સબરસ 72 કલાક ‘ભારે’! નેપાળ-તિબેટ સરહદે નવા જળપ્રલયનો ખતરો?
ચીને જાહેર કરી ગંભીર ચેતવણી, કુદરતી ‘બેરિયર લેક’ ઓવરફ્લો થવાની આશંકા
નેપાળ-તિબેટ સરહદી વિસ્તારમાં સર્જાયેલા કુદરતી ‘બેરિયર લેક’ એટલે કે કુદરતી સરોવરને કારણે ફરી એક મોટા જળપ્રલયનું જોખમ ઊભું થયું છે. ચીનના જળ સંસાધન મંત્રાલયે આ અંગે સત્તાવાર ચેતવણી જાહેર કરી છે.
ચીનના જળ સંસાધન મંત્રાલયના જણાવ્યા અનુસાર, સરહદી વિસ્તારમાં બનેલું આ કુદરતી સરોવર પહેલેથી જ ઓવરફ્લો થઈ રહ્યું છે. આગામી દિવસોમાં વધુ પાણીની આવક થવાની સંભાવનાને પગલે કુદરતી બંધ ગમે ત્યારે તૂટી શકે તેવી ચિંતા વ્યક્ત કરવામાં આવી છે.
ચીનના અધિકારીઓના અંદાજ મુજબ, ગુરુવાર સવાર સુધીમાં આ કુદરતી સરોવરમાં આશરે 20 લાખ ક્યુબિક મીટર પાણી જમા થઈ ચૂક્યું છે. આગામી ત્રણ દિવસમાં વધુ આશરે 30 લાખ ક્યુબિક મીટર પાણી સરોવરમાં પ્રવેશવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
જો પાણીનો પ્રવાહ સતત વધતો રહે અને કુદરતી બંધ તૂટી જાય, તો નીચાણવાળા વિસ્તારોમાં અચાનક મોટા પ્રમાણમાં પાણીનો પ્રવાહ પહોંચવાની શક્યતા છે. જેના કારણે સરહદી વિસ્તારોમાં રહેતા લોકોની સુરક્ષાને લઈને ચિંતા વધી છે.
આ ચેતવણી બાદ આગામી 72 કલાક અત્યંત મહત્વપૂર્ણ બની ગયા છે. સંબંધિત તંત્રો દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને કુદરતી સરોવરમાં પાણીના સ્તર તથા પ્રવાહની સ્થિતિનું મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે.
હાલમાં સૌથી મોટો સવાલ એ છે કે આગામી દિવસોમાં પાણીની આવક કેટલી ઝડપથી વધે છે અને કુદરતી બંધ આ વધતા દબાણને કેટલો સમય સુધી સહન કરી શકે છે. ચીનની ચેતવણી બાદ નેપાળ-તિબેટ સરહદી વિસ્તારની સ્થિતિ પર સમગ્ર તંત્રની નજર છે.