનાતન ધર્મ સંસ્કૃતિમાં 'જ્યોતિર્લિંગ' ને પરબ્રહ્મ પરમાત્મા શિવનું દિવ્ય,સ્વયંભૂ અને સર્વોચ્ચ સ્વરૂપ માનવામાં આવે છે.જ્યોતિર્લિંગ એ કેવળ પાષાણ પ્રતિમા નથી પરંતુ સાક્ષાત સદાશિવનો જ્યોતિર્મય અંશ છે.સમગ્ર ભારતવર્ષમાં સ્થાપિત બાર જ્યોતિર્લિંગો એવાં પવિત્ર ધામ છે જ્યાં ભગવાન શંકર પોતાના ભક્તોના કલ્યાણ અર્થે દિવ્ય જ્યોતિ સ્વરૂપે પ્રગટ થયા હતા.

 

આ દ્વાદશ જ્યોતિર્લિંગો પૈકી અંતિમ એટલે કે બારમું જ્યોતિર્લિંગ એટલે ‘શ્રી ઘુશ્મેશ્વર’. આ દિવ્ય મંદિર મહારાષ્ટ્ર રાજ્યમાં ઔરંગાબાદ-છત્રપતિ સંભાજીનગર નજીક આવેલા ઐતિહાસિક દૌલતાબાદથી આશરે ૧૧ કિલોમીટરના અંતરે આવેલું છે.વિશ્વપ્રસિદ્ધ ઇલોરાની ગુફાઓની બિલકુલ સમીપ સ્થિત આ ધામ અત્યંત રમણીય અને આધ્યાત્મિક ઊર્જાથી સભર છે.

 

ઘુશ્મેશ્વર મંદિરનો ઈતિહાસ અત્યંત ગૌરવશાળી રહ્યો છે.૧૬મી સદીમાં વેરૂળના માલોજી રાજે ભોંસલે છત્રપતિ શિવાજી મહારાજના દાદાજી દ્વારા આ પવિત્ર મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ૧૮મી સદીમાં માહિષ્મતીની પુણ્યશ્લોકા મહારાણી અહિલ્યાબાઈ હોળકરે આ મંદિરનું ભવ્ય પુનઃનિર્માણ કરાવ્યું હતું.

 

આ આધ્યાત્મિક ક્ષેત્ર જીવનનો એક મહાન સંદેશ આપે છે કે કેવળ એકાંતિક જ્ઞાન માનવીને મુક્તિ તરફ લઈ જઈ શકતું નથી અને કેવળ ભોગ પણ કલ્યાણકારી નથી તેથી જ જીવનમાં 'ત્યાગ' અને 'ભોગ' બંનેનો સુંદર સમન્વય હોવો આવશ્યક છે.શ્રીમદ્ ભગવદ્ ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણે પોતાના અવતારકાળ દરમિયાન આ જ સમન્વય દર્શાવ્યો હતો.માત્ર ભોગ માનવીનું અધઃપતન કરે છે જ્યારે શુષ્ક વિરક્તિ માનવ મનને નિરસ બનાવી દે છે.ત્યાગ અને ભોગના આ જ પવિત્ર સમન્વયનું સાક્ષાત શિખર એટલે ઘુશ્મેશ્વર ધામ.

 

સુશર્મા-સુદેહા અને સંતાનપ્રાપ્તિની તીવ્ર ઝંખના..

પ્રાચીન કાળમાં સુશર્મા નામનો એક પરમ જ્ઞાની,સાધનસંપન્ન અને જ્યોતિષશાસ્ત્રનો મહાન વિદ્વાન બ્રાહ્મણ પોતાની પાવનવ્રતા અને સુંદર પત્ની સુદેહા સાથે રહેતો હતો.સુશર્મા અને સુદેહા પાસે સંસારના તમામ ભૌતિક સુખો હતા પરંતુ તેમના આંગણે કોઈ સંતાન રમી રહ્યું નહોતું.સંતાનહીન હોવાના કારણે તેમને સમાજના કડવા વેણ અને અપ્રત્યક્ષ અપમાનો સહન કરવા પડતા હતા.

 

એક દિવસ અત્યંત દુઃખી થઈને સુદેહાએ પોતાના પતિને કહ્યું કે "નાથ ! આપ તો જગતભરના લોકોની કુંડળી જોઈને તેમનું ભવિષ્ય જણાવો છો તો આપણી કુંડળી જોઈને એ તો કહો કે આપણા ભાગ્યમાં સંતાનસુખ લખાયેલું છે કે નહીં?" સુદેહાનું માતૃહૃદય સંતાન વિહોણું તડપી રહ્યું હતું.

