જાહેરાત
તાજા સમાચાર
ધંધુકા–ભાવનગર હાઈવે પર ભયાનક અકસ્માત, ઇકો કારમાં બ્લાસ્ટ બાદ આગ. | શેરબજારમાં તેજી: સેન્સેક્સ 413.66 પોઇન્ટ વધ્યો, નિફ્ટી 23,146.15 અંકે બંધ. | ગોધરામાં તેજસ્વી તારલાઓનો સન્માન સમારંભ યોજાયો. | રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ. | દિવાળી પહેલાં ગુજરાત એસ.ટી. કર્મચારીઓ માટે ખુશખબર, મોંઘવારી ભથ્થામાં 2 ટકાનો વધારો મંજૂર. | રાજકોટ રેલવે ડિવિઝનમાં સ્વચ્છતા પખવાડિયાની ઉજવણી, હાપા અને જામનગર સ્ટેશને ખાદ્ય પદાર્થોની ગુણવત્તાની તપાસ. | ભાણવડ હોમગાર્ડ યુનિટની જિલ્લા કમાન્ડન્ટ સંદીપ ખેતિયાએ લીધી મુલાકાત, પરેડ અને કચેરીનું કર્યું નિરીક્ષણ. | વોટ્સએપનું નવું ‘ગેસ્ટ કોલ’ ફીચર લોન્ચ, હવે એપ વગર પણ કરી શકાશે કોલમાં વાતચીત. | જામનગરના રંગમતી રિવરફ્રન્ટ પ્રોજેક્ટને સૈદ્ધાંતિક મંજૂરી બાદ વેગ. | જામનગરમાં PGVCLની વીજચોરી સામે મેગા ડ્રાઇવ: 30થી વધુ ટીમો મેદાનમાં ઉતરી. |
પાછા મુખ્ય સમાચાર પર
ટૉપ ન્યૂઝ ૧૩૯ વાર જોવાયેલ • એક મહિનો પેહલા

ટૉપ ન્યૂઝ વિસાવદરની ‘નળ સે જળ’ યોજનામાં કથિત ગેરરીતિ અંગે પોલીસ ફરિયાદ

વિસાવદરની ‘નળ સે જળ’ યોજનામાં કથિત ગેરરીતિ અંગે પોલીસ ફરિયાદ

ખોટા બિલ-વાઉચર, અધૂરી કામગીરી અને સરકારી નાણાંને નુકસાન પહોંચાડવાના આક્ષેપો

વિસાવદર: વિસાવદર શહેરના જાગૃત નાગરિક તથા પત્રકાર કેયુરભાઈ ગીરીશભાઈ અભાણીએ વિસાવદર પોલીસ સ્ટેશનમાં ‘નળ સે જળ’ યોજનાના કામમાં કથિત ગેરરીતિ અંગે લેખિત ફરિયાદ કરી છે. ફરિયાદમાં ખોટા બિલ-વાઉચર, અધૂરી કામગીરી તેમજ સરકારી નાણાંને નુકસાન પહોંચાડવાના આક્ષેપો સાથે સમગ્ર પ્રકરણની નિષ્પક્ષ તપાસ કરવાની માંગ કરવામાં આવી છે.

ફરિયાદમાં જણાવ્યા મુજબ, વિસાવદર નગરપાલિકાને ‘નળ સે જળ’ યોજના અંતર્ગત શહેરના નાગરિકોને પીવાનું પાણી પહોંચાડવા માટે સરકાર તરફથી કરોડોની રકમ ફાળવવામાં આવી હતી. યોજનાના ટેન્ડર, વર્ક ઓર્ડર, કામગીરી, માપણી, બિલ ચુકવણી અને પ્રોજેક્ટના અમલીકરણમાં નિયમોનું પાલન થયું કે નહીં તેની સંપૂર્ણ તપાસ કરવા માંગ કરવામાં આવી છે.

ફરિયાદમાં કોના નામ દર્શાવાયા?

ફરિયાદમાં તત્કાલીન ચીફ ઓફિસર કરમટા રામાભાઈ નાથાભાઈ, તત્કાલીન વહીવટદાર તથા મામલતદાર એન.બી. લાણધોજો, તુલશી પ્રોજેક્ટ્સ/તુલશી કન્સ્ટ્રક્શન રાજકોટના જવાબદાર વ્યક્તિ કેતનભાઈ બી. કાનાણી, તુલશી કન્સ્ટ્રક્શન તરફથી પેટા કોન્ટ્રાક્ટ સંભાળનાર તરીકે દર્શાવાયેલા મહાવીરભાઈ, તત્કાલીન એકાઉન્ટન્ટ બાલાશંકરભાઈ કેશવજીભાઈ જોષી, સિવિલ એન્જિનિયર વિશાલ પાંભર અને ડિઝાઈન સર્કલ, અમરેલીના ગવર્નમેન્ટ એપ્રુવ્ડ પેનલ એન્જિનિયર હીમાશુભાઈ એમ. ધાનાણીના નામ દર્શાવવામાં આવ્યા છે.

ફરિયાદમાં તપાસ દરમિયાન જવાબદાર ઠરે તેવા અન્ય અધિકારીઓ અને કર્મચારીઓની પણ તપાસ કરવાની માંગ કરવામાં આવી છે.

શું છે મુખ્ય આક્ષેપો?

ફરિયાદીનો આક્ષેપ છે કે મંજૂર ડિઝાઇન અને ટેન્ડરની શરતો મુજબ કેટલીક કામગીરી વાસ્તવિક સ્થળે કરવામાં આવી નથી, જ્યારે દસ્તાવેજોમાં કામગીરી પૂર્ણ થયેલી દર્શાવવામાં આવી હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે.

ફરિયાદમાં ખાસ કરીને પાઈપલાઈન તથા અન્ય કામો કાગળ પર પૂર્ણ દર્શાવી વાસ્તવમાં અધૂરા રાખવામાં આવ્યા હોવાનો આક્ષેપ કરાયો છે. જરૂરી પાઈપલાઈન, વાલ્વ અને અન્ય સામગ્રી અંગેના બિલ-વાઉચર તથા સ્થળ પર થયેલી વાસ્તવિક કામગીરી વચ્ચે તફાવત હોવાના પણ સવાલો ઉઠાવવામાં આવ્યા છે.

આ ઉપરાંત ખોદકામ, માટી પુરાણ અને રોડ રિસ્ટોરેશનનું કામ નિયમો મુજબ થયું કે નહીં, જરૂરી લેબોરેટરી ટેસ્ટ, ગુણવત્તા રિપોર્ટ અને ટેકનિકલ પ્રમાણપત્રો મેળવવામાં આવ્યા કે નહીં તે અંગે પણ તપાસની માંગ કરવામાં આવી છે.

ફરિયાદીએ સમગ્ર મામલે નિષ્પક્ષ પોલીસ તપાસ હાથ ધરી ટેન્ડર ફાઈલ, વર્ક ઓર્ડર, માપપોથી, બિલ-વાઉચર, પાઈપોના સ્ટોક રેકોર્ડ, લેબોરેટરી રિપોર્ટ તથા અન્ય જરૂરી દસ્તાવેજો કબજે કરી તપાસ કરવાની માંગ કરી છે. તપાસમાં જવાબદારી સાબિત થાય તો સંબંધિતો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની પણ માંગ કરવામાં આવી છે.

ફરિયાદની નકલો જૂનાગઢ જિલ્લા પોલીસ વડા, ગુજરાત રાજ્યના ગૃહમંત્રી તથા લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો (ACB), અમદાવાદને પણ મોકલવામાં આવી હોવાનું જણાવાયું છે.

રિપોર્ટઃ હરેશ મહેતા, વિસાવદર

આ સમાચાર શેર કરો:
સમય સંદેશ મેનુ