 

સુશર્માએ ગ્રહ-નક્ષત્રોની ગણતરી કરી,કુંડળી તપાસીને ગંભીર વદને કહ્યું કે "પ્રિય ! વિધાતાના વિધાન મુજબ તારા ભાગ્યમાં સંતાનનું સુખ નથી." પરંતુ સુદેહા માતૃત્વની ભૂખથી પીડાતી હતી, તેણે આત્મહત્યા કરવાની ધમકી આપીને પતિને દ્વિતીય લગ્ન કરવા માટે રાજી કરી લીધા.સુદેહાએ પોતાની જ નાની અને અત્યંત રૂપાળી બહેન ઘુશ્માને બોલાવી અને તેના વિવાહ પોતાના પતિ સુશર્મા સાથે કરાવી દીધા.

 

ઘુશ્માની અનન્ય શિવભક્તિ અને પુત્રપ્રાપ્તિ..

ઘુશ્મા પરમ શિવભક્ત હતી,તે દરરોજ નિત્યક્રમ મુજબ માટીના ૧૦૧ 'પાર્થિવ શિવલિંગ' બનાવતી, વિધિવત્ તેનું પૂજન-અર્ચન કરતી અને ત્યારબાદ શ્રદ્ધાપૂર્વક નજીકના તળાવમાં તેનું વિસર્જન કરતી હતી. સમય જતાં ઘુશ્માની નિષ્કામ સેવા અને અવિચળ ભક્તિથી પ્રસન્ન થઈને તેને ત્યાં એક તેજસ્વી પુત્રનો જન્મ થયો.ઘુશ્મા પુત્રવતી થતાં ઘરમાં આનંદ છવાઈ ગયો પરંતુ વિધિની ગતિ અકળ હોય છે.જે સુદેહાએ અત્યંત ઉદારતા દાખવીને પોતાની બહેન સાથે પતિના લગ્ન કરાવ્યા હતા તે જ સુદેહાના મનમાં ધીમે ધીમે ઈર્ષ્યાનો અંકુર ફૂટવા લાગ્યો.

 

જેમ જેમ બાળક મોટો થતો ગયો તેમ તેમ પૂર્વજન્મના કોઈ અજ્ઞાત વૈરભાવને કારણે તે બાળક પોતાની મોટી મા સુદેહા પ્રત્યે અણગમો દર્શાવતો હતો.સુદેહા તેને જમાડવા બેસાડે તો તે ન જમતો, લાડ લડાવવા જાય તો તિરસ્કાર કરતો,આ વ્યવહારથી સુદેહાનું હૃદય ભંગ થઈ ગયું.

 

ઈર્ષ્યાનું અગ્નિકુંડ અને આસુરી વિચારોનો કબજો..

સંજોગો બદલાતાં માનવ મનના ગુણો પણ બદલાઈ જાય છે.ભાંગેલું મન ફરીથી સંધાતું નથી, તેથી જ ક્ષણિક આવેશથી બચીને વ્યવહાર કરવો જોઈએ.ધીમે ધીમે નિરાશ થયેલી સુદેહાનો સદગુણો પરથી વિશ્વાસ ઊઠી ગયો.ભગવાન ઉપરની શ્રદ્ધા પણ તેણે ગુમાવી દીધી. કાળક્રમે છોકરો યુવાન થયો અને તેના વિવાહ સંપન્ન થયા.લગ્ન મંડપમાં જતી વખતે ઘુશ્માએ પોતાના પુત્રને સંસ્કાર આપતાં કહ્યું કે "બેટા ! સૌપ્રથમ તારી મોટી મા સુદેહાના ચરણસ્પર્શ કરી આશીર્વાદ લે.આ જગતમાં તારા આગમનનું મૂળ કારણ સુદેહા જ છે" પરંતુ પૂર્વજન્મના કડવા સંસ્કારોથી ઘેરાયેલા તે યુવાને સુદેહાનું અપમાન કર્યું.

 

આ ઘટનાએ સુદેહામાં બચેલી થોડીઘણી સાત્વિકતાનો પણ અંત આણી દીધો.આસુરી વિચારોએ તેના મન પર પૂર્ણ કબજો જમાવી લીધો.તે મનમાં ને મનમાં બળવા લાગી. "જે સુખ મેળવવા માટે મેં મારા જીવનનું સર્વસ્વ હોમી દીધું તેનું પરિણામ આવું? જે બાળક માટે મારી કોઈ કિંમત જ નથી ! તેને હું આ જગતમાં જીવતો શા માટે રહેવા દઉં?"

 

ઘુશ્મા રોજ પોતાની મોટી બહેનને પ્રેમથી સમજાવતી કે "બહેન ! તું તો મહાન છે,તારૂં મન તો શિવ સમાન ઉદાર છે.થોડી ધીરજ રાખ,મહાદેવ સૌ સારા વાનાં કરશે" પરંતુ કામના અને ક્રોધથી ઘેરાયેલી સુદેહાએ સ્પષ્ટ કહી દીધું કે "હવે મને ઈશ્વર કે તારી પૂજા-અર્ચનામાં કોઈ રસ નથી."

 

કરૂણ હત્યા અને ઘુશ્માની સ્થિતપ્રજ્ઞતા..

એક ઘોર અંધારી રાત્રે સુદેહા ક્રોધમાં અંધ બનીને ખંજર લઈને યુવાન ભત્રીજાના પલંગ પાસે પહોંચી.ક્ષણભર તેનો અંતરાત્મા જાગ્યો કે "આ હું શું કરી રહી છું? મારા પતિ પુત્રહીન થઈ જશે" પરંતુ બીજા જ ક્ષણે ઈર્ષ્યાના આસુરી મને અહંકાર ઉપાડ્યો કે "આણે મારૂં સુખ-ચૈન છીનવી લીધું છે,મારી શ્રદ્ધા રોંદી નાખી છે,તેને જીવવાનો કોઈ હક નથી."

 

આવેશમાં આવીને સુદેહાએ પોતાના જ ભત્રીજાની હત્યા કરી નાખી અને તેની લોહીલુહાણ લાશને એ જ તળાવમાં ફેંકી દીધી જ્યાં ઘુશ્મા દરરોજ શિવલિંગનું વિસર્જન કરતી હતી.પ્રાતઃકાળે પુત્રવધૂએ પલંગમાં રક્તનું ખાબોચિયું જોતાં જ ચીસ પાડી ઉઠી.સમગ્ર ગામમાં આક્રંદ છવાઈ ગયો.લોકો શોકમાં ડૂબી ગયા.સુશર્મા પણ પુત્રશોકમાં ભાંગી પડ્યા પરંતુ ઘુશ્મા તો પોતાના નિત્યક્રમ મુજબ શિવપૂજામાં લીન હતી. કોઈકે આવીને સમાચાર આપ્યા કે "ઘુશ્મા ! તારો દીકરો માર્યો ગયો છે !" સામાન્ય રીતે કોઈપણ માતા આ સાંભળીને ભાંગી પડે પણ ઘુશ્મા તે સમયે પરાભક્તિના દિવ્ય ભાવસ્થાનમાં સ્થિત હતી,તેણે અત્યંત શાંતિથી કહ્યું કે "મારૂં મન તો ભગવાન ચંદ્રમૌલીશ્વરના ચરણોમાં લીન છે,તે પરમ શાંતિનો અનુભવ કરી રહ્યું છે તેથી મારી પૂજામાં ખલેલ ન પહોંચાડો. કોણ મરી ગયું છે તે મારે સાંભળવું નથી."

 

લોકોને લાગ્યું કે ઘુશ્મા પુત્રશોકમાં ગાંડી થઈ ગઈ છે.સંસારનો આ જ નિયમ છે કે તે સાચા ભક્તની સ્થિતપ્રજ્ઞતાને સમજી શકતો નથી.જાણે કંઈ બન્યું જ નથી તેવા અવિચળભાવ સાથે ઘુશ્મા હાથમાં પાર્થિવ શિવલિંગ લઈને તળાવ તરફ ચાલી.સુદેહા અને સમગ્ર ગ્રામજનો પણ તેની પાછળ ચાલ્યા.તળાવના કિનારે પહોંચી ઘુશ્માએ પ્રાર્થના કરી કે "હે મહાદેવ ! જો આપનો મારા પર પ્રેમ હોય તો આ લોકોને સમજાવો કે મારી શાંતિનો ભંગ ના કરે."

 

સદાશિવનું પ્રાગટ્ય અને પુત્રનું પુનર્જીવન..

પોતાના પુત્રના મૃત્યુ જેવા અસહ્ય દુઃખની ક્ષણે પણ ઘુશ્માનો અવિચળ ભક્તિભાવ જોઈને ભગવાન સદાશિવ ચંદ્રમૌલીશ્વર અત્યંત પ્રસન્ન થયા.તળાવમાંથી દિવ્ય વાણી સંભળાઈ..

"ન મે ભક્તઃ પ્રણશ્યતિ.." મારા ભક્તનો ક્યારેય વિનાશ થતો નથી.

 

ભગવાને ઘુશ્માને કહ્યું કે "હે કલ્યાણી ! તારો પુત્ર મરી શકે જ નહીં ! તું એકવાર તેને સાદ પાડ, તારો પુત્ર તને પરત મળશે." ઘુશ્માએ શ્રદ્ધાપૂર્વક હાંક મારી અને આશ્ચર્ય વચ્ચે તે જ તળાવમાંથી તેનો પુત્ર હસતો-રમતો અને દોડતો બહાર આવ્યો !

 

સતી ઘુશ્માની ક્ષમાશીલતાની પરાકાષ્ઠા..

ત્યારબાદ સાક્ષાત ભગવાન શિવ ક્રોધિત સ્વરૂપે પ્રગટ થયા અને તેમણે કહ્યું કે "ઘુશ્મા ! સુદેહાએ અત્યંત ચાંડાલ અને પાપપૂર્ણ કૃત્ય કર્યું છે,તેણે તારા પુત્રની હત્યા કરી છે તેથી તેને મૃત્યુદંડ મળશે." આ સાંભળીને સતી ઘુશ્માએ હાથ જોડી ભગવાન શિવના ચરણોમાં શીશ નમાવી સ્તુતિ કરી કે "હે કરૂણાસાગર ! હે પતિતપાવન ! મારી બહેનને દંડિત ન કરો.સુદેહાએ આખી જિંદગી સાત્વિકતામાં વિતાવી છે,માત્ર આપત્તિના સમયે તેનું મન વિચલિત થઈ ગયું છે.મારી બહેને જો કોઈ પાપ કર્યું હોય તો આપ તો પાપીઓને પણ પાવન કરનારા છો ! જો આપ ગુસ્સે થવા માગતા હો તો મારા પર થાઓ.મારો પુત્ર મને પાછો ન આપો તો કંઈ નહીં પણ મારી બહેનને મૃત્યુદંડ ન આપો.મારી બહેન ના હોત તો આજે મને આપના સાક્ષાત દર્શનનું સૌભાગ્ય ન મળ્યું હોત !"

 

ઘુશ્માની આ ઉચ્ચ ક્ષમાશીલતા અને નિષ્કામ પ્રેમ જોઈને ભગવાન શિવ અત્યંત દ્રવી ઉઠ્યા,તેમણે સુદેહાને પણ ક્ષમા કરી તેનો ઉદ્ધાર કર્યો. ત્યારબાદ ઘુશ્માએ વિનંતી કરી કે "હે પ્રભુ ! જો આપ મારા પર પ્રસન્ન થયા હો તો સંસારના કલ્યાણ અર્થે સદાકાળ માટે અહીં જ નિવાસ કરો."

 

ભગવાન શિવે પોતાની પરમ ભક્ત ઘુશ્માની પ્રાર્થના સ્વીકારી અને જ્યોતિર્મય લિંગના સ્વરૂપમાં ત્યાં જ સ્થિર થઈ ગયા.પાવન શિવભક્ત સતી ઘુશ્માની આરાધનાને કારણે સદાશિવ અહીં પ્રગટ થયા હોવાથી આ પવિત્ર જ્યોતિર્લિંગ 'ઘુશ્મેશ્વર' મહાદેવ તરીકે જગતભરમાં પ્રખ્યાત થયું.

 

આપણે સૌ જીવનમાં અનેક સંઘર્ષો વેઠીને આગળ વધીએ છીએ પરંતુ નાની સરખી પ્રતિકૂળ પરિસ્થિતિ કે ઈર્ષ્યા આવતાં જ મન પરથી કાબૂ ગુમાવી બેસીએ છીએ.ઘુશ્મેશ્વર જ્યોતિર્લિંગની આ કથા આપણને શીખવે છે કે વિપત્તિના સમયે પણ શ્રદ્ધા-ધીરજ અને ક્ષમા જાળવી રાખવી જોઈએ.સતી ઘુશ્માનું સતીત્વ અને અવિચળ શિવભક્તિ યુગો-યુગો સુધી માનવજાતને સાચો આધ્યાત્મિક માર્ગ બતાવતી રહેશે.

 

આ સમાચાર શેર કરો:
સમય સંદેશ મેનુ